Abtak Media Google News

ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ૧૮ રાજયોમાં સરકાર બનાવી હતી જયારે ભાજપે ૧૯ રાજયમાં સરકાર બનાવી

એક સમયે ભારતના સૌથી વધુ સ્વિકાર્ય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના શાસનથી એક મુઠ્ઠી ઉચેરી મોદી સરકાર બની છે.

હાલ મોદીની આગેવાનીની ભાજપ સરકાર ૧૯ રાજયોમાં છે. જે તે સમયે ઈન્દિરા ગાંધીની આગેવાનીની કોંગ્રેસ સરકાર ૧૮ રાજયોમાં હતી.

વડાપ્રધાન મોદી અને ઈન્દિરા ગાંધી વચ્ચે સામ્યતા અંગેની ચર્ચા અનેક વખત થઈ ચૂકી છે. મોદીના નિર્ણયોને ઘણી વખત ઈન્દિરા ગાંધીના નિર્ણયો સાથે સરખાવવામાં આવ્યા છે. જો કે, હાલની પરિસ્થિતિ અને તે સમયની પરિસ્થિતિમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. ઈન્દિરા ગાંધી તે સમયે કોંગ્રેસના સર્વેસર્વા હતા તે સમયે ૧૮ રાજયોમાં કોંગ્રેસની સરકાર હતી. જો કે, ભાજપ અને તેના સાથી પક્ષો હાલ દેશના ૧૯ રાજયોમાં સરકાર ચલાવી રહ્યાં છે અને ટૂંક સમયમાં વધુ રાજયોમાં ભાજપ સરકાર રચાશે તેવો વિશ્ર્વાસ વડાપ્રધાન મોદીએ વ્યકત કર્યો છે.

ઈન્દિરા ગાંધીના સમયમાં લોકો તેમને ભરપુર માન આપતા હતા. વાતાવરણ વ્યક્તિ પૂજા સમાન બની ગયું હતું. ઈન્દિરાની લોકચાહના ચરમસીમાએ હતી. આવી જ બાબત મોદી સાથે બની રહી છે. મોદીની લોકપ્રિયતા ચરમસીમાએ છે. ઠેર-ઠેર મોદીનો કરિશ્મા ચાલી રહ્યો છે. દેશ ફરી પાછો વ્યક્તિ પૂજા તરફ વળી રહ્યો હોય તેવું ફલીત થઈ રહ્યું છે.

ઈન્દિરા કાળ કરતા મોદી એરા વધુ જનૂની છે. ઠેર-ઠેર કોંગ્રેસની સરકાર તૂટી રહી છે અને ભાજપની સરકાર રચાઈ રહી છે. મોદી અને અમિત શાહની જોડીએ ભાજપને અનેક ક્ષેત્રે સફળતાઓ અપાવી છે.

મોદીની રાજકીય દ્રષ્ટિ ઈન્દિરા ગાંધીને સમકક્ષ ગણવામાં આવે છે. ગઈકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાવુક બનેલા મોદીએ કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ૧૮ રાજયોમાં સરકાર હતી. જયારે છેલ્લા ત્રણ થી સાડા ત્રણ વર્ષમાં ભાજપે ૧૯ રાજયોમાં સરકાર બનાવી છે.

ટૂંક સમયમાં આપણે અન્ય રાજયોમાં પણ સત્તા હાંસલ કરશું. વડાપ્રધાન મોદીએ ભાજપની સફળતાનો શ્રેય અમિત શાહને આપ્યો હતો.

ગઈકાલે અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ રાત્રે ૨ વાગ્યે અને વહેલી સવારે ૬ વાગ્યે ફોનથી જાણકારી મેળવતા હતા. હું એ નથી સમજી શકયો કે તેઓ કયારે સુઈ શકયા હતા. માત્ર ૭૭ બેઠકો જીતીને પણ કોંગ્રેસ પોતાની જીત ગણાવતી હોવાની વાત પણ અમિત શાહે કરી હતી.

  • ૨૦મું રાજય અંકે કરવા કર્ણાટકમાં ખેલાશે વિસ્તારોમાં મતદારોનો ખેલ

ભાજપે ૧૯ રાજયોમાં સત્તા બનાવી છે ૨૦માં રાજયમાં સરકાર બનાવવા કર્ણાટકને પસંદ કરાયું છે. ૨૦૧૮માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા કર્ણાટકના ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપ ગુજરાતવાળી કરે તેવી શકયતા છે. શહેરી ક્ષેત્રોમાં ભાજપની પકડ છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રમાં પગ પેશારો કરવાની તૈયારી થઈ રહી છે.

જાતિવાદી આંદોલનો, ખેતીલક્ષી સમસ્યાઓ, રોજગારીની તકોનું ઓછુ પ્રમાણ, વધતી મોંઘવારી સહિતના ઈસ્યુને ભાજપ કર્ણાટકમાં ચૂંટણી જીતવા માટે હથિયાર બનાવવા જઈ રહી છે.

કર્ણાટકની ચૂંટણી જીતવાની ચાવી ગ્રામ્ય મતદારોના હાથમાં છે જે ભાજપ સારી રીતે જાણે છે. પરિણામે જેવી સ્થિતિ ગુજરાતમાં ઉભી થઈ હતી તેવી સ્થિતિ કર્ણાટકમાં ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. કર્ણાટકમાં ૭૦ શહેરી અને ૧૫૪ ગ્રામ્ય બેઠકો છે. અડધાથી વધુ શહેરી બેઠકો એકલા બેંગ્લોરમાં છે જયારે અન્ય બેઠકો વિવિધ શહેરોમાં પથરાયેલી છે. ગ્રામ્ય બેઠકોનું પ્રમાણ વધુ હોવાથી ગ્રામ્ય મતદારો ઉપર ભાજપનું સમગ્ર ધ્યાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.