Abtak Media Google News

ફિનિશ્ડ પ્રોડક્ટ્સ માટે દુનિયાનું સૌથી વિશાળ સિરામીક્સ પ્રદર્શન ૧૯ નવેમ્બર સુધી ગાંધીનગરમાં યોજાશે

સિરામિક ક્ષેત્રમાં વૈશ્ર્વિક કક્ષાએ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો ડંકો વગાડનાર મોરબી સિરામિક ઉદ્યોગની સફળતાનું મુળભૂત કારણ ક્રેડીટ, ટ્રસ્ટ અને ઈન્ફોર્મેશન શેરીંગ છે. એક રીતે કોઈપણ ઉદ્યોગ ધંધાની સફળતા પાછળ બિઝનેશ સીક્રેસીને કારણભૂત માનવામાં આવે છે. મોટાભાગના ઉદ્યોગોમાં બિઝનેશ સીક્રેસી રાખવામાં આવે છે પરંતુ મોરબી સિરામીક ઉદ્યોગની સફળતા પાછળ ઉલ્ટી ગંગા જોવા મળી છે. આ ઉદ્યોગની સફળતા ઈન્ફોર્મેશનનું આદાન-પ્રદાનને આભારી છે.

સિરામિક ઉદ્યોગમાં ઉદ્યોગકારો એકબીજાને ખુલ્લા મને ટેકનીકલ તેમજ આર્થિક સહયોગ અને સલાહ આપતા જોવા મળતા હોય છે. વૈશ્ર્વિક કક્ષાએ નામના ધરાવતા મોરબી સિરામિક ઉદ્યોગની સફળતા પાછળ એમ.બી.એ કે અન્ય મેનેજમેન્ટ ડિગ્રી નહીં પરંતુ ઉદ્યોગ સાહસિકતા જવાબદાર છે. એન્ટરપ્રેનોરશીપના પરિણામે મોરબીનું સિરામિક ઉદ્યોગ ચીનને પછાડી શકવા સક્ષમ બન્યું છે. દુનિયાની નવીનતમ ટેકનોલોજી ભલે ને તે ‚ા. ૫ કરોડથી ૨૦૦ કરોડ સુધીની હોય તે પહેલા મોરબીમાં પહોંચે છે.

આ ઉપરાંત કલોઝ કો ઓપરેશન પણ ખૂબજ મહત્વનું માનવામાં આવે છે. મોરબીના ઉદ્યોગકારો અંદરો-અંદર એકબીજાને પ્રતિસ્પર્ધી ગણતા નથી. સહકારની ભાવના રહેલી છે. નવા વ્યવસાયીકોને પુરતી તક અપાય છે. તમામ પ્રકારનો અનુભવ અને સહયોગ મળી રહે છે. મોરબી સિરામિક ઉદ્યોગની સફળતા પાછળનું આ સીક્રેટ મોરબી સિરામિક એસોશીએશનના પ્રમુખ કે.જે.કુંડારીયાએ શેર કર્યું છે. તેમણે સિરામિક ઉદ્યોગની સફળતા અને ઉત્તાર-ચઢાવ ઉપર સંશોધન થઈ શકે તેવી વિગતો આપી છે.

મોરબી સીરામીક એસો. અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા આગામી ૧૬ થી ૧૯ નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સીરામીક એસો.ના પ્રમુ કે.જી. કુંડારીયા અને નિલેશ જેતપરીયા સહિતની ટીમ દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગને વધુ વિકાસની ઉંચાઈએ લઈ જવા માટે અને આ માટે ભારત સહિતના દુનિયાભરનાં સીરામીક પ્રોડકટના બાયરોને એક છત નીચે લાવી વેચાણ અને એકસપોર્ટ વધારવા માટે આ વર્ષે ફરીથી વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારનાં ખરીદદારો ઉમટી પડવાની અપેક્ષા છે. તેમજ આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે.

વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭ની માહિતી આપતા મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતુ કે વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ (વીસીઈએસ) ૨૦૧૭ ગુજરાતનાં ગાંધીનગરમાં ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં ૧૬-૧૯ નવેમ્બર ૨૦૧૭ના યોજાશે. આ પ્રદર્શન ૫૦,૦૦૦ ચોરસમીટર વિસ્તારમાં યોજાશે. જેમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડ્સ અને આકાર તથા ડિઝાઈનમાં સેંકડોમાં સીરામીક એક છત હેઠળ આવશે. ભારત દુનિયામાં દ્વિતિય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે. વૈશ્ર્વિક ટાઈલ્સ નિર્મિતી ૨૦૦૬-૨૦૧૩ના સમયગાળામાં ૬.૩ ટકાના વાર્ષિકીય દરે વૃધ્ધિ પામી છે. ત્યારે ભારતમાં ટાઈલ્સનું ઉત્પાદન આજ સમયગાળામાં ૨૦% સાથે લગભગ ત્રણ ગણું વધ્યું છે. સીરામીક ટાઈલ્સ ભારતમાં કુલ ટાઈલ્સની માગણીના ૮૦ ટકા આસપાસ છે. અને ૨૦૧૪-૨૦૧૯ના સમયગાળામાં તે ૨૦% સીએજીઆરે વૃધ્ધિ પામવાની ધારણા છે. તેમણે ઉમેર્યું હતુ કે મેક ઈન ઈન્ડીયા, સ્કિલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભારત સરકારના મુખ્ય એજન્ડાની રેખામા અમે દેશની આર્થિક વૃધ્ધિમાં યોગદાન આપવાની નાવીન્યતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાજયોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ. હાલમાં અમે મહેસૂલમાં લગભગ ૪ અબજ ડોલરનું યોગદાન આપી રહ્યા છીએ અને કુશળ તથા અકુશળ ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે.

વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭ના સીઈઓ શ્રી સંદીપ પટેલે જણાવ્યા મુજબ આ એકસપોમાં ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુકત સાહસો, બીટુબી તેમજ બીટુજી નેટવર્કિંગ તકો મુખ્ય ‚પરેખા રહેશે. જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સીરામીક ટાઈલ્સ, સેનીટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે. વાઈબ્રન્ટ સીરામિકસ એ આ ઉદ્યોગમાં મુખ્ય ખેલાડીઓને એકત્ર કરવાના અને તેમની અંદર નવો જોશ ભરવાના લક્ષ્ય સાથેની પહેલ છે. અમે તેજસ્વી આંતરક્રિયા, ચેનલિંગ અને નેટવર્કિગ માટે બધા પ્રકારનાં વેપાર સંશાધનોને એક મંચ પર લાવવા ઉત્સુક છીએ.

વાઈબ્રન્ટ સીરામિકસની પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે યોજાઈ તેમાં ૨૨ દેશમાથી ૬૧૦થી વધુ વિદેશી મોવડીએ ભાગ લીધો હતો. જયારે આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારનાં ખરીદદારો ઉમટી પડવાની અપેક્ષા છે. આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે. ઈવેન્ટના અંત સુધી ક્ષેત્રમાં ૨૦૦૦ કરોડ મૂલ્યનો વેપાર ઉપજશે અને લગભગ ‚ા.૩૦૦૦ કરોડના ઓર્ડરની પૂછપરછ મળવાની ધારણા છે.

વાઈબ્રન્ટ સીરામિકસ ૨૦૧૭ માટે વૈશ્ર્વિક સ્તરે લગભગ ૬૫ દેશોમાં અને ભારતનાં ૧૦૦ સ્માર્ટ શહેરોમાં પ્રમોશન કરવામાં આવ્યું છે. આ એકસપોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કમ્બોડિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જોર્ડન, કેન્યા, લાટવિયા, મડાગાસ્કર, મોરિશિયસ, મેયોટ, મેકિસકો, નેપાળ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, તાન્ઝાનિયા, યુગાંડા, યુનાઈટેડ આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ, સર્બિયા વગેરે ખાતેથી સીરામીક ઉદ્યોગના મોવડીઓ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.