નરેન્દ્ર મોદી,અમિત શાહ અને અડવાણી કાલે મતદાન કરશે

વડાપ્રધાન બન્યા બાદ મોદી પ્રથમવાર ગુજરાતમાં કરશે મતદાન

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ગત શનિવારે પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે રાજયના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે બીજા અને અંતિમ તબકકાનું મતદાન યોજાવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી સહિતના દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગઈકાલે સાંજે પ્રચાર-પડઘમ પૂર્ણ થતાની સાથે જ બીજા તબકકાના મતદાન માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે.

પ્રથમ તબકકાના મતદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજય સરકારના અનેક મંત્રીઓ સહિત કુલ ૯૭૭ ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમમાં સીલ થયા છે. દરમિયાન ઉતર, પૂર્વ અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડાપ્રધાન આવતીકાલે અમદાવાદમાં નિશાન વિદ્યાલય ખાતે મતદાન કરવા આવશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ નારણપુરા વિસ્તારમાં આવેલા બુથ પર જઈ મતદાન કરશે. ગુજરાતથી રાજયસભાના સાંસદ અને કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી વેજલપરમાં મતદાન કરશે. જયારે પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ગાંધીનગરથી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરશે.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી બોરસદ વિધાનસભા મત વિસ્તારમાંથી, વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા શકિતસિંહ ગોહિલ ગાંધીનગરમાંથી અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ડભોઈ મત વિસ્તારમાંથી મતાધિકારનો ઉપયોગ કરશે.

આવતીકાલે બીજા તબકકાના મતદાનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના રાજકીય માંધાતાઓના રાજકીય ભાવી મતદારો ઈવીએમમાં સીલ કરશે. બંને તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી ૧૮મી ડિસેમ્બરના રોજ સવારે ૮:૦૦ કલાકથી નિયત કરેલા સ્થળોએ એકી સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજયમાં ભાજપની સરકાર બનશે કે કોંગ્રેસની ૨૨ વર્ષના લાંબા ઈન્તેજાર બાદ સતાસુખ મળશે તે વાત પરથી સોમવારે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં પડદો ઉંચકાઈ જશે. પ્રથમ તબકકાના મતદાનમાં ૮૯ બેઠકો માટે સરેરાશ ૬૭ ટકા મતદાન થયા બાદ બીજા તબકકાના મતદાનની ટકાવારી ઉંચી રહે તે માટે ચૂંટણીપંચે કમરકસી છે. જોકે ઠંડી સહિતના પરીબળોના કારણે કાલે મતદાન પર વિપરીત અસર થવાની છે.

Loading...