Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયા કિનારે કુલ-૪ સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થપાશે  ગુંદીયાળી ડી-સેલીનેશન પ્લાન્ટથી માંડવી-મુન્દ્રા-લખપત-અબડાસા-નખત્રાણા લાભાન્વિત

રાજય સરકારે રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એક માત્ર પીવાના પાણીના સોર્સ પર આધારિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવાના હેતુથી ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળસલામતી પ્રજાને આપવા વિવિધ સ્થળોએ જરૂરિયાત મુજબ દરિયાના ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણી બનાવવા માટેના ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે. દરિયાની સ્થાનિક અને વિપુલ જળરાશિ નિરંતર પ્રાપ્ય હોવાથી પીવાનો પાણીનો કાયમી સ્ત્રોત આનાથી ઉપલબ્ધ થશે.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના દરિયા કિનારાના વિવિધ-૪ સ્થળોએ કુલ-૪ સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાનિક વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાને લઇને સ્થાપવા નિર્ણય સરકારે કરેલો છે. તેમજ તેના અમલીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ૧૦૦ એમએલટી (૧૦ કરોડ લીટર), દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામે ૭૦ એમએલટી (૭ કરોડ લીટર), ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ૭૦ એમએલટી (૭ કરોડ લીટર) અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે ૩૦ એમએલટી (૩ કરોડ લીટર) ના સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટનો લાભ સ્થાનિકોને મળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ ભૂમિપૂજન થનારા માંડવી-ગુંદીયાળી સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ માટે જરૂરી પર્યાવરણ મંજુરીઓ મેળવ્યા બાદ કાર્યરત કરાશે.

સાપુરજી પલુનજી અને કંપની પ્રા.લિ. અને એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાઈવેટ લિ. જોઇન્ટ વેન્ચર સાથેના કરાર દ્વારા આ પ્લાન્ટ આકાર પામશે.

ગુંદીયાળી ખાતે રોજનું ૧૦ કરોડ લીટર પીવાના પાણી દ્વારા ગુંદીયાળીથી હાલના પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્ક સાથે જોડી કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા તથા નખત્રાણા તાલુકાના શહેરી, ગ્રામ્ય તથા ઔધોગિક વિસ્તારોના લાખો લોકોને પાઇપલાઇન દ્વારા સી-વોટર ડી-સેલીનેટેડ પાણી આપી શકાશે અને જળસલામતીમાં વધારો કરી શકાશે. સાથો સાથ ઉપરવાસના તાલુકાઓ જેવાં કે, ભચાઉ, રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં નર્મદાનું વધારાનું પાણી ફાળવી શકાશે.

રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સમાતંર પીવાના પાણીનો સોર્સ મળતા વધુમાં એકમાત્ર પીવાના પાણીના સોર્સ નર્મદાના પાણી પરનું અવલબંન ઘટશે અને કચ્છ દરિયા કિનારાના છેવાડાના ગામો શહેરોને પીવાના પાણી માટે સ્થાનિક સોર્સ આધારિત જળ સલામતી મળશે.

વડાપ્રધાનના કાર્યક્રમને લઇ તંત્રની તડામાર તૈયારીઓ :વિવિધ સમિતિની રચના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૫મી ડિસેમ્બર જિલ્લાની સંભવિત મુલાકાતે આવનાર છે. જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ખાતે દરિયાના ખારા પાણીમાંથી દરરોજ મીઠુ પાણી કરવાના ૧૦ કરોડ લિટર ક્ષમતાના સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન અને ૩૦ હજાર મેગાવોટ સોલાર વિન્ડ હાઈબ્રીડ એનર્જી પ્રોજેકટનું લોકાર્પણ વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવનાર છે.આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ વિવિધ ૨૫ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિઓના અધિકારીઓ તેમને સોંપાયેલી કામગીરી સબંધિત અમલીકરણ અધિકારીઓના પરસ્પરના સંકલનમાં રહી કરશે.સબંધિત અધિકારીઓની રાહબરી હેઠળ સ્ટેજ સ્વાગત સમિતિ, પાર્ક સ્થળ પર કાર્યક્રમ સમિતિ, ગુંદીયાળી-માંડવી કાર્યક્રમ સમિતિ હેલીપેડ વ્યવસ્થા, ટ્રાન્સપોટેશન, મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સમિતિ પાસ, પ્રચાર-પ્રસાર, આવાસ-ભોજન, ટ્રાફિક વ્યવસ્થા, સફાઈ-પાણી વ્યવસ્થા, મોમેન્ટો, સાંસ્કૃતિક કાર્યક્રમ, આઇ.ટી. સમિતિ, વીજ પુરવઠો, મેડિકલ વ્યવસ્થા તેમજ ફાયર ફાઈટર સહિતની સમિતિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને ધ્યાને લઇ ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.