Abtak Media Google News

વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ નિષ્ફળ: ખાનગી એજન્સી સ્કાયમેટ સફળ

ચોમાસામાં સ્કાયમેટ દ્વારા કરાયેલી ૯૨ ટકા વરસાદની આગાહી લગભગ ચોકકસ કહી શકાય

વરસાદની ૧૦ ટકા ઘટ ચાલુ વર્ષે અનુભવાઈ છે. ચોમાસાની સતાવાર વિદાય થઈ ચુકી છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ રહી હોવાની સાથે જ હવામાન વિભાગની નિષ્ફળ આગાહી જોવા મળી છે જયારે બીજી તરફ ખાનગી સંસ્થા સ્કાઈમેટની આગાહી એકંદરે ચોકકસ હોવાનું માનવામાં આવે છે.

ચાલુ વર્ષે દેશમાં ૯૭ ટકા વરસાદ વરસશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. ચોમાસુ સતાવાર વિદાય લઈ ચુકયું છે ત્યારે વરસાદની ૯.૪ ટકા ઘટ જોવા મળી છે. ચાલુ વરસે સરેરાશ ૪ ટકાના માર્જીનથી હવામાન વિભાગ આગાહીમાં ઉણુ ઉતર્યું છે. હવામાન વિભાગે ચોમાસું સામાન્ય રહેશે તેવું કહ્યું હતું પરંતુ ચોમાસું સામાન્ય કરતા નીચું રહ્યું છે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ખુબ જ ઓછો રહેતા હવામાન વિભાગ ચોકકસ આગાહી કરી શકયું નથી. અલનિનોની અસરના કારણે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ૯૦ થી ૯૧ ટકા સરેરાશ થશે તેવું હવામાન વિભાગે માન્યું હતું પરંતુ નોર્થ વેસ્ટ પેસિફિકમાં આ મહિનામાં અલનિનોની અસર જોવા મળી નહીં માટે માત્ર ૨૩ ટકા જ વરસાદ સપ્ટેમ્બરમાં થયો.

એપ્રિલ અને મે મહિનામાં હવામાન વિભાગે ૯૭ ટકા વરસાદ પડશે તેવું કહ્યું હતું. જોકે ઓગસ્ટ-સપ્ટેમ્બરના બીજી સીઝનમાં વરસાદ ૯૫ ટકા થશે તેવો દાવો કર્યો હતો. જોકે આ બંને સમયગાળામાં વરસાદ માત્ર ૮૭ ટકા જ નોંધાયો હતો. જયારે બીજી તરફ ખાનગી હવામાન સંસ્થા સ્કાઈમેટ દ્વારા ૧૦૦ ટકા વરસાદ થશે તેવું પહેલા કહેવાયું હતું જોકે ત્યારબાદ તા.૧ ઓગસ્ટના રોજ પોતાની આગાહીને સ્કાઈમેટે અપડેટ કરીને ૯૨ ટકા વરસાદ એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થશે તેવું કહ્યું હતું. આ આગાહી અત્યારના વરસાદના આકડાને ઘણા અંશે અનુરૂપ રહી છે. જોકે સ્કાઈમેટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કરેલી આગાહી અનુસાર વરસાદ ન થતા સંસ્થાને બગાસું ખાતા પતાસુ મળ્યું છે. જો સંસ્થાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કરેલી આગાહી મુજબનો વરસાદ પડયો હોત તો સંસ્થાની આગાહી કરતા વધુ વરસાદ પડયો છે તેવું કહી શકાય.

ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું રહેતા દેશમાં ખેત ઉત્પાદનો સહિતની પ્રોડકટીવીટી ઉપર અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. વરસાદની ઘટ જોવા મળતા લાંબાગાળે સિંચાઈની સાથે પીવાના પાણીની તકલીફ પણ ઉભી થાય તેવી દહેશત છે. સરકાર ગત મહિને સારો વરસાદ પડશે તેવી અપેક્ષા રાખી રહી હતી પરંતુ હવે ચોમાસાની સતાવાર વિદાય બાદ આગામી સમય કપરો રહેશે તેવું જણાઈ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.