Abtak Media Google News

યાત્રાનું  મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફલોટ, શહીદ કુટીર રહેશે; સ્વાતંત્ર્ય સેનાનીના જીવંત પાત્રો પણ જોવા મળશે; પૂર્ણાંહુતિ બાદ ધ્વજવંદન, રાષ્ટ્રગાન, શહીદોને શ્રદ્ધાંજલી અને ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાશે

સામાજીક સમરસતા મજબુત બનાવવા દેશમાં પ્રસરેલી બટવારાની ભાવનાને દૂર કરવા અને હમ સબ એક હૈનો નારો સિધ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે એક ભવ્ય રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અંદાજે ૧૦૦૦થી વધુ લોકો જોડાશે.

આ યાત્રાનું મુખ્ય આકર્ષક ભારત માતાનો મુખ્ય ફલોટ, શહીદ કુટીર તથા ૨૫૧ ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે જેને ચાલીને સમગ્ર રૂટમાં લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓના જીવંન પાત્રો પણ રહેશે. યાત્રાની પૂર્ણાંહુતિ બાદ સમૂહ ધ્વજ વંદન, સમુહ રાષ્ટ્રગાન, શહીદો અને સમૂહ શ્રધ્ધાંજલી તેમજ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ રહેશે. જાહેર યાત્રામાં નારી શકિતનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરૂષો સાથે ખંભે ખંભો મિલાવી ને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ બાઈક લઈને તથા ચાલીને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભકિતના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.

યાત્રાનું પ્રસ્થાન સવારે ૯.૩૦ વાગ્યે અરવિંદભાઈ મણીયાર હોલ પાસેથી થશે ત્યારબાદ ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ, સોનીબજાર ચોક, ગરૂડ ગરબી ચોક રામનાથપરા ખાતે સમાપન થશે. યાત્રામાં ધ્વજને પુરી યાત્રામાં લઈને ચાલવાની જવાબદારી ગો રક્ષા દળના સભ્યોએ લીધેલ છે. રોબિન હુડ આર્મીના મેમ્બરો દ્વારા હવે ભારત ભૂખ્યું નઈ સુવે જેવા વિવિધ સ્લોગનો સાથે યાત્રામાં જોડાશે. હેવ વિથ હેપીનેસ ગ્રુપ તેમજ માલધારી સમાજ દ્વારા રાજેશ્રી ટોકીઝ પાસે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. બડા બજરંગ મિત્ર મંડળ દ્વારા ગરૂડ ગરબી ચોક ખાતે સમગ્ર પૂર્ણાહુતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. યાત્રામાં દરેક સંસ્થાઓ, મિત્ર મંડળોને દેશ પ્રેમી લોકોને જોડાવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.