Abtak Media Google News

હાલ ડેમમાંથી દૈનિક ૪૫ એમએલડી પાણીનો ઉપાડ: જુનના બીજા પખવાડિયામાં ખેચાખેંચીના એંધાણ

સૌની યોજના અંતર્ગત આજી-૧ ડેમમાં નર્મદાનાં નીર ઠાલવ્યા બાદ ગત માર્ચ માસથી મહાપાલિકાની માલિકીના એકમાત્ર જળાશય એવા ન્યારી ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જોકે છેલ્લા એક પખવાડિયાથી કોઈ અકળ કારણોસર ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને ફરી પાછા કયારે નીર શરૂ કરાશે તે પણ નકકી નથી. હાલ ડેમમાંથી દૈનિક ૪૫ એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જો ઉપાડ વધશે તો જુનના બીજા પખવાડિયામાં ખેચાખેંચી થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ, ગત ૧લી માર્ચથી ડેમમાં રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ગત ૧લી એપ્રીલથી ન્યારીમાં નર્મદાનું પાણી ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
૧ માસમાં ન્યારીમાં ૩૧૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. હાલ ડેમ ૧૪ ફુટ સુધી ભરેલો છે અને ડેમમાં ૩૮૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા માટે ન્યારીમાંથી રોજ ૪૫ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. હાલની સપાટી અને ઉપાડની ગણતરી કરવામાં આવે તો જુન માસ સુધી ચાલે તેટલો જળ જથ્થો ન્યારીમાં ઉપલબ્ધ છે. જો ઉપાડ વધારવામાં આવશે તો જુનના બીજા પખવાડિયામાં જળ કટોકટીના એંધાણ પણ વર્તાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.