Abtak Media Google News

કર્મયોગી વ્યક્તિત્વના ધણી તરીકે મારા પિતઅણા હંમેશા સારા કર્મો થકી ઉજાગર થતા રહેશે

મારા જન્મ પહેલાથી જ તેઓ શિક્ષણ ક્ષેત્રે અને સાંસ્કૃતિક તેમજ આઘ્યાત્તમ ક્ષેત્રે કાર્યરત હતા એ તો હું સમજણી થઇ પછી મને જાણવામાં આવ્યું. પણ હું જ્યારથી સમજણી થઇ ત્યારથી લાભુભાઇ ત્રિવેદીના પુત્રી હોવાનું ગૌરવ હું આજીવન મહેસુસ કરતી રહુ એવી મારી ઇચ્છા રહી છે. હું મારા પિતાના નામે ઓળખાવામાં મારી જાતને ગૌરવવંત અનુભવુ છું. આ ભાવવાહી શબ્દો છે લાભુભાઇ ત્રિવેદીના પુત્રી હેલીબેનના.

અબતક સાથેની  ખાસ વાતચીતમાં હેલીબેને એક પુત્રી તરીકે પિતા સાથેના સંસ્મરણોનો પટારો ખોલી નાખ્યો હતો. હેલીબેનના શબ્દોમાં જ વર્ણવીએ તો જેટલુ યોગદાન તેમણે શિક્ષણ જગતમાં આપ્યું છે એટલું જ યોગદાન કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ રહ્યું છે. એક શિક્ષણવિદ્ની સાથોસાથ તેઓ એક કલાપ્રિય જીવ હતા. આખા રાજકોટ જ નહીં પણ આજુબાજુનાં ગામડાઓમાંથી અભ્યાસઅર્થે સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓની કલાને પારખીને તેમને પરિણામલક્ષી પ્રોત્સાહન પુરૂ પાડતા.

ચીંથરે વિંટળાયેલા રાંકના રતનને તેમની કલાપારખુ દ્રષ્ટિ તુરંત ઓળખી જતી. એટલે જ દર વર્ષે એક સપ્તાહ સુધી તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા. જેમાં નાટક, નૃત્ય, એકપાત્રીય અભિનય, સંગીતની વિવિધ સ્પર્ધાઓ, ચિત્રકલા, વકતૃત્વ સ્પર્ધા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવતા. ઘણા ખ્યાતનામ કલાકારો છે જે આજે પોતપોતાના ક્ષેત્રોમાં ટોચનું સ્થાન ધરાવે છે.

એક પુત્રી તરીકે સમાજસેવાની સાથોસાથ પારિવારીક જવાબદારી પણ સુપેરે નિભાવવાની તેમની વિશિષ્ટ વ્યવહાર કુશળતાની હું પ્રત્યક્ષ સાક્ષી રહી છું. એક પિતા તરીકે તેમણે મને આપેલી એક એક ક્ષણ ભાવનાસભર રહી છે. પણ હું સ્પષ્ટપણે માનું છું કે, મોરના ઇંડાનું સારી રીતે અને યોગ્ય રીતે જતન કરતા ન આવડે તો એમની પ્રજાતિમાં વિકૃતિ આવી જતી હોય છે, જો મારા પિતાએ મા‚ લાલન-પાલન યોગ્ય રીતે ન કર્યુ હોત તો હું આજે જે સ્થાને છું ત્યાં ક્યારેય પહોંચી શકી ન હોત. આમ સમાજ ઘડતરની સાથોસાથ પારિવારીક ઘડતરમાં પણ તેઓ અવ્વલ દરજ્જાના પરિજન સાબિત થયા છે.

પુત્રી તરીકે મારા પિતાએ મને ઘણા લાડ લડાવ્યા છે. હું ચાલવાની ખુબજ આળસુ હતી માટે મને મારા પિતા ચાલીને લઇ જતા ત્યારે થોડુ ચાલી અને પછી  ચાલવું ન પડે એટલે હું ફુટપાથ પર બેસી જતી. ત્યારે મારા પિતા મને તેડીને લઇ જતા. તેમણે મને ખૂબ લાડ લડાવ્યા છે અને અમને બધા ભાઇ-બહેનને હંમેશા પોતાની રીતે જીવવાની વિચારવાની પુરી સ્વતંત્રતા આપી હતી. ક્યારેય કોઇ બાબતે અણગમો વ્યક્ત નથી કર્યો. તેમણે હંમેશા મારી ભાવનાઓની, મારી લાગણીઓની, મારી મહેચ્છાઓની કદર કરી છે. મારા દરેક મહત્વપૂર્ણ નિર્ણયમાં મને એક મિત્રની માફક સાથ સહકાર આપ્યો છે. મારા સ્નાતક થયા પછી સંસ્થાની કામગીરીની સમજણ કેળવાય એ હેતુથી તેઓ મને તેમની સાથે લઇ જતા ત્યારે તેઓ પિતા કરતા માર્ગદર્શકની ભૂમિકામાં જોવા મળતા. સંસ્થાની દરેક બાબતો, વ્યવસથા, વ્યવહા‚ જ્ઞાન અને પિતા તરીકે નહીં પણ માર્ગદર્શક ગુરૂ તરીકે આપ્યું છે. ચલ-અચલ સંપતિ માટે તેમણે ક્યારેય કોઇ કાર્ય કર્યુ નથી. એમનું સાચુ ધન તેમના કર્મો હતા એટલે જ તેમને ક્યારેય ધન સંચય કરવાનું વિચાર્યુ જ ન હતું. તેમની જરૂરિયાતો બહુ સિમીત રહેતી.

એમના દેહાવસાન બાદ બીજા જ દિવસે મે સંસ્થામાં જોડાવવાનો નિર્ણય કર્યો અને બે જ દિવસમાં સંસ્થાની કાર્યશૈલી, જવાબદારીઓ વગેરે સમજીને સંસ્થાનું સંચાલન સ્વીકાર્યુ. હું આમ કરી શકી તેનું મુખ્ય કારણ તેમના તરફથી મને મળેલા હિંમતના ગુણોનો બહુ મોટો ફાળો છે. આ ઉપરાંત એન્જિનિયરીંગ કોલેજનું તેમનું સપનું અમે ૨૦૧૦માં સાકાર કર્યુ એમાં પણ એમના તરફથી મને મળેલી હિંમતનું મોટુ યોગદાન જ જવાબદાર છે.

એમને લખવાનો ખુબજ શોખ હતો. લોકો ઉપરાંત ઘણા કાવ્યોનું સર્જન તેમની કવિહૃદયની કોમળતા સાબિત કરે છે. એ કાવ્યોમાંથી બે કવિતાસંગ્રહ ‘એક દિવસની રાત્રી’ અને બીજી ‘હું અને તુ’ આ બન્ને કૃતિઓ પ્રકાશીત પણ થઇ છે. જીવનની સત્યતા તેમની કૃતિઓમાં હંમેશા પ્રતિબિંબીત થતી જોવા મળતી.

‘કોઇ કહે છે જીવન એ ઝંખના છે, કોઇ કહે છે જીવન એ સંઘર્ષ છે’ ‘હું અને તુ’માં રજૂ કરેલી આ કૃતિ વાંચતા ખ્યાલ આવે છે કે તેઓ એક ઉત્કૃષ્ઠ ગજાના કવિવર પણ હતા.

લોકોને જમાડવા અને આતિથ્ય સત્કાર કરવો એમને ખૂબ ગમતો. વારંવાર મિત્રો માટે તેઓ ભોજન સમારંભોનું આયોજન કરતા અને આ બહાને જ્ઞાનગોષ્ઠિ પણ ચાલુ રહેતી. મારા નાનપણની એક વાત મને અત્યારે યાદ આવે છે. જ્યારે મને બાલમંદિરમાં મુકવામાં આવી હતી, મને બાલમંદિર જવાનું ગમતું ન હોવાથી હું બહુ ધમપછાડા કરતી ત્યારે તેઓ ક્યારેય ઉગ્ર થયા વગર મને ખૂબજ પ્રેમથી કહેતા કે તને જે નથી ગમતુ તે ન કર, જે ગમે છે તે જ કર, આમ બાલ્યાવસ્થાથી જ અમોને મનગમતા ક્ષેત્રમાં જવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં તેઓ હિમાયતી હતા. આવો જ એક પ્રસંગ મારે સાયન્સમાં એડમિશન લેવાનું મારૂ મન હતું ત્યારે બન્યો. એમણે મને સરળતાથી સમજાવતા કહ્યું કે જો તુ સાયન્સમાં એડમીશન લઇશ તો તારૂ ભવિષ્ય સુરક્ષિત નહીં રહી શકે. કેમકે હું મૂળભૂત રીતે કોમર્સની વિદ્યાર્થીનીહતી એટલે એમણે મને બી.એસ.સીની જગ્યાએ બી.કોમ. કરવાની શિખ આપી. બી.કોમ. પછી એમણે બી.એડ.ની સલાહ આપી જે મને-કમને માની લીધી.

આજે એ પ્રસંગને યાદ કરતા મને થાય છે કે જો પિતાની સલાહ અવગણી હોત તો આજે હું આ સ્થાને કદાચ ન પહોંચી શકત.

આમ, પિતાજીની સાથેના આવા ઘણાં સંસ્મરણો જેને હું મારી મરણમૂડી સમજુ છું, હું કોઇ સંસ્થાના ટ્રસ્ટી તરીકે ઓળખાવા કરતા લાભુભાઇ ત્રિવેદીની પુત્રી તરીકે ઓળખાવામાં મને ગૌરવિંત અનુભવુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.