Abtak Media Google News

આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ ને તથ્ય અવશ્ય રહેલું છે, એવી જ એક એકાદશી એટલે વૈશાખ માસના શુક્લપક્ષ એટલે કે અંજવાળીયામાં આવતી એકાદશી એટલે મોહિની એકાદશી. તમામ મોહમાયા માંથી મુક્તિ અપાવે છે મોહિની એકાદશી

એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ શ્રી કૃષ્ણ! વૈશાખ માસમાં શુક્લપક્ષમાં કઈ એકાદશી આવે છે, આ એકાદશીનું શું ફળ છે, એ કેવી રીતે કરવી તેની કઈ વિધિ છે. આપની કૃપાથી મને તે એકાદશીનો મહિમા કહો હું સાંભળવા ઇચ્છુ છું.

ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા પ્રાચીનકાળમાં મર્યાદા પુરુષોતમ શ્રી રામે પણ બ્રાહ્મણ ઋષિ વશિષ્ઠને આ વાત પૂછી હતી અને એ જ વાત આજે તમે મને પૂછી રહ્યા છો. ભગવાન રામે મહર્ષિ વશિષ્ઠને કહ્યું કે જે બધા પાપોનો ક્ષય તથા તમામ દુ:ખોનું નિવારણ કરે છે, વ્રતોમાં પણ ઉત્તમ વ્રત છે તે વ્રત વિશે હું સાંભળવા માંગું છું.

બ્રાહ્મણ ઋષિ મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા રામ તમે ઘણી ઉતમ વાત કહી છે, મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી મુક્ત થાય છે, છતાં પણ લોકકલ્યાણના હિતની ઈચ્છાથી હું પવિત્ર ઉતમ વ્રતનું વર્ણન આપને કહીશ, વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશીનું નામ છે મોહિની એકાદશી કે જે એકાદશી બધા પાપોનું નિવારણ કરતી એકાદશી છે. મોહિની એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક મોહજાળ તથા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે.

પૌરાણિક કથા અનુસાર સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશ ઉત્પન્ન થયેલા અને સત્યપ્રતિજ્ઞ ધ્રુતિમાન નામના રાજા નગરમાં રાજ્ય કરતા હતા. આ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો, જે ધન ધાન્યથી સુખી સમૃધ્ધ હતો, એ હમેશા પુણ્યના કાર્યમાં મગ્ન રહેતો હતો. પ્રજાઓ માટે પરબો, તળાવો, ધર્મશાળાઓ બનાવતો. ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો. તે શાંત સ્વભાવનો હતો, તેને પાંચ પુત્ર હતા સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધ્રૂષ્ટબુદ્ધિ નામના પાંચ પુત્ર હતા.

તેનો પાંચમો પુત્ર હમેશા મોટા પાપોમાં સંલગ્ન રહેતો, જુગાર રમતો, વૈશ્યાઓને મળવા માટે હમેશા ઉત્સુક રહેતો હતો, મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓને તથા બ્રાહ્મણોને સત્કારવામાં, અત્યાચારના માર્ગ પર ચાલીને પોતાના પિતાનું ધન બરબાદ કરતો, એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ફરતો જોવા મળ્યો ત્યારે તેના પિતાએ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મુક્યો, એના ભાઈ-બાંધવોએ પણ એનો પરી ત્યાગ કરી દીધો. સતત દિવસ અને રાત દુ:ખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં-ત્યા ભટકવા લાગ્યો. એક દીવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌન્ડીન્યના આશ્રમ પર આવી પહોચ્યો, બરાબર એ સમયે વૈશાખ મહિનો ચાલતો હતો, તપોધન મહર્ષિ કૌન્ડીન્ય ગંગાજી નદીમાં સ્નાન કરી આશ્રમ આવતા હતા.

દુષ્ટ બુદ્ધિવાળો શોકથી પીડિત થયેલો મુનીવર પાસે ગયો, બે હાથ જોડી તેમની સામે ઉભો રહી બોલ્યો હે હે બ્રાહ્મણ દેવતા, હે દિવ્યશ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કહો, કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય મહર્ષિ કૌન્ડીન્ય ઋષિ બોલ્યા વૈશાખ મહિનાની શુક્લપક્ષની મોહિની એકાદશીનું વ્રત કર, આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઇ જાય છે

મહર્ષિ વશિષ્ઠ કહે છે, શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિવાળા પુત્રનું ચિત પ્રસન્ન થયું અને મહર્ષિ કૌન્ડીન્યના કહ્યા  પ્રમાણે મોહિની એકદાશીનું વ્રત કર્યું, આ વ્રતના નીતિ નિયમના પાલનથી એ નિષ્પાપ થઇ ગયો અને દિવ્યદેહ ધારણ કરીને ગરૂડ પર બેસી બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત થઇ શ્રી વિષ્ણુના વૈકુંઠધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ લાભદાયી છે તથા ખાલી માત્ર એની વ્રત કથા વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌ દાનનું ફળ પ્રાપ્ત થાય છે.

આમ આ મોહિની એકાદશીનું વ્રત ખુબજ ફળદાયક છે અને હરકોઈ વ્યક્તિ શ્રધ્ધા અને ભક્તિ સાથે આ વ્રત કરી શકે છે આ મોહીની એકાદશીના દિવસે ઉપવાસ કરવો, પ્રવાહી વસ્તુ સાથે ફળનો આહાર ગ્રહણ કરવો, સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો, શ્રીમદ ભગવદગીતાનો પાઠ કરવો, ગૌ માતાને ઘાસચારો નીરવો, પક્ષીઓને ચણ નાખવી, શ્વાનને રોટલી આપવી તેમજ માતાપિતા તેમજ વડીલોની સેવા કરવાથી આ મોહિની એકાદશીના વ્રતના અનેરા ફળની પ્રાપ્તિ થાય છે તેમજ તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવન સુખમય તથા આરોગ્યમય પસાર થાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.