Abtak Media Google News

શહેરમાં મોસમનો રેકોર્ડબ્રેક ૪૪ ઈંચ વરસાદ: સવારથી સતત વરસાદ ચાલુ હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: આજીડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોય નિચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ૬ ટીમો તૈનાત

રંગીલા રાજકોટવાસીઓ પર આ વર્ષે વ‚ણદેવ સવિશેષ મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં છેલ્લા એક પખવાડીયાથી સતત વરસાદ ચાલુ હોવાના કારણે હવે લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે અને વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે સવારથી બપોર સુધીમાં રાજકોટમાં વધુ ૨॥ઈંચ વરસાદ ખાબકયો હતો. સતત વરસાદના કારણે ખાના-ખરાબી જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તથા સિટી ઈજેનરોને સવારથી ફિલ્ડમાં ઉતારી દીધા છે. વરસાદ ચાલુ હોવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આજે સવારથી બપોર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૫૨ મીમી (મોસમનો કુલ ૧૦૪૬ મીમી), ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૫૦ મીમી (મોસમનો કુલ ૮૧૫ મીમી) અને વેસ્ટ ઝોન વિસ્તારમાં ૫૪ મીમી (મોસમનો કુલ ૧૧૦૧ મીમી) વરસાદ વરસી ગયો છે. રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સીઝનમાં સરેરાશ ૯૫૯ મીમી વરસાદ વરસે છે. આ આંકડાને આ વર્ષે રાજકોટે ઘણો પાછળ છોડી દીધો છે. જુલાઈ માસ પણ પૂર્ણ નથી થયો ત્યાં શહેરમાં ૪૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૧૫ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવે જો વરસાદ બંધ નહીં થાય તો ખરેખર ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થશે. આજે સવારથી સતત વરસાદ ચાલુ હોવાના કારણે ત્રણેય ઝોનના ડીએમસી અને સિટી ઈજનેરોને પોત-પોતાના વિસ્તારમાં સતત ફિલ્ડમાં રહેવા તાકીદ કરવામાં આવી છે. વરસાદની પરિસ્થિતિમાં કોઈ ઈમરજન્સી કામ કરવાની આવશ્યકતા જણાય તો ૫૦ હજાર સુધીના કામ કરવાની સતા સિટી ઈજનેરોને આપી દેવામાં આવી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજી-૧ ડેમ ઓવરફલો થવામાં માત્ર ૧ ફુટ બાકી રહ્યો છે ત્યારે આજી નદીકાંઠે તથા નિચાણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સાવચેત કરવા માટે આજે સવારથી ફાયર બ્રિગેડની ૬ ટીમોને માઈક સહિતના સાધનો સાથે તૈનાત કરી દેવામાં આવી છે. ડેમ ઓવરફલો થયા બાદ જ‚ર જણાશે તો નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.