Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

“કોરોના મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરી આપણે સૌ આફતને અવસરમાં પલટાવીએ”

સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ ની મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટના દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી કહે છે કે, રાજકોટને કોઈપણ પરિસ્થિતિમાં આફતને અવસરમાં પલટાવતા આવડે છે, રાજકોટીયન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.

છેલ્લા સાતેક મહિનાથી આપણે સૌ કોરોનાની મહામારીનો સામનો કરી રહયાં છીએ. રાજકોટ હવે ધીરે ધીરે હોટસ્પોટમાંથી બહાર આવી ગયું છે. તેમ છતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા, સોશીયલ ડીસ્ટન્સ જાળવવા અને આપણા હાથને વારંવાર સાફ રાખવાના આપેલા ત્રણ સૂત્રનું આપણે સૌએ અચૂક પાલન કરવાનું છે. આ સૂત્રનું આપણે ચૂસ્તપણે પાલન કરીશું તો આ મહામારીમાંથી આપણે બહું ઝડપભેર બહાર આવી શકીશું.

કોરોના મહામારી અંત કયારે આવશે તે હજુ આપણને ખબર નથી, તેથી આપણે તેની સાથે જીવતાં શિખવું પડશે. હું રાજકોટમાં છેલ્લા ૨૨ વર્ષથી દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ચલાવું છું, અમારા વૃધ્ધાશ્રમના ૯ માવતરોને કોરોનાની અસર થઈ હતી. જેમાંથી અમે ૭ માવતરોને બચાવી શક્યા પરંતુ કમનસીબે ૨ વડીલોને અમે બચાવી ન શક્યા તેનું અમને દુ:ખ છે.

આપણી સામે જે કાંઈ પણ પરિસ્થિતિ આવે આપણે તેનો સામનો કરવાનો છે. મારી આપ સૌને અપીલ છે કે, આપણે આપણા જીવનમાં નિયમિતતા કેળવીએ, યોગ ઉપર ધ્યાન આપીએ અને સાત્વીક ખોરાકની સાથે આપણી જીવનશૈલીમાં બદલાવ લાવીશું તો મને ચોક્કસ ખાત્રી છે કે, આ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીશું.

રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને કોરોનાથી સંક્રમિત થતાં બચાવવા માટે ખૂબ જ સારા પગલાંઓ લીધા છે, ત્યારે આ પરિસ્થિતિનો આપણે સૌ સામુહિક રીતે સામનો કરીશું, તો આપણે ઝડપભેર કોરોનામાંથી બહાર આવી શકીશું. અને  હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.