Abtak Media Google News

આવકાર મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ પ્રસ્તુત ઓમ ગ્રુપ આયોજીત થનગનાટ નવરાત્રી.

માં દેવી શકિત અંબાની આરાધનાના પર્વની ઉજવણી નવરાત્રીનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવે છે. માં આદ્યશકિતની પુજા આરતી આરાધના કરવામાં આવે છે અને નવરાત્રીમાં ખેલૈયાઓ આનંદ ઉત્સાહ સાથે નવરાત્રી ઉત્સવનો આનંદ માણે છે.

કેશોદ શહેરમાં જ્ઞાતી આધારીત ગરબીઓના આયોજનો વધુ થઈ રહ્યા છે ત્યારે કેશોદ શહેર તથા તાલુકાભરના ખેલૈયાઓ માટે કેશોદના સદભાવના ટ્રસ્ટ સંચાલિત હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ પ્રસ્તુત ઓમ ગ્રુપ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવનું કેશોદના રેલવે સ્ટેશન સામે બોમ્બે પ્રોવીઝન પાસેના ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

થનગનાટ નવરાત્રી મહોત્સવમાં સમગ્ર ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવશે. અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે ખ્યાતનામ ગાયક કલાકારોના ગ્રુપ સંગાથે વિશાળ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રમવાની તથા સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

થનગનાટ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સદભાવના ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. સદભાવના ટ્રસ્ટ સંચાલિત હરતું ફરતું શ્રવણ ટીફીન રથ વિશે વિગતવાર જાણીએ સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણીનો એજ સાચી માનવતાની વાણીના સુત્રને સાર્થક કરવા છેલ્લા ચાર વર્ષથી દરરોજ રાત્રે ૭ થી ૯ વાગ્યા સુધી જરૂરીયાતમંદ લોકો સુધી ટીફીન પહોંચાડવામાં આવે છે. તે ઉપરાંત અનાથ આશ્રમમાં વાર તહેવારોએ ભોજન કરાવવામાં આવે છે. દરેક તહેવારોમાં ઝુંપડપટ્ટીઓમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવવામાં આવે છે.

જરૂરીયાતમંદ લોકોને કપડા અને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે વૃદ્ધોને યાત્રા કરાવવામાં આવે છે તે ઉપરાંત મેડિકલ સાધનો સહાય કેન્દ્ર પણ કાર્યરત છે. જેમનું ઉદઘાટન કથાકાર પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સદભાવના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઈ દેવાણી, ટ્રસ્ટી ભરતભાઈ વડાલીયા, મુકેશભાઈ સોની, ઋષિકેશભાઈ દવે, ધર્મેશભાઈ સોની, રાજુભાઈ ગોઠલીયા, કેશુભાઈ ગજેરા સહિત અન્નક્ષેત્રમાં તન મન ધનથી સેવા આપી રહ્યા છે ત્યારે સદભાવના ટ્રસ્ટ સંચાલિત હરતું ફરતું શ્રવણ ટીફીન રથના લાભાર્થે યોજાનાર થનગનાટ નવરાત્રી મહોત્સવમાં પધારી નવરાત્રીની ઉજવણી સાથે સેવાકીય પ્રવૃતિમાં સહભાગી બનવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.