એમપી અને મહારાષ્ટ્રની કુખ્યાત આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ: 21 ગુનાનો ભેદ ઉકેલાયો

આદિવાસી શખ્સો ખેત મજૂર તરીકે રહી ગુનાને અંજામ આપી ફરાર થઈ જતાં: તસ્કરો બન્યા હાઈટેક, મોબાઈલ એપ્લીકેશનની મદદથી બંધ મકાન અને દુકાનોને નિશાન બનાવતા

રાજકોટ, જામનગર, ગોંડલ, ભાણવડ, ભાયાવદર, લોધીકા અને સુરતમાં ચોરી અને લૂંટ કર્યાની કબુલાત: રૂ.5.21 લાખનો મુદ્દામાલ કબ્જે

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની કુખ્યાત આંતરરાજ્ય ગેંગને રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મેટોડા પાસેથી એલસીબીએ આંતરરાજય તસ્કર ગેંગના એમ.પી.ના ચાર અને મધ્યપ્રદેશના 3 શખ્સોને ઝડપી લઇ લૂંટ અને ચોરી સહિત 21 ગુનાઓનો ભેદ ઉકેલી રૂા.પ.21 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલી ગેંગે રાજકોટ શહેરમાં બે સ્થળેથી, રતનપર, ભાણવડ, ભાયાવદર,  ત્રંબા, લોધીકાના પાળ ગામે, જામનગર, ચોટીલા, ગોંડલ અને સુરત શહેરમાં હાથ ફેરો કર્યાની કબુલાત આપતાં પોલીસે વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં વધતા જતાં ચોરી અને લૂંટના બનાવોને ડામી દેવા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલસીબીના પીઆઇ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે લોધીકા તાલુકાના મેટોડા પાસે શંકાસ્પદ હાલતમાં એમ.પી.ના શખ્સો અનસિંઘ મનજી કામલીયા, રાજુ ધૂમસિંગ વસુનીયા અને દીપુ મનુ વસુનીયા નામના શખ્સો ચોરાઉ માલ વેચવા નીકળ્યા હોવાની કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, પ્રકાશભાઇ પરમાર અને રહીમભાઇ દલને મળેલી બાતમીના આધારે વોચ દરમ્યાન ઉપરોકત ચારેય શખ્સોને શંકાસ્પદ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ઝડપાયેલા ચારેય શખ્સોની અટકાયત કરી પુછપરછ કરતાં તેઓએ રાજકોટ તાલુકાના રતનપર ગામે મકાનમાંથી રેલનગરમાં  મકાનમાંથી, રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ગ્રીન ફાર્મ સ્કુલ અને હોસ્ટેલમાંથી, સંસ્કૃતિ રેસીડેન્સીમાંથી, પાળ ગામે બ્યુટી પાર્લર અને મકાનમાંથી, ગોંડલ તેમજ જામનગરમાં બે મકાનમાંથી મોબાઇલ, એક મંદિરમાંથી, સુરતમાંથી રતનપર રામજી મંદિરની બાજુમાં આવેલા એક મકાનમાંથી અને એમ.પી.માંથી મળી 14 સ્થળો પર લૂંટ અને ચોરી કર્યાની કબુલાત આપતા  પોલીસે ચારેય શખ્સોના કબ્જામાંથી રોકડ 24પ00, સોના-ચાંદીના ઘરેણા, બાઇક, છ મોબાઇલ, ચોરી કરવાનો મુદામાલ અને એક એરગન મળી રૂા.5 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલી તસ્કર ગેંગે આ ઉપરાંત અન્ય કયાં-કયાં સ્થળોએ ચોરી કરી તેમજ ચોરી કરેલો મુદામાલ કબ્જે લેવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ભાયાવદર અને ઉપલેટાના અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ અને એલસીબીના સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સ્ત્રોતની મદદથી દાહોદ પંથકના સાયમલ ઉર્ફે વિશાલ છગન ભાંભોર, કોલેજ ઉર્ફે કોયલો રસુલ અને જેન્તી જવસીંગ પલાસ સહિત શખસોની અટકાયત કરી તેના કબજામાંથી રોકડ અને ચાર મોબાઈલ તેમજ ડિસ્મીસ અને લોખંડનો સળીયો મળી આવતા તેની પ્રાથમિક પુછપરછમાં મોટી પાનેલી, ભાણવડમાં ત્રણ સ્થળે, ઉપલેટામાં બે સ્થળે તેમજ મુરખડા મળી 7 સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીએ અગાઉ મહારાષ્ટ્ર, ભાણવડ, ભાયાવદર અને જામજોધપુર તાલુકામાં બે સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી છે. તેમજ ઝડપાયેલ શખસ મોબાઈલ એપ્લીકેશનની મદદથી બંધ મકાન અને દુકાનોમાં ચોરી કરતાનું બહાર આવ્યું છે. આ કામગીરીમાં એલસીબીના કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી, મહેશ જાની, મહિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા અને અમિતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

Loading...