Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કેબિનેટ બેઠકમાં સંવેદનશિલ નિર્ણય: એપીએલ-૧ કાર્ડ ધરાવતા મધ્યમવર્ગનાં કુટુંબોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ અપાશે

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના ૬૦ લાખથી વધુ એપીએલ-૧ રેશનકાર્ડ ધારકો એટલે કે ૩ કરોડથી વધુ મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોના વિશાળ હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-૧૯ ની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે દેશભરના રાજ્યોમાં પહેલ કરીને ગુજરાતે અનેક નિર્ણયો કર્યો છે.

તેમણે આ અંગે જાહેર કર્યુ કે, રાજ્યના  મધ્યમ વર્ગીય પરિવારો એપીએલ-૧ ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા એનએફએસએ અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ એપીએલ-૧ કાર્ડધારકોને  મધ્યમ વર્ગના લોકો ને કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.

આના પરિણામે મધ્યમ વર્ગ ના પરિવારોને આ નિર્ણય ને  પરિણામે મોટી રાહત થશે અને વર્તમાન લોક ડાઉન ની સ્થિતીમાં સરળતા થી અનાજ મળશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં અંત્યોદય અને પીએચએચ એવા ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે ત્યાર બાદ ૩.૪૦ લાખ થી વધુ એવા કાર્ડધારકો જેઓને એનએફએસએ અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.

એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હવે,  મધ્યમ વર્ગ ના એપીએલ-૧ કાર્ડધારકોને પણ આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતીમાં આપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે કર્યો છે.

વિજયભાઇ રૂપાણીએ આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે અને વિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ તકે રાજ્યના નાગરિકોને અપિલ કરી કે, કોરોના વાયરસની હાલની સ્થિતીમાં આ સમયમાં સૌ સહયોગ કરી સાથે મળીને પાર ઉતરવું છે. આ મહામારી સામે વિજય મેળવવો છે.

તેમણે આ સંદર્ભમાં એમ પણ ઉમેર્યુ કે હાલની લોકડાઉનની સ્થિતીમાં કોઇ પરિવાર ભૂખ્યો ન રહે સૌને અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકારે સંવેદનાથી નિર્ણય લઇને એપીએલ-૧ કાર્ડ ધરાવતા ૬૦ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે ત્યારે જે સંપન્ન વર્ગો છે તેવા એપીએલ-૧ કાર્ડ ધરાવતા લોકો-પરિવારો પોતાનો અધિકાર જતો કરે અને આવા જરૂરતમંદોને અનાજ પ્રવર્તમાન સમયમાં મળી રહે તે માટે હેવ એન્ડ હેવનોટની ખાઇ પૂરવાનું સામાજીક દાયિત્વ અદા કરે.

રાજ્યનાં ૨૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ જાહેર કરાય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-૧૯ અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-૧૯ રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોનો આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડોકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે.

રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા આઇસીયુફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.

આજે રાજ્ય મંત્રીમંડળે ર૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે. જે ર૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.