જિલ્લામાંથી ડી.કે.સખીયાનું નામ: મોહનભાઈ સામે પણ રાજીપો

67

રાજકોટ લોકસભા બેઠક માટે પ્રદેશ નિરીક્ષક નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકર દ્વારા સેન્સ લેવાઈ: જિલ્લા ભાજપ મહામંત્રી ડો.ભરત બોઘરા અને ચેતન રામાણીના નામો પણ મુકાયા: બપોર બાદ રાજકોટ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણના અપેક્ષિત કાર્યકરો સેન્સ આપશે

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે આગામી ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે સતાધારી પક્ષ ભાજપ દ્વારા તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા માટે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષક નરહરીભાઈ અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠકકરે રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવાર પસંદ કરવા અપેક્ષિતોને સાંભળ્યા હતા અને તેઓ પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો.

રાજકોટ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાની ૭ બેઠકો પૈકી બપોર સુધીમાં જસદણ, ટંકારા-પડધરી, વાંકાનેર અને રાજકોટ ગ્રામ્ય બેઠકોના કાર્યકરો અને આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા. બપોર બાદ રાજકોટ પૂર્વ, પશ્ચિ અને દક્ષિણ વિધાનસભા બેઠકના અપેક્ષિતોને સેન્સ લેવામાં આવશે. જિલ્લામાંથી જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાનું નામ ચાલી રહ્યું છે જયારે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવે તો પણ કાર્યકરોએ જીતાડી દેવાની બાંહેધરી સાથે રાજીપો વ્યકત કર્યો હતો.

કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સવારથી રાજકોટ લોકસભા બેઠકના પ્રદેશ નિરીક્ષક નરહરી અમીન, બાબુભાઈ જેબલિયા અને જયાબેન ઠકકર દ્વારા ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ જસદણ વિધાનસભા બેઠકના અપેક્ષિતોને સાંભળવામાં આવ્યા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાને ટિકિટ આપવામાં આવે તેવી કાર્યકરોએ લાગણી વ્યકત કરી હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ડો.ભરત બોઘરા માટે પણ ટિકિટની માંગણી કરવામાં આવી હતી.

કાર્યકરોએ એવો સુર પણ વ્યકત કર્યો હતો કે, વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. અન્ય કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો પણ અમે રાજકોટ બેઠક પર કમળ ખીલવવા માટે પુરા ખંતથી કામે લાગી જશું. ટંકારા-પડધરી વિધાનસભાના અપેક્ષિત કાર્યકરોએ પણ ડી.કે.સખીયાના નામ પર સહમતી દર્શાવી હતી. વાંકાનેર વિધાનસભા બેઠક માટે અપેક્ષિત કાર્યકરોએ સેન્સ દરમિયાન કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો પોતાને કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોહનભાઈ કુંડારિયા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેને ફરી રીપીટ ન કરવાની માંગણી પણ નિરીક્ષકો સમક્ષ રજુ કરી હતી. જીતુભાઈએ કાર્યાલયમાં નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ગાળાગાળી કર્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

સૌથી છેલ્લે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના અપેક્ષિત કાર્યકરોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા જેમાં તમામે મોહનભાઈને રીપીટ કરવામાં આવે તો કશો જ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. સાથો સાથ ડી.કે.સખીયાના નામ સામે પણ રાજીપો વ્યકત કર્યો હતો.

આજે બપોર સુધીમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠકો પૈકી ૪ બેઠકોના અપેક્ષિતોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લામાંથી ડી.કે.સખીયાનું નામ સૌથી આગળ ચાલ્યું હતું. આ ઉપરાંત ડો.ભરત બોઘરા અને ચેતન રામાણીના નામોની પણ ચર્ચા થઈ હતી. તમામે મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવામાં આવે તો પણ કોઈ એતરાજ ન હોવાનું જણાવ્યું હતું.

પ્રદેશ નિરીક્ષકો દ્વારા બપોરે ૪:૩૦ કલાકે ફરી સેન્સ પ્રક્રિયા શ‚ કરશે જેમાં સૌપ્રથમ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ શહેરના વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ના ૪૩ અપેક્ષિતોને સાંભળવામાં આવશે ત્યારબાદ રાજકોટ પશ્ર્ચિમ-૬૯ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ વોર્ડ નં.૧,૨,૩,૮,૯ અને ૧૦ના ૭૦ અપેક્ષિત કાર્યકરોને સાંભળવામાં આવશે ત્યારબાદ સાંજે રાજકોટ દક્ષિણ-૭૦ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ વોર્ડ નં.૭,૧૩,૧૪ અને ૧૭ના ૪૮ અપેક્ષિતોને નિરીક્ષકો સાંભળશે. જો કોઈ આગેવાન કે કાર્યકરો વ્યકિતગત રીતે નિરીક્ષકોને મળવા માંગતું હશે તો નિરીક્ષકો તેઓને સાંજે ૭:૩૦ કલાક બાદ મળશે.

આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરીક્ષકો સમક્ષ આવેલા તમામ નામો અને અભિપ્રાયોનો અહેવાલ ગુજરાત ચુંટણી સમિતિ સમક્ષ રજુ કરી દેવામાં આવશે ત્યારબાદ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં આ અહેવાલો પર ચર્ચા-વિચારણા કર્યા બાદ આખરી અહેવાલ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરાશે અને ઉમેદવારોના નામની ઘોષણા દિલ્હી ખાતેથી કરવામાં આવશે.

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. ૨૮મી માર્ચના રોજ ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થશે અને ૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ભાજપ સંભવત: એક અથવા બે એપ્રિલના રોજ ઉમેદવારોના નામની ઘોષણા કરી દે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે.

Loading...