Abtak Media Google News

લખનૌમાં મુસ્લિમ બૌદ્ધિકોના મળેલા સંમેલનમાં કોમી સંવાદિતા માટે વિવાદીત જમીન હિન્દુઓને રામ મંદિર બનાવવા પહેલ કરતા કેસના મુસ્લિમ પક્ષકારો પર ભારે દબાણ ઉભુ થયું

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ આઝાદીકાળ પહેલાથી હિન્દુ-મુસ્લિમ બન્ને સમાજો માટે કોમી સંવાદિતતા સાધવામાં આડી ખીલી રૂપ સાબિત થઈ રહ્યું છે. આ સને ઉભેલી બાબરી મસ્જિદને છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ હિન્દુ સંગઠનો દ્વારા તોડી પડાયા બાદ આ વિવાદ વધુ વકર્યો હતો અને બન્ને સમાજો વચ્ચે એક મોટી ભેદરેખા ઉભી થવા પામી હતી. આ વિવાદિત સ્થાનની ૨.૭૭ એકર જમીનની માલિકી વિવાદ કેસની છેલ્લા થોડા સમયથી સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટીસ ગોગોઈની બેન્ચે ૧૭મી ઓકટોબર આ કેસની સુનાવણીની આખરી તારીખ નક્કી કરી છે અને એકાદ માસમાં આખરી ચુકાદો આવવાની સંભાવના છે. જ્યારે મુસ્લિમ બૌદ્ધિકોએ કોમી સંવાદિતતા માટે આ વિવાદિત જમીનનો મુસ્લિમ પક્ષો કેસ જીતે તો પણ હિન્દુઓને રામ મંદિર બનાવવા માટે આપવાની પહેલ કરી છે. જેથી, સ્પષ્ટ થયું છે કે, આ કેસમાં ચૂકાદો ગમે તે આવે પરંતુ વિવાદીત સ્થળે મસ્જિદ શકય નહીં જ બને.

‘ઈન્ડિયન મુસ્લિમ ફોર પીસ’ નામના સંગઠનના બેનર હેઠળ દેશના તમામ મુસ્લિમ બૌદ્ધિકોએ લખનૌમાં તાજેતરમાં એક પરિષદનું આયોજન કર્યું હતું. આ પરિષદમાં મુસ્લિમ બૌદ્ધિકોએ માંગ કરી હતી કે ભગવાન રામનું મંદિર બનાવવા માટે અયોધ્યામાં વિવાદિત જમીન આપવામાં આવે. તેનાથી દેશમાં સદભાવનાનું વાતાવરણ ઉભું થશે. સામેવાળા લોકોની લાગણીની કાળજી લેવામાં ત્યારે જ તેઓ તમારી લાગણીઓની સંભાળ લેશે. તેવા ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવે છે. મહત્વનું છે કે, અયોધ્યા કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. ૧૭ ઓક્ટોબર સુધી સુનાવણી હાથ ધરવામાં આવશે અને નવેમ્બરમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે. અગાઉ, મુસ્લિમ બૌદ્ધિક લોકોની આ પહેલ ખૂબ મહત્વ પૂર્ણ મનાય રહ્યું છે.

આ સંમેલનમાં પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ઝમીરુદ્દીન શાહ કે જેઓ પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહના મોટા ભાઈ છે. પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી મનસૂર હસન, બ્રિગેડિયર અહેમદ અલી, ભૂતપૂર્વ આઈએએસ અનીસ અન્સારી, ભૂતપૂર્વ આઈપીએસ રીઝવી, ભૂતપૂર્વ ન્યાયાધીશ બી.ડી. નકવી, ડો.કૌસર ઉસ્માન સહિતના મોટા પાયે મુસ્લિમ બૌદ્ધિકો ઉપસ્થિત રહ્યાં હતાં. પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ઝમિરુદ્દીન શાહે  જણાવ્યું હતું કે કોર્ટની બહાર બેઠક કરીને વિવાદિત જમીન હિન્દુઓને મંદિર બનાવવા માટે આપવી જોઈએ. અને જો મુસ્લિમોને તે જમીન કોર્ટમાંથી કોઈ મસ્જિદ માટે મળે છે, તો પણ તે હિંદુઓને સોંપવી જોઈએ. અયોધ્યા વિવાદને મધ્યસ્થી કરીને વાટાઘાટો દ્વારા ફરીથી સમાધાન કરવાનો પ્રયાસ થાય તે માટે આ બેઠક યોજાઇ હતી.

પૂર્વ બ્રિગેડિયર અહમદ અલીએ જણાવ્યું હતું કે, દેશમાં સારા વાતાવરણ બનાવવા માટે મુસ્લિમોએ ખૂબ બલિદાન આપવું આવશ્યક છે, કારણ કે સામાન્ય હિન્દુ માને છે કે ભગવાન રામનો જન્મ એ જ જગ્યાએ થયો હતો. જ્યારે તમે અન્યની લાગણીની કાળજી લેશો, ત્યારે જ તે તમારી લાગણીઓની સંભાળ લેશે.

દેશભરમાં વર્તમાન સમયમાં જે રીતનું કોમી સંવાદીતાનું વાતાવરણ ઉભુ થઈ રહ્યું છે અને મુસ્લિમ ધર્મની વિવિધ પાંખો પણ હિન્દુઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં રામ મંદિર બનાવવા મારે મુસ્લિમ પક્ષકારો પોતાનો દાવો તો કરે તેવી સમયાંતરે રજૂઆતો કરતા રહ્યાં છે. ત્યારે દેશભરના મુસ્લિમ બૌધ્ધિકોના સંમેલનમાં સુપ્રીમ કોર્ટમાં ગમે તે ચૂકાદો આવે પરંતુ આ જમીન પર મસ્જિદ બનાવવાના બદલે હિન્દુઓને રામ મંદિર બનાવવા માટે આપવા કરવામાં આવેલી પ્રસ્તાવે આગામી દિવસોમાં મુસ્લિમ પક્ષકારો સહમત થાય તે માટે ભારે દબાણ ઉભુ થઈ રહ્યું છે. આમ પણ અનેક મુસ્લિમ ધર્મગુરૂઓ સ્થાન પર નિયમિત નમાઝ અદા થતી ન હોય તે સ્થાન પર મસ્જિદ ન હોય શકે તેવી ધાર્મિક દલીલો કરી છે જેને મુસ્લિમ બૌદ્ધિકોની આ પહેલથી નવું બળ મળ્યું છે. જેની, આગામી સમયમાં અયોધ્યા વિવાદ કેસમાં નવી મધ્યસ્થી દ્વારા કોર્ટ બહાર આ વિવાદનું નિરાકરણ આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.