Abtak Media Google News

પાલિકાની ટીમોએ જુના બસસ્ટેન્ડ થી લઈને દરબાર ગઢ સુધીનો વિસ્તાર ધમરોળ્યો : શનિવારે શાકમાર્કેટમાં ચેકીંગ

મોરબી પાલિકા તંત્રએ પ્લાસ્ટિક જપ્ત ઝુંબેશ અંતર્ગત આજ રોજ જુના બસસ્ટેન્ડ થી દરબાર ગઢ સુધીના રોડને ધમરોળીને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૪૦ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ. ૮૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

મોરબી નગરપાલિકા તંત્રએ પ્લાસ્ટિકના પાણીના પાઉચ અને ૫૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝબલા, માવાના પ્લાસ્ટિકના કાગળ સહિતના પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ કે સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ત્યારે આજથી જાહેરનામાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈને નગરપાલિકા દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચેકીંગ ડ્રાઇવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્લાસ્ટિક પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ધ્યાને લઈને તેની કડક અમલવારી થાય તે હેતુથી પાલિકાની ટીમોએ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. પાલિકાની વિવિધ ટીમોએ જુના બસસ્ટેન્ડ થી લઈને દરબારગઢ સુધીના રોડ પર ચેકીંગ હાથ ધરી ૪૦ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. અને પ્રતિબંધીત જથ્થો રાખનાર વેપારીઓ પાસેથી રૂ ૮૨૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે સેનેટેશન ઇન્સ્પેકટર દીપકસિંહ જાડેજાએ જણાવ્યું કે પાલિકા દ્વારા આ રીતે થોડા સમય ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં આવતીકાલે પણ શાક માર્કેટ ખાતે ચેકીંગ ડ્રાઇવ યોજાશે અને પ્રતિબંધીત પ્લાસ્ટિકનો જથ્થો વપરાશ કરનાર કે સંગ્રહ કરનાર વેપારીને દંડ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.