નરેશ પટેલે ભાજપને સમર્થન જાહેર કર્યાની ચર્ચા

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે શુભેચ્છા મુલાકાત બાદ નરેશભાઈ પટેલે જીતુભાઈ અને ભાજપને જીતાડવા મતદારોને અપીલ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે બે દિવસનો સમયગાળો બાકી રહ્યો છે અને પ્રચાર-પ્રસારના ભુંગડા શાંત થઈ ગયા છે ત્યારે આજે ગુજરાતના રાજકારણમાં નવો જ વળાંક આવ્યો છે. સૌરાષ્ટ્રના જાણીતા પટેલ અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે ભાજપને સમર્થન આપ્યું હોવાનું અને ભાજપને જીતાડવા માટે લોકોને અપીલ કરી હોવાની ચર્ચાએ વેગ પકડતા ભારે ઉતેજતા વ્યાપી જવા પામી છે જોકે આ અંગે સતાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

આજે સવારે ભાવનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વચ્ચે શુભેચ્છા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.જોકે આ અંગે સતાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર નિલેશ સવાણીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નરેશભાઈ પટેલ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યકિત છે તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી. આજે તેમની અને જીતુભાઈ વાઘાણી વચ્ચે માત્ર શુભેચ્છા બેઠક યોજાઈ હતી. કોઈ પાર્ટીને ટેકો આપ્યાની વાત પાયાવિહોણી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજકોટમાં પાસના સુપ્રીમો હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ હાર્દિક પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, તેઓને નરેશભાઈ પટેલે સમર્થન આપ્યું છે. જોકે બાદમાં આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું. આજે ફરી એક વખત નરેશભાઈના નામે સમાચાર વહેતા થયા છે. જેમાં નરેશભાઈએ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જવા પામી છે. બેઠક બાદ નરેશભાઈ પટેલે એવું નિવેદન આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભાજપને વિજેતા બનાવજો. જોકે આ વાતને સતાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી.

Loading...