Abtak Media Google News

સુત્રાપાડા તાલુકાના ૩, વેરાવળ તાલુકાના ૨, તાલાળા તાલુકાના ૧ અને ઉના તાલુકાના ૧ દર્દી કોરોના વાયરસ માંથી મુક્ત થતા રજા અપાઈ   વેરાવળ તા. -૩૧, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકો માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. કોરોના વાયરસ માંથી દર્દીઓ દિન પ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ ૭ દર્દીઓ કોરોના વાયરસ માંથી સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકા માંથી ૩, વેરાવળ તાલુકાના ૨, ઉના તાલુકાના ૧ અને તાલાળા તાલુકા માંથી ૧ દર્દી કોરોનામુક્ત થયા છે. જિલ્લા માંથી અત્યાર સુધી ૩૪ દર્દીઓ કોરોના વાયરસ માંથી મુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા છે.         સુત્રાપાડાના રહેવાસી હંસાબેન મુલજી જેઠવા (ઉ.વ.૩૬), જયેશ જાદવ કટેલીયા (ઉ.વ. ૪૪), પરેશ પ્રાગજી પઢીયાર (ઉ.વ.૨૬), વેરાવળ તાલુકાના બોળાસ ગામના હિતેષ ગોવિંદ નાંધા (ઉ.વ.૨૪), વેરાવળનાં રહેવાસી સોહીલ સબ્બીરભાઇ ફકીર (ઉ.વ.૧૭), ઉના તાલુકાના કાળાપાણ ગામના દેવજી જેઠા રાઠોડ (ઉ.વ.૬૨), અને તાલાળા ધુસીયા ગામના દિપેન કરશન જોરાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં રિપોર્ટ કોરોના વાયરસ પોઝીટીવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓની ડોકટર અને આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્રારા કાળજીપુર્વક સારવાર કરવામાં આવી હતી. તેઓ કોરોના વાયરસ માંથી મુક્ત થતા કોવિડ કેર લીલાવંતી ભવન સોમનાથ  અને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી.  ગીર-સોમનાથ જિલ્લા કોવીડ-૧૯ લાયઝન અધિકારીશ્રી ડો.માઢક અને ડો.સીકોતરીયાએ તમામ દર્દીઓને પોતાના આરોગ્યની સંભાળ લેવા સાથે કોરોના વાયરસ થી સાવચેત રહેવા, માસ્ક અને સામાજીક અંતર રાખવા માટે જણાવ્યું હતું. તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નક્કી કરેલા દિવસો સુધી તેમના ઘરમાં જ રહેવા માટે ખાસ જણાવામાં આવ્યું હતું. દર્દીઓને એમ્બ્યુલન્સમાં તેઓના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. દર્દીઓએ પણ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસ માંથી અમે બચી શક્યા છે તે સરકારશ્રીને આભારી છે. ડોકટર દ્રારા અમારા આરોગ્યની ચિંતા કરી સારી સારવાર અને સાવચેતી માટે ખુબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકાર અને આરોગ્ય વિભાગ દ્રારા કહેવા મુજબ સુચનોનું અમે પાલન કરતા આજે કોરોના સામેનો જંગ જીતી જીંદગી બચાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.