Abtak Media Google News

ટેકાના ભાવની મગફળીનું કૌભાંડ આચરનાર મગન ઝાલાવડિયાએ મગફળીનો વેપાર ચાલુ કર્યાનો તપાસમાં ઘટસ્ફોટ

જૂનાગઢના મોટી ધાણેજ ગામની સરકારી મંડળી દ્વારા ખરીદવામાં આવેલ અને જેતપુર તાલુકાના પેઢલા ગામના ગોડાઉનમાં રાખવામાં આવેલ ટેકાના ભાવની મગફળીમાં મોટાપાયે ભેળસેળ કરવા પ્રકરણમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા સંયુક્ત રીતે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર દિવસ-રાત તપાસ ચાલી રહી છે ત્યારે આગામી એકાદ બે દિવસમાં જ મોટા કડાકા-ભડાકા વાના એંધાણ વચ્ચે તપાસનીશ એજન્સી દ્વારા નાફેડ અને ગુજકોટના જવાબદારોને સમન્સ મોકલાયા હોવાના નિર્દેશો જિલ્લા કલેકટરે આપી મગફળી કૌભાંડમાં ધરપકડનો કુલ આંક ૨૯ પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના પેઢલા ગામના ગોડાઉનમાંથી ઝડપાયેલા મગફળી કૌભાંડમાં ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યા બાદ રાજય સરકારના છૂટા દૌરને કારણે જિલ્લા પોલીસવડા દ્વારા રજે-રજની તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ મહત્વના તબકકે પહોંચી છે ત્યારે આટલા મસમોટા કૌભાંડમાં નાફેડ અને ગુજકોટના અધિકારીઓના સીધા જ આશિર્વાદ હોવાનું પ્રઠમ દ્રષ્ટિએ જણાતા તપાસનીશ એજન્સી દ્વારા ગુજકોટ અને નાફેડના અધિકારીઓને પણ પુછપરછ માટે સમન્સ મોકલાયા હોવાનું બહાર આવ્યું છે.

દરમિયાન જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પેઢલાના ગોડાઉનમાંથી બહાર આવેલા મગફળી કૌભાંડને પગલે હવે જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી જયાં જયાં સંગ્રહવામાં આવેલી છે અને જે જે મંડળીઓ દ્વારા મગફળી ખરીદવામાં આવેલ છે તે તમામ બાબતોને નજર ઉપર લઈ સમગ્ર કૌભાંડ ખુલ્લુ પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચકચારી મગફળી કૌભાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની સાથે સાથે ખુદ સત્તાધારી પક્ષના પણ કાર્યકર્તાઓની સંડોવણી ખુલ્લી પડવા છતાં તપાસનીશ અધિકારીઓને સરકાર કે નેતાઓનું જરાપણ પ્રેસર ન આવ્યું હોવાનું પણ ટોચના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

બીજી તરફ એવી પણ હકીકત સામે આવી છે કે ગુજકોટના ગોડાઉન ભાડે રાખવાની જવાબદારી જેના પર હતી તેવા મગન ઝાલાવડીયાની ભેળસેળ કાંડમાં સીધી જ સંડોવણી ખુલી છે અને મોટી ધાણેજ સરકારી મંડળીની ખરીદ કરાયેલી મગફળીમાં ભેળસેળ બાદ આ મગફળી પૈકીનો મોટો જથ્થો ખાનગી ઓઈલ મીલમાં વેચાયો હોય પોલીસ દ્વારા એક બે નહીં પરંતુ અનેક મીલોમાં ક્રોસ તપાસ પણ ચાલુ કરવામાં આવી છે અને ચોકાવનારી વાત તો એ છે કે, ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે’ ઉક્તિ મુજબ ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયાએ ભેળસેળ કરી સેરવી લીધેલી મગફળીનો ખાનગી વેપાર પણ ચાલુ કરી દીધો હોવાનું અને હજુ પણ મગફળીનું વેંચાણ તેના મળતીયા દ્વારા કરાતુ હોવાનું પણ બહાર આવ્યું છે.

મગફળી કૌભાંડમાં કોઈને પણ નહીં બક્ષાય: કલેકટર

જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામેથી ઝડપાયેલા ટેકાના ભાવની મગફળીના ભેળસેળકાંડ બાદ સરકાર સફાળી જાગી છે અને જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને તટસ્થ તપાસ કરવા કોઈની પણ શેહશરમ ન રાખવા સ્પષ્ટ સુચના મળી છે ત્યારે મગફળી કૌભાંડમાં જિલ્લા કલેકટર આકરા મુડમાં હોવાના સાફ-સાફ સંકેતો મળી રહ્યાં છે.

આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મગફળી કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસવડાની સાથે રહી તપાસને સઘન બનાવવામાં આવી છે અને હજુ સુધીમાં મગફળી કૌભાંડ મામલે કોઈપણ જાતનું દબાણ કે પ્રેસર ન હોવાનું તેમજ સરકાર તરફી ઉંડાણપૂર્વકની છાનબીન કરી કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને ખુલ્લા પાડવા સુચના મળી હોવાના સંકેતો પણ તેઓએ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગોંડલ તેમજ શાપરમાં કરોડો રૂપિયાની મગફળીનો જથ્થો સળગી ગયો હતો ત્યારે સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ એ તપાસી તદ્દન અલગ જ રીતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા ઝડપભેર કૌભાંડમાં સંડોવાયેલા લોકોને ઝડપી લઈ તપાસને વેગવંતી બનાવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં શાપર અને ગોંડલ મગફળી ગોડાઉન આગ પ્રકરણના અંકોડા પેઢલા મગફળી કૌભાંડમાંથી મળી આવે તેવા પણ સંકેતો સાપડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં મગફળીના બારદાન સળગવા પ્રકરણમાં પણ તંત્રને મહત્વપૂર્ણ કડી મળી હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.