Abtak Media Google News

સુરત, ભરૂચ, નવસારી, દમણ, વડોદરા, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના: અમુક સ્થળોએ અત્તિભારે વરસાદ પણ પડી શકે

રાજયમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જગતાત વાવણીકાર્યમાં મશગુલ બની ગયા છે ત્યારે દક્ષિણ પશ્ર્ચિમ પવનો ખુબ જ નીચલા લેવલથી પસાર થઈ રહ્યા હોય રાજયમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી ૨૪ અને ૨૫ જુલાઈના રોજ સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

રવિવારે રાજયભરમાં મેઘવિરામ જેવો માહોલ રહેવા પામ્યો છે. રાજયના ૩૩ પૈકી ૧૪ જિલ્લાના ૪૦ તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના સુબીરમાં ૩૧ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રવિવારે મેઘરાજાએ વિક ઓફ રાખ્યો હોય તેમ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. રાજયમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ચોકકસ વિરામ લીધો છે પરંતુ આજથી આગામી પાંચ દિવસ સુધી રાજયના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અને આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે જયારે આગામી મંગળ અને બુધવારના રોજ સુરત, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વડોદરા, દાહોદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને સાબરકાંઠા વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જયારે ૨૬ અને ૨૭ જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા એક માસ દરમિયાન રાજયમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે.

ચાલુ સાલ ચોમાસાની સીઝન દરમિયાન ગુજરાતમાં ૫૩.૦૧ ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં હજી સુધી સંતોષકારક વરસાદ પડયો નથી. કચ્છ રીઝયનમાં માત્ર ૧૧.૦૮ ટકા જ વરસાદ વરસયો હોવાનું નોંધાયું છે. જયારે ઉતર ગુજરાતની સ્થિતિ પણ ખાસ સારી નથી. ઉતર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આજ સુધીમાં ૨૮.૦૩ ટકા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૮.૯૮ ટકા વરસાદ વરસી ગયો છે. જયારે સૌરાષ્ટ્રમાં ૫૯.૪૩ ટકા જેટલો વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૦.૯૯ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રેકોર્ડ પર નોંધાયું છે.

૬ જળાશયોમાં પાણીની સામાન્ય આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સંપુર્ણપણે વિરામ લીધો છે. છલકાતા નદી-નાલાનું પાણી જળાશયોમાં ઠલવાઈ રહ્યું હોવાના કારણે આજે સવાર સુધીમાં ૬ જળાશયોમાં પાણીની આવક થઈ હોવાનું નોંધાયું છે. રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના ફોફળ ડેમમાં ૦.૧૦ ફુટ, પડધરીના આજી-૩ ડેમમાં ૦.૩૩ ફુટ, ધોરાજીના ભાદર-૨ ડેમમાં ૦.૧૬ ફુટ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મચ્છુ-૧ ડેમમાં ૦.૨૦ ફુટ, મોરબીના મચ્છુ-૩ ડેમમાં ૦.૦૭ ફુટ જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વર્તુ-૨ ડેમમાં ૦.૩૩ ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.