Abtak Media Google News

બીપીએલ, અંત્યોદય અને એન.એફ.એસ.એ. યોજનાના રેશનકાર્ડ ધારકોમાં હંગામો: આધાર લીંકઅપ ન કરાવતા પુરવઠાનું પગલું

સુપ્રીમ કોર્ટ દ્વારા આધારકાર્ડ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપી ૧લી એપ્રિલ સુધીમાં સબસીડાઈઝ યોજનાઓ માટે આધારકાર્ડ લીંક કરવા છુટછાટ આપી હોવા છતાં રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રએ બે દિવસમાં રાજકોટ શહેરના અંત્યોદય, બીપીએલ અને એન.એફ.એસ.એ. યોજનાના ૫ હજાર જેટલા લાભાર્થીઓના રેશનકાર્ડ રાતો-રાત રદ કરી નાખતા દેકારો બોલી ગયો છે અને રેશનકાર્ડ રદ થવાથી અનાજ-કેરોસીનથી વંચિત રહેલા લોકોની ફરિયાદો ઝોનલ કચેરીઓમાં હંગામા સ્વ‚પે જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં ૧લી એપ્રિલથી જાહેર વિતરણ વ્યવસ્થાને આધારકાર્ડ આધારીત બનાવવા સરકારે નકકી કર્યું છે પરંતુ રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રએ ૧લી માર્ચથી જ આધારકાર્ડ આધારીત વિતરણ વ્યવસ્થા અમલી બનાવી દેતા ચાલુ માસે અનાજ, કેરોસીન, ખાંડ સહિતનો જથ્થો લેવા જતા અંત્યોદય અને બીપીએલ યોજનાના કાર્ડ ધારકોને સોફટવેરની ખામીના કારણે કલાકો સુધી રેશનકાર્ડની દુકાને લોઢા સેક કરવો પડી રહ્યો છે.

આટલુ ઓછું હોય તેવામાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા રાતોરાત રાજકોટ શહેરના ૫ હજારથી વધુ રેશનકાર્ડ ધારકોના કાર્ડ રાતો-રાત રદ કરી દેતા રેશનકાર્ડ ધારકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.

આ મામલે સતવાર સુત્રોનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આધારકાર્ડ મેપીંગ ન થયા હોય આ કાર્ડ રદ કરાયા છે.

જોકે બીજી તરફ સરકારની સુચના મુજબ ૩૧ માર્ચ સુધીની મુદત આપવામાં આવી છે આમ છતાં હજુ ૩૧મી માર્ચની મુદત વિતી ન હોવા છતાં પુરવઠા તંત્રએ આત્યાંતિક પગલુ ભરી રાતોરાત બીપીએલ, અંત્યોદય અને એન.એસ.એફ.એ. યોજનાના રેશનકાર્ડ ધારકોના કાર્ડ રદ કરી દેતા આ કાર્ડ ધારકો અનાજ, કેરોસીન મેળવવાથી વંચિત રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ચારેય ઝોનલ વિસ્તારમાં અનુક્રમે ૧૫૦૦-૧૫૦૦ કે તેથી વધુ સંખ્યામાં કાર્ડ રદ થયા છે અને ૨૨૫ થી વધુ દુકાનોમાં સરેરાશ ૫૦ થી ૬૦ ટકા વધારે રેશનકાર્ડ રદ થયા હોય. રેશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના વેપારીઓ વચ્ચે વિના કારણે ઘર્ષણ થઈ રહ્યા છે.

બીજી તરફ છેલ્લા બે દિવસમાં મનસ્વી રીતે સાચા રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ રદ કરી નાખવામાં આવતા ચારેય ઝોનલ કચેરીઓમાં લોકો મોટી સંખ્યામાં પોતાના કાર્ડ શા માટે રદ થયા ? તેના કારણો જાણવા નાહક રીતે પરેશાન થયા હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.