Abtak Media Google News

૨૦૧૯ની ચૂંટણીને લઇ મોદીનું ‘વિકાસ પેકેજ’

રૂ.૧ કરોડ સુધીની લોનમાં ૨ ટકા વ્યાજ સબસીડી, નાના નિકાસકારો માટે વ્યાજ સબસીડીમાં ૫ ટકા સુધીનો વધારો, પર્યાવરણની મંજૂરી મેળવવામાં રાહત સહિતના પ્રોત્સાહનોની જાહેરાત

ઉદ્યોગ જગતને દોડતુ કરવા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે વડાપ્રધાન મોદીએ ૧૨ મુદ્દાને લઈ માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. જેમાં એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને લોનની સબસીડી આપવી તથા વિવિધ પરવાનગીઓ મેળવવા રાહત આપવા સહિતના મુદ્દાને આવરી લેવાયા છે.

વડાપ્રધાન મોદીના પ્લાન મુજબ હવેથી રૂ.૧ કરોડ સુધીની લોનમાં બે ટકાની વ્યાજ સબસીડી મળશે. આ ઉપરાંત નાના એકસ્પોર્ટર માટે વ્યાજ સબસીડી ૩ ટકાથી વધારી ૫ ટકા કરવામાં આવી છે. પબ્લિક સેકટર યુનિટને એમ.એસ.એમ.ઈ. પાસેથી મેળવાતા જથ્થાનું પ્રમાણ ૨૦ ટકાથી વધારી ૨૫ ટકા કરવા આદેશ અપાયો છે.

આ ઉપરાંત તંત્રના ઈન્શ્પેકશન રૂલમાં પણ નાના અને મધ્યમ ઉદ્યોગોને અનેક રાહતો આપવામાં આવી છે. લેબર લો હેઠળ નાના ઉદ્યોગોને હવે સરળ પ્રક્રિયા અનુસરવી પડશે. તેમજ હવા-પાણી સહિતના પર્યાવરણ કલીયરન્સ મેળવવા માટે પણ નિયમો સરળ કરાયા છે. નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કામદારોની તાલીમ માટે રૂ.૬ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી આગામી ૧૦૦ દિવસ સુધી ૧૦૦ જિલ્લામાં આ યોજનાની કઈ રીતે અમલવારી થશે તેની પર વ્યક્તિગત નજર રાખશે.

લોકસભા ચૂંટણીને હવે ચાર મહિના જેટલો સમય બાકી છે ત્યારે આગામી ૧૦૦ દિવસો એટલે કે, ત્રણ મહિના જેટલો સમય વડાપ્રધાન મોદી પોતાના વિકાસ મોડલ પાછળ આપશે. આગામી લોકસભા ચૂંટણીમાં મંદિર અને વિકાસનો મુદ્દો અગ્ર સ્થાને રહેશે. વડાપ્રધાન મોદી ફરીથી વિકાસના મુદ્દે મત માંગશે. તેની સાથો સાથ મંદિરનો મુદ્દો પણ બીજા હાથમાં લઈ ચાલશે.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યારે ત્રણ કરોડથી વધુ એમ.એસ.એમ.ઈ. છે જેમાં ૧૨ કરોડથી વધુ કુટુંબો રોજગારી મેળવી રહ્યાં છે. લોકોને રોજગારી પુરી પાડવામાં ખેતી ક્ષેત્ર બાદ એમ.એસ.એમ.ઈ. દ્વિતીય ક્રમે છે. એક તરફ ખેડૂતોની આવક બે ગણી કરી બીજી તરફ એમ.એસ.એમ.ઈ.ને બુસ્ટર ડોઝ આપી આગામી વર્ષોમાં ભારતીય અર્થતંત્ર મજબૂત કરવાનો વડાપ્રધાન મોદીનો પ્લાન છે. જેના અનુસંધાને મોદી સરકારે સ્ટાર્ટ અપ, મેઈક ઈન ઈન્ડિયા તથા મુદ્રા યોજના સહિતની યોજનાઓ લોકો સમક્ષ મુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.