Abtak Media Google News

ડ્રેનેજની ફરીયાદો કલાકો નહીં પણ દિવસો સુધી ઉકેલાતી નથી, કોન્ટ્રાકરો અને જવાબદાર કર્મચારીઓને નોટિસ ફટકારવા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની માંગણી

વોર્ડ નં.૩ માં ભારે વરસાદ બાદ ડ્રેનેજ ચોકઅપ થયાની ડ્રેનેજ લાઇન લીકેજ થયાની, ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન ભળી જતા પાણી પ્રદુષિત થવાની તેમજ ડ્રેનેજનું પાણી રિટર્ન આવતું હોવાની ૩૦૦ થી વધુ ફરીયાદો આજની સ્થીતીએ પેન્ડીગ છે. ડ્રેનેજની ફરીયાદો ઉકેલવામાં થતાં અસહય વિલંબથી રહીશોની હાલત માઠી થઇ છે. તેમ પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ મ્યુનિ. કમિશનરને રજુઆત કરતા જણાવ્યું છે.

તેઓએ ઉમેર્યુ હતું કે, કોલ સેન્ટર કે ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલ કેન્દ્રમાં ફરીયાદ કર્યા બાદ કલાકો નહી દિવસો સુધી ફરીયાદો ઉકેલાતી નથી તેવી જંકશન પ્લોટ, દાણાપીઠ, રેલનગર, પોપટપરા, મોચી બજાર, હુડકો કવાર્ટર્સ, સ્લમ કવાર્ટર્સ, પરસાણાનગર અને ભીસ્તીવાડ વિસ્તારના રહીશોની લગાતાર અને વ્યાપક ફરીયાદ છે. ખુદ નગરસેવકો ફોન કરે તો પણ ફરીયાદો ઉકેલવામાં આવતી નથી.

વોર્ડના આસી. ઇજનેર, સેનેટર ઇન્સ્પેકટર, વર્ક આસિસ્ટન્ટ સહીતના સ્ટાફનો ડ્રેનેજ ફરીયાદ નીકાલના કોન્ટ્રાકટર પર કોઇ જ કાબુ નથી. કોન્ટ્રાકટર અને તેનો સ્ટાફ ફરીયાદો ઉકેલવાના બદલે ઉઠા ભણાવીને રવાના થઇ જાય છે.

અત્યંત ગંભીર બાબત તો એ છે કે ભૂગર્ભ ફરીયાદ નીકાલ કેન્દ્રમાં ફરીયાદ નોંધાયા બાદ કોન્ટ્રાકટરનો સ્ટાફ મન થાય ત્યારે ફરીયાદ ઉકેલવા જાય છ અને ફરીયાદ ઉકેલાઇ કે ન ઉકેલાય ખરેખર જે સમસ્યા હતી તે દુર થઇ છે કે નહીં ? તે જોયા જાણ્યા કે ચકાસ્યા વિના ફકત ડ્રેનેજ મેન હોલના ઢાંકણા ખોલી તેમાં સળીયા ભરાવીને રવાના થઇ જાય છે.

એક જ વિસ્તારમાં સર્જાયેલી ડ્રેનેજની સમસ્યા અંગે ૧૦ નાગરીકો ફરીયાદ કરે તો અલગ અલગ ફરીયાદીના નામ સાથે ૧૦ ફરીયાદો નોંધાઇ છે. જયારે હકીકતમાં તો ૧૦ નાગરીકોએ નોંધાવેલી ફરીયાદ તો એક જ હોય છે. છતાં ૧૦ ફરીયાદો ઉકેલાયાનું રેકર્ડ પર દર્શાવી તે મુજબનું મહેનતાણું તંત્ર પાસેથી વસુલાય છે.

હાલ ચોમાસુ અને ભારે વરસાદ બાદના દિવસોમાં જ આવું થાય છે. તેવું નથી વોર્ડ નં. ૩માં બારેય મહિના ડ્રેનેજની અસંખય ફરીયાદો રહે છે અને તેને ઉકેલવામાં અસહય વિલંબ થાય છે. વર્તમાન  કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટેડ કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ આસી. ઇજનેર વર્ક આસી. અને સેનેટરી ઇન્સ્પેકટરને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવે તેમજ પેન્ડીંગ ફરીયાદોના નિકાલની તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.