Abtak Media Google News

ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે રાહતોનો પટારો ખોલતા ગોયલ: લોકસભાની ચૂંટણી પેલા તમામ વર્ગના નાગરિકોને રાજી રાખવાનો મોદી સરકારનો પ્રયાસ

ખેડુતો અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અનેક નવી યોજનાઓની જાહેરાત કરાય:
નાના -મોટા વેપારીઓને ટેકસમાં રાહતો અપાઈ:  નોકરીયાત અને સામાન્ય વર્ગને ઈન્કમટેક્ષમાં રાહતો

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર દ્વારા તેમનું આખરી એવું વચગાળાનું બજેટ આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતુ. અરૂણ જેટલીની નાદુરસ્ત તબીયતના કારણે તેમની ગેરહાજરીમાં નાણામંત્રી બનાવાયેલા પિયુસ ગોયલે બજેટને રજૂ કર્યું હતુ આ વચગાળાના બજેટમાં અપેક્ષા મુજબ ખેડુત, ગરીબ, મધ્યમ વર્ગ માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી ઉપરાંત, ગામડાઓનાં સર્વાંગી વિકાસ માટે અનેક નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી હતી. તમામ વર્ગના લોકોને સીધી અસર ન પડે તેવી રીતે એકપણ વધારાના કરબોજ નાખ્યા વગર તમામને રાજી રાખવા ફૂલગુલાબી બજેટ રજૂ થયું હતુ

લોકસભામાં નાણામંત્રી પિયુસ ગોયલે રજૂ કરેલા વચગાળાના બજેટમાં તમામ વર્ગને ખુશ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એસ.ટી. કર માળખાના અમલ બાદ તેની આવકની સરકારી તિજોરી છલકાઈ રહી છે. અને જાન્યુઆરી માસમાં ૧ લાખ કરોડ રૂપિયાથી વધારેની આવક થવા પામી છે. જેથી આ ભરેલી તીજોરીમાંથી તમામ વર્ગો માટે વિવિધ રાહતો અને યોજનાઓની આ બજેટમાં લ્હાણી કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયથી ખેડુતો અને ગ્રામ્યજનો મોદી સરકારથી નારાજ જોવા મળતા હતા જેની સીધી અસર મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજય વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળી હતી. જેની, ગ્રામ્ય વિસ્તારોનાં સર્વાંગી વિકાસ માટે આ બજેટની ૧૬ ટકા જેટલી રકમ ફાળવીને રૂ.૧.૩ લાખ કરોડના ખર્ચે વિવિધ યોજનાઓ અને રાહતો આપવામાં આવી હતી.

ખેડુતો માટે સરકાર દ્વારા વિવિધ સબસીડી અને રાહતો આપવામાં આવે છે. પરંતુ તેનો લાભ વચેટીયાઓ લઈ જતા હોય ખેડુતોને વિવિધ સરકારી લાભોની રકમ સીધી જ તેમના ખાતામાં જમા કરવાની યોજના આ બજેટમાં જાહેર કરવામાં આવી છે.

ગત બજેટમાં ૨.૫ લાખથી ૪ લાખ રૂપિયાની આવક ધરાવતા નોકરીયાત વર્ગ માટે ઈન્કમટેક્ષ ૧૦ ટકાથી ઘટાડી ૫ ટકા કરવામાં આવ્યો હતો તેમાં આ બજેટમાં છૂટછાટ આપવામાં આવી છે. ટેકસ છૂટમાં આવક મર્યાદા પણ વધારવામાં આવી છે. જયારે ૫ થી ૧૦ લાખની આવક ધરાવતા નોકરીયાત વર્ગ પર ગત બજેટમાં ૨૦ ટકા ઈન્કમ ટેક્ષ હતો. તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. જયારે સિનિયર સીટીઝનોનો પણ ઈન્કમટેક્ષમાં વિશેષ રાહતો આપવામાં આવી હતી. ઉપરાંત, મહિલાઓને પણ ઈન્કમટેક્ષ ભરવામાં વિશેષ છૂટકારો આપવામાં આવી હતી.

ગત વર્ષનાં બજેટમાં મ્યુચ્યુલ ફંડમાં એક વર્ષમાં ૧ લાખ રૂપિયાથી વધારાના નફા પર ૧૦ ટકા એલટીસીજી ટેકસ લગાવવામાં આવ્યો હતો. જેમાં પણ આ બજેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણકારોને આકર્ષવાઆ રાહતો આપી છે.

લોકો ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ વધારે ખરીદે જે માટે તેને ૮૦સીથી અલગ કરીને ટેકસમાં છૂટછાટ આપવામાં આવી હતી. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વ. ઈન્દીરા ગાંધીના સફળ નિવડેલા ‘ગરીબી હટાવો’ સુત્રને અપનાવીને દરેક ગરીબ પરિવારોના એક વ્યકિતને લઘુતમ આવકની ગેરંટી આપવાનું વચન આપ્યું હતુ. રાહુલનું આ વચન અસરકારક ન રહે તે માટે ગોયલે દેશના અતિ ગરીબ ૨૫ ટકા પરિવારો માટે ખાસ યોજનાઓની જાહેરાતો કરી હતી.

કુપોષણથી પીડાતી મહિલાઓ અને બાળકો માટે આ બજેટમાં પોષણ અભિયાન અને આંગણવાડી માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ઉપરાંત, આંગણવાડી વર્કરોના પગાર વધારા માટે વિશેષ આર્થિક જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અપાતી શૈક્ષણિક લોનમાં વર્ષ ૨૦૦૬થી કોઈપણ છૂટછાટ આપવામાં આવી નથી.

દશ વર્ષમાં મોંઘા થયેલા શિક્ષણના ખર્ચને ધ્યાનમાં રાખીને ગોયલે તેના પરના ટેકસ પર રાહત આપી હતી. નાના વેપારીઓ પરના બજારકર અને મોટા વેપારીઓ માટેના વિવિધ જીએસટી કરોમાં રાહતો આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, સીનીયર સીટીઝનોને ગંભીર બિમારી માટેની ઈલાજ ખર્ચ પરના ટેકસમાં રાહત આપવામાં આવી હતી.

ઉપરાંત, ગોયલે આ બજેટમાં કરમાળખામાં અનેક ફેરફારો કરવાની જાહેરાતો કરી હતી વધતા જતા શહેરીકરણની સમસ્યાને પહોચી વળવા અને દરેક નાગરીકો પોતાની માલીકીનું ઘર વસાવી શકે તે માટે હાઉસીંગ લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આમ, મોદી સરકારના આ વચગાળાના બજેટમાં ગરીબ, મધ્યમ, ખેડુત, ગ્રામ્ય સહિતના તમામ વર્ગોને રાજી રાખવા અને આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાની તરપ આકર્ષવા વધારાના કોઈ ખાસ ટેકસ નાખ્યા વગર રાહતો અને પેકેજોનો પટ્ટારો ખોલવાની જાહેરાત કરી હતી. જેની આર્થિક નિષ્ણાંતો આ બજેટને ફૂલગુલાબી બજેટ ગણાવી રહ્યા છે.

વચગાળાના બજેટને આવકારતું શેરબજાર: ૧૪૦ પોઈન્ટનો ઉછાળો

આજરોજ રાહતના પટારા સમાન ફુલ ગુલાબી બજેટ જાહેર થનાર છે ત્યારે શેરબજારે પણ બજેટને આવકારતા ૧૪૦ પોઈન્ટની છલાંગ મારી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી નહીંવત ઉછાળો નોંધાયો હતો ત્યારે ગઈકાલે ૩:૩૦ વાગ્યા પછી માત્ર ૨૩ મિનિટોમાં જ બજેટનો પારો ૬૦૦ પોઈન્ટની ઉપર જતા શેરબજાર ગ્રીન ઝોનમાં પ્રવેશ્યું હતું. સેન્સેકસે પોઝીટીવ છલાંગ લેતા નિફટીએ પણ ૩૦ પોઈન્ટનો ઉછાળો લીધો છે.

આ સાથે જ માર્કેટમાં રોકાણકારો માટે સારા પ્રોફીટની તકો જોવા મળી હતી અને ઈન્વેસ્ટરોમાં આનંદનો માહોલ છવાયો છે. જો કે આજે કેન્દ્ર સરકારના બજેટમાં રાહતના પટારા ખુલે તેવી આશા સાથે શેરબજારમાં પોઝીટીવ વાઈબ્સની આશા છે. નિફટી સ્મોલકેપ ૫૦ પોઈન્ટ અપ તો નિફટી મિડકેપ ૧૧૨ પોઈન્ટ સાથે ગ્રીન ઝોનમાં રમી રહી છે પરંતુ વેદાંતા અને એકસીસ બેંકના શેરો ડેન્જર ઝોનમાં માઈન્સ સાથે દેખાઈ રહ્યાં છે. જો કે આજે બજેટની સાથે જ શેરબજારમાં તેજી આવે તેવા સંકેતો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.