Abtak Media Google News

ખેડૂતો-વેપારીઓને ૬૦ વર્ષ પછી પેન્શન, રામમંદિર નિર્માણનો વાયદો

૬ કરોડ લોકોની મદદથી મેનિફેસ્ટો તૈયાર કરાયાનો દાવો: સિટીઝન એમેન્ડમેન્ટ બીલ સંસદના બંને ગૃહમાં પાસ કરાવવાનો વાયદો: ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરાશે: ૧ લાખ સુધીના ધિરાણમાં ૫ વર્ષ સુધી વ્યાજ માફી

1 3 1554705023

લોકસભાની ચુંટણીના પહેલા તબકકાના મતદાનના આડે ૩ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે સતાધારી પક્ષ ભાજપે આજે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે એવો દાવો કર્યો હતો કે, ૬ કરોડ દેશવાસીઓની મદદથી મેનીફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે જો કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર રચાશે તો ખેડુતો અને વેપારીઓને ૬૦ વર્ષ પછી પેન્શન આપવામાં આવશે. જયારે ખેડુતોને ૧ લાખ સુધીનું ધીરાણ ૫ વર્ષ સુધી વ્યાજમુકિત અપાશે. રામમંદિરના નિર્માણનો સંકલ્પ ફરી એક વખત ભાજપે પોતાના ચુંટણી ઢંઢેરામાં દર્શાવ્યો છે.

મેનિફેસ્ટો જાહેર થયા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાંચ વર્ષ સુધી દેશની જનતાએ વિશ્વાસ રાખ્યો છે. તેમણે કહ્યું કે, આ સંકલ્પ પત્રમાં જન-મનની વાત છે. મેનિફેસ્ટોમાં ૩ મુખ્ય વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે અને સુશાસન અમારો મંત્ર છે. અમારા સંકલ્પ પત્રમાં સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી ત્યાં સુધીમાં લક્ષ્યાંક પૂરો કરી શકાય. વડાપ્રધાને જાહેરાત કરી છે કે, અમે અલગથી જળ શક્તિ મંત્રાલય બનાવીશું. જેના અર્ંતગત પાણીના ઉપયોગ વિશે વાત કરી શકાશે.

ભાજપે પોતાના ચુંટણી ઢંઢેરાને સંકલ્પ ભારત, સશકત ભારત તેવું નામ આપ્યું છે. ચુંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે ૬ કરોડ લોકોની મદદ લેવામાં આવી છે. ખેડુતો અને વેપારીઓને કેન્દ્ર સ્થાને રાખી ચુંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો છે. ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરી દેવામાં આવશે. ૨૫ લાખ કરોડ રૂપિયા ગ્રામીણ ક્ષેત્રના કામ માટે ખર્ચ કરવામાં આવશે. ભાજપની સરકાર બનશે તો ખેડુતો અને વેપારીઓને ૬૦ વર્ષ પછી પેન્શન આપવામાં આવશે. મેનીફેસ્ટોમાં મુખ્ય ૩ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રવાદને મુખ્ય રાખવામાં આવ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ એ પક્ષની મુખ્ય પ્રાથમિકતા રહેશે જો કેન્દ્રમાં ફરી ભાજપ સરકાર બનશે તો સિટીઝન એમેન્ડમેન્ટ બિલ સંસદના બંને ગૃહમાં પસાર કરી દેશમાં લાગુ કરવામાં આવશે. જેમાં કોઈપણ રાજયની સંસ્કૃતિ કે ભાષાની ઓળખ બચે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. રામમંદિરના સંકલ્પનું પણ ચુંટણી ઢંઢેરામાં પુનરાવર્તન કરવામાં આવ્યું છે. સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે, રામમંદિરનું નિર્માણ ઝડપથી શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. આટલું જ નહીં. કાશ્મીરમાંથી કલમ ૩૫ અ હટાવી દેવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ચુંટણી ઢંઢેરો જાહેર કરતા જણાવ્યું હતું કે, પ્રત્યેક પરીવાર માટે પાકુ મકાન, એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. દરેક ઘરોને ૧૦૦ ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે. ૨૦૨૨ સુધીમાં જેટલા રેલવેના પાટા છે તેને બ્રોડ ગ્રેજમાં પરીવર્તીત કરી દેવામાં આવશે અને રેલવે લાઈનને સંપૂર્ણ રીતે વિદ્યુતીકરણ કરી દેવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. ડિજિટલ લેણ-દેણ વધારવામાં આવશે અને સરકારી સેવાઓ પણ ડિજિટલ બનાવવામાં આવશે. શિક્ષણ માટે પણ પુરતું ધ્યાન અપાશે. મેનેજમેન્ટ સ્કુલોમાં સીટોની સંખ્યા વધારવામાં આવશે. એન્જીનીયરીંગમાં અમે એકસીલન્ટ સંસ્થાઓમાં અને કાયદાકીય કોલેજોની સીટોમાં પણ વધારો કરીશું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આતંક વિરોધી ઝીરો ટોલરન્સ પોલીસી રહેશે. ભારતમાં થતી ઘુષણખોરી માટે કડક પગલા લેશું, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ૧.૨૫ લાખ હેલ્થકેર સેન્ટર બનાવવામાં આવશે. ગરીબોને તેમના દરવાજા પર જ મેડિકલ સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. દરેક ૧૪૦૦ દર્દીઓએ એક ડોકટર મળી રહે તેવી પણ સુવિધા ઉભી કરાશે. સેનામાં મહિલાઓની ભાગીદારી વધી છે. હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં આવશે. સંવિધાન સંશોધનના આધારે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા આરંક્ષણ આપવા માટે સરકાર પ્રતિબઘ્ધ છે.

રાષ્ટ્રીય વેપાર આયોગ બનાવવામાં આવશે જે વેપારીઓ અને બિઝનેસમેનની ચિંતા કરશે. ભાજપે ખેડુતોની સાથે સાથે લઘુ અને મધ્યમ વર્ગના વેપારીઓની પણ ચિંતા કરી છે જેથી દુકાનદારોને પણ ૬૦ વર્ષની ઉંમર પછી પેન્શન આપવામાં આવશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતના રેન્કમાં વધારે સુધારો કરવામાં આવશે. નિકાસ બમણી કરાશે અને ઉધોગો માટે વધારે સરળતા ઉભી કરવામાં આવશે. મેનીફેસ્ટો જાહેર કરતા પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પાંચ વર્ષના મોદીના કાર્યકાળને શ્રેષ્ઠ ગણાવ્યો હતો.

તેઓએ વધુમાં ઉમેયુર્ંં હતું કે, ખેડુત સન્માન યોજના અંતર્ગત ૨ હેકટર કરતાં ઓછી જમીનવાળા ખેડુતને ૬ હજાર રૂપિયા આપવામાં આવશે જેનો પહેલો હપ્તો ચુકવી દેવામાં આવ્યો છે. હવે ૨ હેકટરથી ઓછી જમીનવાળા નહીં પરંતુ દરેક ખેડુતને ૬ હજાર મળે તેવી યોજના અમે લાવીશું.

સંકલ્પ પત્ર જાહેર કરતાં પહેલાં અમિત શાહે કહ્યું, ૨૦૧૪માં અમે દેશની સામે ૫ વર્ષનું વિઝન રાખ્યું હતું. તેના પર દેશની જનતાએ વિશ્વાસ રાખીને અમને બહુમત અપાવ્યો હતો. પૂર્ણ બહુમત છતા અમે એનડીએની સરકાર બનાવી અને દેશને આગળ વધારવાનું કામ કર્યું. અમિત શાહે કહ્યું કે, અમારા કાર્યકાળના ૫ વર્ષમાં અમારી સરકારે ઐતિહાસીક કામ કર્યું છે. દેશના ઈતિહાસમાં પાંચ વર્ષ વિકાસ માટે ઓળખવામાં આવશે. તેમણે કહ્યું કે, બીજેપ સરકારે દેશમાં અસ્થિરતાને પૂરી કરી છે. અમિત શાહે કહ્યું કે, અમારી સરકારે ૫૦ કરોડ લોકોના ગરીબી સ્તરમાં સુધારો કર્યો છે. આજે દેશ મહાશક્તિ બનીને સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, ૨૦૧૪માં ભારતની અર્થવ્યવસ્થા ૧૧માં નંબરે હતી અને આજે આપણો દેશ દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાના સ્થાને છે.

સંકલ્પ પત્ર જાહેર કરવાના સમયે ભાજપના સ્ટેજ પર વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સિવાય મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગહલોત અને રામલાલ પણ હાજર હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.