પોરબંદરના છાયા ગામે ૩૦૦થી વધારે ઘર નળ વિહોણા

પીવાના પાણીના કનેકશનથી વંચિત ગામ લોકો દ્વારા પાલિકાને અનેક વખત રજૂઆત છતા તંત્ર નિંદ્રાધિન

પોરબંદર જિલ્લામાં એક તરફ જલ સે નલ યોજનાની વાતો થઈ રહી છે. તો બીજી તરફ છાંયા શહેરની એક એવી સોસાયટી છે કે જ્યાં ૩૦૦ થી વધારે મકાનો છે પરંતુ એકપણ મકાનમાં નળના કનેકશન આપવામાં આવ્યા નથી. બીજી તરફ આ સોસાયટીમાં રહેલા પાણીના બે જાહેર સ્ટેન્ડોમાં પણ છેલ્લા સાત મહિનાથી પાણી આવતું નથી.

ગુજરાતના પોરબંદર, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ ટકા નળ જોડાણની કામગીરી પૂર્ણ થતા ગાંધી જન્મજયંતી નિમીતે પોરબંદર શહેરમાં તાજાવાલા હોલ ખાતે જલ સે નલ યોજના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાના ૧પ૦ ગામોમાં કુલ ૬૪,૧૧૪ ઘરોને નળ જોડાણ મારફતે પીવાનું પાણી મળી રહેશે તેવું જણાવ્યું હતું. આવી યોજનાઓથી લોકોને ઘરે ઘરે પાણી મળી રહે તે ખૂબ સારી વાત છે પરંતુ સવાલ એ છે કે હજુ તો પોરબંદર અને છાંયા શહેરમાં પણ દરેક ઘરે-ઘરે નળ પહોંચ્યા નથી. એટલું જ નહીં, છાંયા શહેરની તો એક મોટી સોસાયટી નળવિહોણી છે. રઘુવંશી સોસાયટી પાછળ આવેલ મેઘમાયા નગર સોસાયટીમાં ૩૦૦ કરતા વધારે ઘર આવેલા છે. પરંતુ એક પણ ઘરમાં પીવાના પાણીનું કનેકશન અપાયું નથી. આ વિસ્તારમાં લોકો દોઢ-બે દાયકાથી વસવાટ કરે છે છતાં પાલિકા તંત્ર અને વહીવટીતંત્ર ઉંઘતું હોય તેવું લાગે છે. અહીંના લોકોની સુવિધા માટે પાણીના બે જાહેર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે પરંતુ આ જાહેર સ્ટેન્ડોમાં પણ છેલ્લા સાત મહિનાથી પીવાના પાણીનું વિતરણ થતું નથી. જો કે પાલિકા તંત્ર દ્વારા દસ-પંદર દિવસે એક વખત પાણીનો ટાંકો આ વિસ્તારમાં મોકલી અને પીવાના પાણીના વિતરણનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા મોકલવામાં આવતા ટાંકાનું પાણી પણ પીવાલાયક હોતું નથી.

જો કે આ મામલે  આ વિસ્તારના કાઉન્સીલરોએ મેઘમાયા નગરના લોકોની પીડા જાણી અને અનેક વખત રજુઆતો કરી, પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાના કાઉન્સીલરો તો લોકોની સુવિધાઓ માટે પ્રયાસ કરી રહ્રાા છે પરંતુ અધીકારીઓ અને પદાધીકારીઓ બેદરકારી દાખવી રહ્રાા હોય તેવા આક્ષોપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Loading...