Abtak Media Google News

પાણીની શુધ્ધતા અંગે ચેકિંગ: સબ સલામત જણાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના શુધ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે અને તેમાં તમામ વોટર ફિલ્ટર પ્લાન્ટની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. વોટર ફિલ્ટર પ્લાન્ટ વ્યવસ્થિત રીતે તેની ક્ષમતા મુજબ કાર્યરત્ત રહે તે પણ જરૂરી બની રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે સવારે બેડી વોટર ફિલ્ટર પ્લાન્ટની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.

આ મુલાકત વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે બેડી ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઇ ત્યાં જળ શુદ્ધિકરણની પ્રક્રિયામાં જાળવવાના થતા ધોરણો (પેરામીટર્સ) જેવા કે કલોરીનેશનનું પ્રમાણ, ટર્બીડીટી, પી.એચ. વેલ્યુ વગેરે ચકાસ્યા હતાં અને તે બરોબર માલુમ પડ્યા હતાં.

કમિશનરે વિશેષમાં કહ્યું કે, બેડી ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા ૫૦ એમ.એલ.ડીની છે પરંતુ આવશ્યકતા નહી હોવાથી ત્યાં ૨૫ એમ.એલ.ડી. મુજબ જળ શુદ્ધિકરણ કરવામાં આવતું હતું. જોકે ભાદર ડેમમાંથી રાજકોટને મળતો જળ જથ્થો ઓછો થતા બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારિત એરીયા તેમજ સેન્ટ્રલ ઝોનની જળ વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા બેડી ફિલ્ટર પ્લાન્ટને તેની ૫૦ એમ.એલ.ડી.ની ફુલ ક્ષમતા મુજબ ચલાવવા વોટર વર્કસ શાખાને સૂચના આપવામાં આવી છે. આ માટે નર્મદાનાં નીર ત્યાં પહોંચાડવામાં આવેલ છે. જેના પરિણામે શહેરના સેન્ટ્રલ ઝોન અને બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારિત એરીયામાં પાણી વિતરણ સરળ બનશે. જ્યારે રૈયાધાર વિસ્તારની જરૂરિયાત મુજબનું પાણી ડેમમાંથી મેળવી એક્સપ્રેસ ફીડર લાઈન મારફત મેળવવામાં આવી રહયું છે.

અત્યારે ઉનાળાની સિઝન તેની ચરમસીમાએ છે ત્યારે શહેરની પાણીની કુલ જરૂરિયાત મુજબ નાગરિકોને નિયમિતપણે શુધ્ધ જળ પુરૂ પાડવા વ્યવસ્થિતપણે આયોજન કરી લેવાયું છે તેમ જણાવી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરના તમામ વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે શુધ્ધ કરવામાં આવતા પાણીમાં રોજેરોજ વિવિધ પેરામીટર જાળવવા જરૂરી હોય છે. વોટર વર્કસ શાખા દ્વારા તમામ ફિલ્ટર પ્લાન્ટનાં પાણીના સેમ્પલ લઇ તેમાં કલોરીનેશનનું પ્રમાણ ઉપરાંત ટર્બીડીટી અને પી.એચ. વેલ્યુ વગેરે નિયમિતરીતે ચકાસવામાં આવે છે.

કમિશનર એમ પણ ઉમેર્યું હતું કે, જ્યુબિલી અને બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે રોજ કયા સોર્સમાંથી કેટલું પાણી મેળવી શુધ્ધ કરવામાં આવે છે તેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત શહેરના તમામ ફિલ્ટર પ્લાન્ટ ખાતે ઉપલબ્ધ થતી જળ રાશી, શુધ્ધ થતા પાણીનો જથ્થો, વિતરિત થતો જળ જથ્થો, લેબોરેટરીમાં પાણીના સેમ્પલની થતી ચકાસણી અને જાળવવાના થતા પેરામીટર સહિતની વિગતોનો અહેવાલ રજુ કરવા વોટર વર્કસ શાખાને સૂચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.