Abtak Media Google News

મંત્રીમંડળમાં ૯ નવા રાજયમંત્રી સામેલ, ૪ મંત્રીઓને અપાયું પ્રમોશન: ગુડ ગવર્નન્સને મજબૂત બનાવવા કુશળ સનદી અધિકારીઓને સ્થાન

૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુ ઈન્ડિયા ટીમ જાહેર કરી છે. શાસનની કુશળતા તેમજ ધર્મ અને જાતિ ફેકટરના આધારે મંત્રી મંડળમાં ૯ નવા રાજયમંત્રી સામેલ કરાયા છે. જયારે ૪ મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ગઈકાલે કુલ ૧૩ મંત્રીઓએ શપથ લીધા હતા. મોદીએ પૂર્વ આઈએએસ, આઈએફએસ અને આઈપીએસને સામેલ કરી ગુડ ગવર્નન્સને મજબૂત બનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ૨૦૧૯ લોકસભાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય તેવું લાગે છે. મુકતાર અબ્બાસ નકવી કેબીનેટના એકમાત્ર મુસ્લિમ મંત્રી છે. આલ્ફોન્સ કન્નનથનમ્ને મંત્રી બનાવી કેરળની ખ્રિસ્તી મત બેંક અંકે કરવાની ગણતરી મોદીની છે. તો બીજી તરફ હરદિપસિંહ પુરી શીખ સમુદાયના મત ખેંચી લાવશે તેવી અપેક્ષા સેવી રહી છે. આ ઉપરાંત મોદીએ સત્યપાલ, આલ્ફોન્સ, આર.પી.સિંહ અને પુરી જેવા સનદી અધિકારીઓને મંત્રી મંડળમાં સમાવી શાસકીય કુશળતા વધારવાનો પ્રયત્ન કર્યો છે. કામગીરીને ધ્યાનમાં રાખી પીયુષ ગોયલને રેલવે તથા નિર્મલા સીતારમનને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજીવ પ્રતાપડી, મહેન્દ્રનાથ પાંડે, ફગ્ગનસિંહ કુલસ્તે, સંજીવ બલિયાન, કલરાજ મિશ્રા અને બંડા‚ દત્તાત્રેયની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રમાં મોદી સરકારના પ્રતિનિધિ મંડળના મંત્રીઓની સંખ્યા ૭૬ પર પહોંચી છે. ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયલ, નિર્મલા સીતારમન અને મુકતાર અબ્બાસ નકવીને કેબીનેટ મંત્રી તરીકે બઢતી અપાઈ છે.

ગઈકાલે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આપણે સાથે મળીને ન્યુ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરીશું. તેમણે મંત્રીઓને જણાવ્યું હતું કે, તમને લાંબી વિચારણા બાદ કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન અપાયું છે. મને આશા છે કે તમને સોંપાયેલી જવાબદારી સારી રીતે નિભાવશો. ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચર્ચીત નામોને પડતા મુકવામાં આવ્યા છે. યુપી અને બિહારને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનું પ્રતિનિધિત્વ પણ મોદી સરકારે કેબીનેટમાં વધાર્યું છે. એકંદરે તમામને સાથે અને ખુશ રાખવાની ગણતરી મોદી સરકારની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.