Abtak Media Google News

પોરબંદર ખાતે  પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના હસ્તે જિલ્લા પંચાયતના સભ્યો ચંદુભાઇ શિંગાળા અને કિરણબેન આંદિપરા ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા: જિલ્લા ભાજપનું સફળ ઓપરેશન

તાજેતરમાં રાજકોટ જિલ્લા પંચાયતના ૧૨ સભ્યોએ ભાજપનો ખેસ પહેર્યો હતો ત્યારે આજે ફરી વધુ બે કોંગી સભ્યો ચંદુભાઇ શિંગાળા અને કિરણબેન આંદિપરા પોરબંદર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૧૨ સભ્યો નિલેશ વિરાણી, કે.પી. પાદરીયા, હંસાબેન ભોજાણી, હેતલબેન રણજીતભાઇ ગોહેલ, વજીબેન સાકરિયા, ભાનુબેન તળપદા, ચતુરભાઇ રાજપરા, રાણબીને સોરાણી, નાથાભાઇ મકવાણા, રેખાબેન પટોળિયા, મગનભાઇ મેટાળિયા અને વાલીબેન તલાવડિયાએ થોડા દિવસો પૂર્વે ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલનમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો ત્યારે આજે ફરી જિલ્લા પંચાયતના કોંગી સભ્યો ચંદુભાઇ શિંગાળા અને કિરણબેન આંદિપરા તેમજ ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય કિશોરભાઇ આંદિપરાએ પોરબંદર ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં વિધિવત્ પ્રવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં અગાઉ કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ ૩૪ હતું જ્યારે ભાજપનું સભ્ય સંખ્યાબળ માત્ર ૨નું જ હતું પરંતુ કોંગી સભ્યોએ પક્ષ પલટા કરતા હાલ કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ ઘટીને ૨૦એ પહોંચ્યું છે જ્યારે ભાજપનું સભ્ય સંખ્યાબળ વધીને ૧૬એ પહોંચ્યું છે.

અવિશ્વાસની દરખાસ્ત તૈયાર, ૨૪ સભ્યોની સહી પણ થઇ ચૂકી છે: ચંદુભાઇ શિંગાળા

જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઇ શિંગાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં કાર્યકર્તાઓની અવગણના તેમજ પ્રજાના પ્રશ્ર્નોને વાચા મળતી ન હોવાથી તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું દઇને ભાજપમાં પ્રવેશ કર્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જિલ્લા પંચાયતમાં શાસન પલટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત પણ તૈયાર થઇ ચૂકી છે. આ દરખાસ્તમાં જિલ્લા પંચાયતના ૨૪ સભ્યોએ સહી પણ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં ૧૨, બીજા તબક્કામાં ૨ અને આવી રીતના તબક્કાવાર કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાતા રહેવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદુભાઇ શિંગાળા અગાઉ ભાજપના જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂકયા છે. બાદમાં તેઓએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આજે તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ઘરવાપસી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.