Abtak Media Google News

ખારાઘોડાના રણમાં એક તરફ પીવાના પાણીની તંગી બીજી તરફ નર્મદાના પાણીના વેડફાટથી એળે જતી અગરીયાઓની સાત મહિનાની મહેનત

પાટડી તાલુકાના ખારાધોડાના રણમાં દર વર્ષે દિવાળી પછી નર્મદાનું ઓવરફલો થયેલું પાણી મીઠાના અગરમાં ફરી વળે છે અને અગરીયાઓની બે મહિનાની મહેનત પર પાણી ફરી જાય છે ત્યારે બજાણા ઓકળામાં થઈને નર્મદા નહેરનું પાણી ખારાઘોડામાં સરીના ભાગમાં આવેલ દેગામ શ્રી રામ, સોની જેવી અનેક મંડળીમા માઈલો સુધી કેનાલનું પાણી ફરી વળે છે.

અગરીયાઓ ઓક્ટોબર મહિનામાં રણમાં કડકડની ઠંડી સહન કરી મીઠું પકવવાની કામગીરી શરૂ કરે છે અને લગભગ સાત મહિનામાં મીઠું તૈયાર થઈ જાય છે પરંતુ નીચાણવાળા વિસ્તારમાં મીઠાના પાટાઓમાં આ નર્મદાનું પાણી ફરી વળતાં અગરીયાઓએ મહામહેનતે તૈયાર કરેલા મીઠું પકવવાના પાટા ધોવાઈ જાય છે અને મીઠું પકવવા માટે જમીનમાંથી ડીઝલ બાળીને કાઢેલું ખારૂ પાણી ખારાપાણીને આ પાણી મીઠું કરી નાંખે છે આથી બે મહિનાની મહેનત અને ખર્ચ અગરીયાનું આ પાણીમાં વહી જાય છે.

7537D2F3 2

દર વર્ષે આવતાં આ પાણી માટે ધારાસભ્યો, સાંસદ, નેતા સહિતના આગેવાનો રણમાં જઈ જોઈને આવતાં રહે છે અને નર્મદા વિભાગને જાણ કરે છે ત્યારે અગરીયાઓ ૫ાટડી નર્મદા ઓફીસનો સંપર્ક કરે ત્યારે તેઓ પણ માથે રાખતાં નથી અને કડી, મહેસાણા, બહુચરાજી ઓફીસવાળાને ફોન કરતાં તેઓ પણ જવાબદારી સ્વીકારતાં નથી.  ત્યારે અગરીયાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે દિવાળીને ગયા બે મહિના જેટલો સમય વિતિ ગયો છે અને રણ પણ સુકું થઈ ગયું છે છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા અગરીયાઓને પીવાના પાણી માટે ટેન્કરો શરૂ કર્યા નથી.

એક તરફ આગરીયાઓને પીવા માટે પાણી નથી અને લાખો ગેલન પાણી ખોટી રીતે વહી જાય છે અને અગરીયાઓને નુકશાન કરે છે તેમ છતાંય તંત્ર મૌન છે જ્યારે બીજી બાજુ રણકાંઠાના ખેડુતો કેનાલમાં પાણી છોડવા માટે નર્મદા વિભાગને વારંવાર રજુઆતો કરે છે અને આવેદન પત્રો આપે છે છતાં નહેરોમાં પાણી આવતું નથી અને રવિપાક બળી રહ્યાં છે ત્યારે રણમાં વેડફાતું પાણી ખેડુતોને આપવામાં આવે તો ખેતી સહિત મીઠાનો પાક પણ બચી જાય આથી તાત્કાલીક પાણી બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને અગરીયાઓની વેદના કોઈ મીઠાના વેપારી, આગેવાનો, નેતાઓને દેખાતી હોય તો તાત્કાલીક તંત્રને સાથે રાખી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.