Abtak Media Google News

વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર અને યુ-ટયુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે પગલા લેવાની સરકારની તૈયારી: ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિ રચાઈ

સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજમાં કેટલાક દુષણો ફેલાઈ રહ્યાં છે. ફેક ન્યુઝ અને ડેટાનો ગેરઉપયોગ હાલ સમાજ માટે જોખમી સાબીત થઈ રહ્યો છે. વોટ્સએપ અને ફેસબુકમાં ફરતી અફવાઓના પગલે અનેક લોકોના જીવ ગયા હોવાનું પણ નોંધાયું છે. સોશ્યલ મીડિયા પર કંટ્રોલ કઈ રીતે થઈ શકે તે અંગે મથામણ ચાલી રહી છે. ત્યારે સોશ્યલ મીડિયા જાયન્ટસને લક્ષ્મણ રેખા ન ઓળંગવાની અડકતરી ચેતવણી મોદી સરકાર દ્વારા આપી દેવાઈ છે.

તાજેતરમાં જ વોટ્સએપમાં ફરતી અફવાઓના પગલે ટોળા દ્વારા હિંસાની ઘટનાઓ બની હતી. જેથી સરકારે વોટ્સએપને મેસેજનું ઉદ્ભવ સ્થાન એટલે કે મેસેજ કોના દ્વારા બનાવાયો છે અને મોકલાયો છે તેની વિગતો આપવાનું સેટઅપ ગોઠવવા આદેશ આપ્યો હતો. જો કે, વોટ્સએપે સરકારના આ આદેશને માન્ય રાખ્યો નથી. મેસેજના ઓરીજનરલ સેન્ડરની વિગતો આપવા મામલે વોટ્સએપે નનૈયો ભણી દીધો છે. સરકારે વોટ્સએપને પ્લેટફોર્મ પર થતી નજર રાખવા અધિકારીની નિમણૂંક કરવા ટકોર પણ કરી હતી. આ મામલે વડી અદાલતમાં કેસ પણ ચાલી રહ્યો છે.

સરકારની ટકોરને નજર અંદાજ કરતી સોશ્યલ મીડિયા કંપનીઓ સામે હવે આકરા પગલા તોળાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મંત્રીઓની સમીતી બનાવી છે. જે સોશ્યલ મીડિયા કંપનીઓ સામે કઈ રીતે પગલા લઈ શકાય તે અંગે ભલામણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં પણ એક સમીતીની રચના કરવામાં આવી છે. જે મંત્રીઓની ભલામણો અંગે નિર્ણય લેશે.

સૂત્રોએ જણાવ્યાનુસાર વોટ્સએપ, ફેસબુક, ટવીટર અને યુ-ટયુબ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાંથી અણછાજતી વિગતો દૂર કરવા મામલે સરકાર વ્યવસ્થા ગોઠવી રહી છે. સરકારે તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને કમ્પલેઈન્સ રિપોર્ટ કરવાની વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યો છે. જે કંપની આ વ્યવસ્થા નહીં ગોઠવે તેની સામે પગલા ભરાશે તેવું જાણવા મળે છે.

ફેક ન્યુઝને નાથવા રેડિયોની સહારે વોટસએપ

વોટ્સએપમાં ફેક ન્યુઝનું દુષણ વધતું જાય છે. ફેક ન્યુઝના કારણે અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના મોત થયા છે. ફેક ન્યુઝનું દુષણ રોકવા વોટ્સએપ પર તમામ રીતે દબાણ થઈ રહ્યું છે. માટે વોટ્સએપ હવે રેડીયોના માધ્યમથી ફેક ન્યુઝ સામે અભિયાન ચલાવશે. કોઈપણ મેસેજને ફોરવર્ડ કર્યા પહેલા તેની સાતત્યતા તપાસવા અંગે રેડિયો પર અભિયાન ચલાવી લોકોને માહિતગાર કરાશે. ઓલ ઈન્ડિયા રેડિયોની બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા હિન્દી બોલતા ૪૬ સ્ટેશનો પર આ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં ફોરવર્ડેડ મેસેજને આગળ મોકલતા પહેલા તેની સચ્ચાઈ તપાસવાનું લોકોને કહેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.