૨૦૦૧માં ઉગેલો મોદીનો સુરજ ‘મધ્યાહને’

મેકિંગ ઓફ મોદી

રાજકીય જાહેર જીવનમાં અકલ્પનીય સફળતા સિદ્ધ કરનાર નરેન્દ્ર મોદી હંમેશ નવો ચીલો ચાતરવામાં અને વિકાસને વેગવાન બનાવવામાં આપે છે અગ્રતા: સંકલનની વિચારધારા સાથે જોડાય વિભાજનકારી પરિબળોને દૂર રાખવાની સફળતાએ નરેન્દ્ર મોદીને બનાવ્યા સફળ રાજનેતા

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અત્યાર સુધીના રાજદ્વારી ઈતિહાસની ત્વારીખમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલીક ખાસ વિશિષ્ટતાના કારણે સાવ નોખા-અનોખા રીતે તરી આવે છે. જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રમાં નરેન્દ્ર મોદીની ઉપલબ્ધીઓને અનેક રીતે મુલવવામાં આવે છે ત્યારે ૨૦૦૧થી શરૂ થયેલા નરેન્દ્ર મોદીના રાજકીય સુર્યોદયનો સમય અત્યારે બરાબર મધ્યાહને તપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના આગમનનો દૌર અત્યારે ૨૦માં વર્ષમાં પહોંચ્યો છે ત્યારે તેમણે એક પણ દિવસના વિરામ વગર નિરંતરપણે પોતાની કાર્ય શાધના અવિરત ચાલુ રાખીને એક નર્વો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.

રાષ્ટ્રીયસ્તરે કોઈ એક રાજકીય વ્યક્તિ પોતાના વ્યક્તિગત અથાક સંઘર્ષ આયોજનપૂર્વકની રણનીતિથી પક્ષને તળીયાથી ટોચ સુધી લઈ જઈ કેન્દ્રની સત્તા અપાવનાર વ્યક્તિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો કિર્તીમાન પોતાના નામે કર્યો છે. ૨૦૦૧માં ગુજરાતની રાજકીય કટોકટી દરમિયાન ભાજપ હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ માટે ગુજરાતની જવાબદારી નરેન્દ્ર મોદીને સીરે મુકી હતી ત્યારે ગુજરાતનો મુખ્યમંત્રીનો તાજ હોદ્દો ભોગવવા માટે ઓછો પરંતુ કાંટાળો વધુ ગણાતો હતો. નરેન્દ્ર મોદીએ આ પડકાર ઉપાડીને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ગુજરાતમાં ભાજપને મજબૂત કરીને સતત ૩ ટર્મ સુધી ગુજરાતનું શાસન ચલાવીને માત્ર રાજકીય સ્થિરતા જ નહીં પરંતુ ગુજરાતનું આ શાસન ભારતના અન્ય રાજ્યો માટે પણ રોલ મોડેલ બનાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી કેન્દ્રમાં ભાજપને સરકાર અપાવવા માટેની સીડી ગોઠવી લીધી હતી. કથની અને કરનીમાં એકરૂપતા અને ચૂંટણી વખતે આપેલા વાયદાઓ પુરા કરાવાનો વિશ્ર્વાસ અપાવી મોદીએ રાજકારણમાં અપ્રિતમ કાર્ય કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીની સફર દિલ્હી સુધી અનેક પડકારો સાથે  પાર પાડી હતી. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તેમણે આપેલા ચૂંટણી વચનના એક એક શબ્દ ચરિતાર્થ કરીને અભૂતપૂર્વ વચનબદ્ધતાની મિશાન કાયમ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ૫મી ઓગષ્ટે રામ મંદિરના શિલાન્યાસ દ્વારા ભાજપનું અભૂતપૂર્વ સપનું પૂરું કર્યું છે. આ ઉપરાંત કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી અને મુસ્લિમ મહિલાઓ માટે નર્કાગાર સ્થિતિ જેવી ત્રિપલ તલાકના રિવાજને હિંમતપૂર્વક પ્રતિબંધીત કરીને સામાજિક, રાજકીય સુધારાઓમાં નરેન્દ્ર મોદીએ તમામ વર્ગના લોકોને સમાંતર ન્યાય આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦ વર્ષની કારકિર્દીમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લાખો ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મફત અનાજ, કોરોના કટોકટીમાં લોકોને સ્વનિર્ભર બનાવવાની કવાયત, ચીન સાથે સરહદ પર ઉભા થયેલા વિવાદ અને પડકારોનો હિંમતપૂર્વકનો સામનો અને દેશને સર્વાંગી રીતે આગળ ધપાવવામાં તેમણે કહ્યું તે કરી બતાવ્યું. ખેડૂત બીલને કાયદાનું રૂપ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મક્કમ આગેકુચ વચ્ચે ભાજપના સૌથી જૂના સહયોગી શિરોમણી અકાલી દળની નારાજગી પણ તેમણે ધ્યાને લીધી ન હતી. ખેડૂતોની ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવાનું લક્ષ્ય સાધવા માટે આ કૃષિ બીલ જરૂરી હોવાનું તેમણે સાબીત કરી આપ્યું હતું.

નરેન્દ્ર મોદીએ ૧ ઓકટોબર ૨૦૦૭ના રોજ કચ્છમાં અને સમગ્ર રાજ્યમાં ભૂકંપ આવ્યા બાદ ત્વરીતપણે ગુજરાતનું શાસન સંભાળ્યું હતું અને વાઈબ્રન્ટ ગુજરાતથી શરૂ કરેલી વિકાસની કવાયતમાં ગુજરાતને આત્મનિર્ભર બનાવી ગુજરાત મોડલના આધારે તેમણે દેશની સત્તા માટે રસ્તો ઉભો કર્યો હતો. ભાજપે ૨૦૧૩ની ચૂંટણીમાં તેમણે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કરીને અપ્રિતમ સફળતા મેળવીને એક ઈતિહાસ રચ્યો હતો. નરેન્દ્ર મોદીની રાજકીય સફર આ વર્ષે ૨૦માં વર્ષમાં પહોંચી છે ત્યારે ૨૦૦૧થી ઉગેલો મોદીનો સુરજ અત્યારે મધ્યાહને પહોંચ્યો છે.

મોદીએ નવો ચીલો ચિતર્યો

૨૦૦૧માં ગુજરાતમાં કેશુભાઈની સરકાર સામે ઉભી થયેલી રાજકીય અસ્થિરતાના ડેમેજ કંટ્રોલ માટે કેન્દ્રીય મવડી મંડળના આદેશના પગલે ગુજરાતમાં આવેલા નરેન્દ્ર મોદીએ રાજકીય ક્ષેત્રે એક નવો જ ચીલો ચિતરવાની પહેલ કરી હતી.

કોઈની પાછળ ચાલવાના બદલે નવો રસ્તો કંડારવો વિકાસના સહયોગીઓને પ્રોત્સાહન આપી અવરોધોને એકબાજુ ધકેલવાની થીયરી મોદી માટે સફળતાની ચાવી બની ગઈ હતી. તેમણે નકારાત્મક રાજકારણ અને રાજકીય વ્યક્તિઓનું મહત્વ હોવા છતાં જાહેર હિતમાં આવી વ્યક્તિઓને હાસીયામાં મુકી પક્ષ અને દેશ માટે વિકાસનો રસ્તો સાફ કરવાનું નવું આલેખન કર્યું હતું.

ગોધરાકાંડની આફત બની ટર્નિંગ પોઈન્ટ

ભારતના રાજદ્વારી સામાજીક ઈતિહાસમાં ભાગલા બાદ સૌથી મોટી સામાજીક, ધાર્મિક ધૃવિકરણની પરિસ્થિતિ ગોધરાકાંડ બાદ સર્જાઈ હતી. ગુજરાતમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વચ્ચે આ મુદ્દો રાજકીય લાભાલાભનો વિષય બનવા જઈ રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની વ્યક્તિગત કાબેલીયત, સંગઠનનો અનુભવ અને આફતને અવસરમાં બદલવાના કૌશલ્યથી ગોધરાકાંડની આફતને ભાજપ માટે રાજકીય ટર્નિંગ પોઈન્ટ બનાવી દીધી હતી. ચૂંટણી વખતે સોનિયા ગાંધીની ‘મોત કે સોદાગર’ની એક માત્ર ટીપ્પણીનો નરેન્દ્ર મોદીએ કુનેહપૂર્વક આ મુદ્દાને મતમાં પલટાવી એક રાજકીય વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાનો નમુનો બનાવ્યો હતો.

રાજકીય વિચારધારાનો યોગ્ય ઉપયોગ મોદીની સફળતાનો પર્યાય

નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીની ત્વારીખમાં પ્રારંભથી જ તેમની આફતને અવસરમાં બદલવાની નીતિ દાદ માંગનારી બની છે. મોદીએ વિચારધારાને હંમેશા મહત્વ આપ્યું છે. પોલીટીકલ યુ-ટર્ન લેવા માટે વિકાસવાદને અપનાવી નરેન્દ્ર મોદીએ  સમય આવ્યે વિચારધારાની અવરોધરૂપ નેતાગીરીને સાઈડ લાઈન કરી પક્ષનું મહત્વ વધાર્યું હતું. નરેન્દ્ર મોદીના આ ગુણથી જ ગુજરાતના ગામડામાં વિખરાયેલી જનસંઘની વિચારધારા ભાજપના રાજકીય સ્ત્રોતમાં રૂપાંતરીત થઈને સમગ્ર દેશ પર છવાઈ ગઈ હતી.

રાજકારણને કોર્પોરેટ ટચ આપવાની નરેન્દ્ર મોદીની પહેલ સંપૂર્ણ સફળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનનો મોટો ભાગ રાષ્ટ્રીય વિચારધારાને સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવા પાછળ ખર્ચી દીધી હતી. પોતાને મળેલા એક-એક દિવસના અનુભવ તેમણે સત્તા મળ્યે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. અગાઉની રાજકારણ, રાજકીય વ્યક્તિ, સમાજ સેવા અને સમાજ સેવકની વ્યાખ્યા જ તેમણે બદલી દીધી. પંચાયત રાજ એટલે સાદગીથી થતું લોકતંત્રનું સંચાલન નરેન્દ્ર મોદીએ રાજકારણની વ્યાખ્યા બદલી નાખી. તેમણે રાજકારણને સંપૂર્ણપણે કોર્પોરેટ ટચ આપી ઉપયોગીને ઉપહાર, બિન ઉપયોગીનો નિકાલ કરવાની પદ્ધતિનો અમલ કર્યો. પંચાયતથી લઈને વિધાનસભા ગૃહ સુધીનું મોર્ડન ટેકનોલોજીમાં અપગ્રેડેશન કોર્પોરેટન જગતની જેમ રાજકારણમાં પણ શિસ્ત નિયમ અને ભુલની યોગ્ય કિંમત ચૂકવવાની પ્રથાનો અમલ કર્યો. કોર્પોરેટ મેનેજમેન્ટ કેવી રીતે થાય તે તેમણે રાજકારણમાં અમલીય બનાવીને ગુજરાત વાયા થઈને સમગ્ર દેશના રાજકારણને કોર્પોરેટ ટચ આપી ભારતના લોકતંત્રને નવી દિશા આપી.

મોદીનો વિશ્ર્વ મંચ પર અભૂતપૂર્વ પ્રભાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીનો ૨૦માં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે તેમની સફળતા પાછળના કેટલાક રહસ્યોની ચર્ચા-વિચારણા અને સંશોધનો થયા છે ત્યારે નરેન્દ્ર મોદી વિશે એક વાત એવી સાબીત થઈ છે કે તેમણે ક્યારેય રાજકીય કારકિર્દીમાં કોઈની પાછળ ચાલવાનો રસ્તો અખત્યાર કર્યો નથી. તેમણે હંમેશા સમાંતર સરકાર વ્યવસ્થાનો રસ્તો અપનાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કેન્દ્ર સરકારની પરવાહ કર્યા વગર ગુજરાતમાં વૈશ્ર્વિકસ્તરની વાઈબ્રન્ટ ગુજરાત સમીટનું આયોજન કરી સમગ્ર વિશ્વના દેશોનું ધ્યાન ગુજરાત તરફ દોર્યું હતું. નરેન્દ્ર મોદીની આ પહેલ પાછળથી દેશના અન્ય રાજ્યો અને ખુદ કેન્દ્ર સરકારે અપનાવવાની ફરજ પડી હતી.

નરેન્દ્ર મોદીએ આપેલા વિચારોને વિશ્ર્વ દ્વારા આવકાર

ભારત વિશ્વ ગુરૂની ભૂમિકા ભજવશે તેવી દાયકાઓ પહેલા થયેલી આગાહીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વ્યક્તિગત આવડત અને કુનેહથી સિદ્ધ કરી છે. વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી પીડાઈ રહ્યું છે. દરેક આ સમસ્યાથી બચવા માટે વિચાર અને કાગારોળ કરી રહ્યાં છે તેવી પરિસ્થિતિમાં પેરીસમાં યોજાયેલી ગ્લોબલ સમીટમાં નરેન્દ્ર મોદીએ રીન્યુએબલ એનર્જીના ઉપયોગનો નવો રસ્તો વિશ્વને બતાવી વીજ ઉત્પાદન અને ઔદ્યોગીક વપરાશમાં સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી દરેક રાષ્ટ્રો પોતાના પર્યાવરણમાં ૧ થી ૩ ડિગ્રી ઉર્જાનો ઘટાડો કરવા માટે સક્રિય થઈ જાય તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આપો આપ પૂરી થઈ જાય તેવી વિચારધારાનો વિશ્વએ સ્વીકાર કર્યો હતો.

નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વ્યાપક આવકાર

નરેન્દ્ર મોદીના સામાજિક, રાજકીય, આર્થિક ઉત્કર્ષની વિચારધારાને વ્યાપક પ્રમાણમાં ફેલાવનાર સ્વચ્છ ભારત અભિયાન પાછળ અનેક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સ્વચ્છતા રોગચાળાને દૂર રાખે છે. સ્વચ્છતા જ આર્થિક આધાર બની રહે તે વિચારધારા નરેન્દ્ર મોદીએ આપી.

Loading...