Abtak Media Google News

કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર રાજ્યના તમામ સરકારી વિભાગો સાથે સંકલન: 10 અસરગ્રસ્ત જિલ્લામાંથી લાખ લોકોનું 1216 આશ્રય સ્થાનોમાં સલામત સ્થળાંતર: એનડીઆરએફની 47 અને એસડીઆરએફની 11 ટીમો તૈનાત

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત 10 જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.

પંકજ કુમારે કહ્યું કે, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં 14 જેટલા સીનિયર આઇ.એ.એસ. અધિકારીઓને વાવાઝોડા સંદર્ભે ઘનિષ્ઠ મોનીટરીંગ કરી રહ્યા છે. જે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. જેથી સંભવિત પરિસ્થિતિને પહોંચી શકાય. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ,  સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે.

પંકજ કુમારે કહ્યું કે, રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થનાર છે. આ વાવાઝોડું મધરાત્રે દરિયાકાંઠે ટકરાય એવી સંભાવના હોવાથી માટે ત્યાં જાન-માલને નુકસાન ન થાય એ માટે સ્થળાંતર જ એક વિકલ્પ હોઈ, સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલિસ અધિક્ષકની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી થઈ રહી છે.

રાજ્યભરમાં બપોરના 1.30 વાગ્યા સુધી 1,23,550 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજયભરમાં 1216 જેટલાં આશ્રયસ્થાનો ઉભા કરાયા છે જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે.

પંકજ કુમારે કહ્યું કે, રાજ્યમાં ઉભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 47 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવી દેવાઇ છે. જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. એજ રીતે એસ.ડી.આર.એફ.ની 11 ટીમો અને મરીન પોલીસ પણ સ્ટેન્ડ ટુ કરી દેવાઇ છે. ઉપરાંત આર્મીની 34 ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે છે, તેમ પણ તેમણ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.