Abtak Media Google News

ભાજપે ૧૮૪ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી; ગડકરીને નાગપુર, સ્મૃતિને અમેઠીમાંથી ટિકિટ અપાઇ

લોકસભાની ચુંટણીના પડઘમ વાગી ચૂકયા છે. ત્યારે ભાજપે ગઇકાલે જેના પ્રથમ ૧૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં જેના પર અટકાવો લગાવવામાં આવતી હતી તે વડાપ્રધાાન નરેન્દ્રભાઇ મોદીએ ફરીથી વારાણસી બેઠક પર પસંદગી ઉતારી છે. જયારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે.

જેથી ભાજપના સ્થાપકોમાના એક એવા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ટીકીટ કાપીને હવે સાવ સાઇડલાઇન કરી દેવામાં આવ્યાના રાજકીય અણસારો પ્રાપ્ત થયા છે. અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી લડવાનો નિર્ણય કરીને એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે. અમિતભાઇને ગાંધીનગરમાંથી ટીકીટ અપાતા આજે રાજયભરમાંથી ભાજપ કાર્યકર્તાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની આખરી પસંદગી કરવા ભાજપની કેન્દ્રીય ચૂંટણી કમીટીના ગયઇકાલે નવી દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપવા પાર્ટીના વરિષ્ટ નેતા જે.પી. નડ્ડાએ પત્રકાર પરિષદ યોજીને પાર્ટીના ૧૮૪ બેઠકો પરના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વારાણસી બેઠક પર, પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંઘને લખનૌ બેઠક પર રોડ ટ્રાન્સપોર્ટમંત્રી નીતીન ગડકરીને નાગપુર બેઠક પર, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને અમેઠી બેઠક પર ફરીથી ટીકીટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેનાઘ્યક્ષ વી.કે. સીંગને ગાઝીયાબાદ, મંત્રી મહેશ શર્માને ગૌતમબુઘ્ધ નગર, મંત્રી કીરણ રીજજુને અરુણાચલ વેસ્ટ બેઠક પર, ફરીથી ટીકીટ આપવામાં આવી છે.

જયારે, કેન્દ્રીય મંત્રી ડી.વી. પીદાનંદ ગોવડાને બેગ્લોર ઉત્તરમાંથી, હેમામાલીનીને મથુરામાંથી, બાબુલ સુપ્રિયોને આસનસોલ, કેન્દ્રીય મંત્રી ક્રિષ્ના રાજને શાંહજદાપુરમાંથી, અનુસુચિત જાતિ આયોગના વડા રામ શંકર કથેરીયાને આગ્રામાંથી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસીંગને ઉધમપુરમાંથી, કેન્દ્રીય મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડને જયપુર ગ્રામ્યમાંથી ટીકીટ આપવાની આ યાદીમાં જાહેરાત કરવામાં આવી છે.

ભાજપના ઉમેદવારોની આ પહેલી યાદીમાં ઉત્તર પ્રદેશની ર૮ બેઠક, મહારાષ્ટ્રની ૧૬ બેઠકો, આસામની ૮ બેઠકો, અરુણાચલ પ્રદેશની બે બેઠકો, છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીરની પાંચ બેઠકો, કર્ણાટકની ર૧ બેઠકો, કેરલની ૧૩ બેઠકો, ઓડીસાની ૧૦ બેઠકો રાજસ્થાનની ૧૬ બેઠકો, તમિલનાડુથી પ બેઠકો, તેલંગાણાની ૧૦ બેઠકો, ઉત્તરખંડની પ બેઠકો, પશ્ચિમ બંગાળની ર૮ બેઠકો અને આંધપ્રદેશની ર બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે.

જો કે ભાજપની પહેલી યાદીમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત ગાંધીનગર બેઠક પર પાર્ટીના ૯૧ વર્ષીય નેતા લાલકૃષ્ણ અડવાણીને ટીકીટ ન ફાળવવાનો છે. અડવાણી આ બેઠક પર ૧૯૯૮ થી સતત જીતતા આવ્યા છે. વર્ષ ૨૦૧૪માં પાર્ટીએ નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર નકકી કર્યા હતા.

અડવાણી પર લાંબા સમયથી વેઇટીંગ પીએમ ગણાતા હોય તેઓ પાર્ટીના આ નિર્ણયથી નારાજ થયા હતા. જેથી કેન્દ્રીય પાર્ટી હાઇકમાન્ડ પર વર્ચસ્વ ધરાવતા નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા પણ અડવાણીની ગાંધીનગર ટીકીટ લટકાવી રાખી હતી. જે બાદ આખરે વિવાદ નિવારવા અડવાણીને ગાંધીનગરથી ટીકીટ આપવામાં આવી હતી અને તેઓ વિજયી થયા હતા.

ગાંધીનગર બેઠક પર વિજયી થયા બાદ અડવાણીએ મોદી સામે માથુ ઉંચકવાનો પ્રયાસ કરતા તેને પાર્ટીના માર્ગદર્શક મંડળમાં મૂકી દઇને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હતા. જે બાદથી અડવાણી રાજકીય હાંસિયામાં ધકેલાય ગયા છે. આગામી ચુંટણીમાં પોતાની પરંપરાગત ગાંધીનગર બેઠક પરથી ચુંટણી લડવાની અડવાણીએ તૈયારી દર્શાવી હતી.

પરંતુ, પ્રદેશ ભાજપે સેન્સ દરમ્યાન અડવાણીના નામની નોંધ સુઘ્ધા લીધી હતી. જયારે પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ અડવાણીના નામ પર ચર્ચા કરવામાં આવી નહતી. જેથી, અડવાણીની સક્રિય રાજકારણમાંથી નિવૃતિ નિશ્ર્ચિત બની ગઇ હતી. ગઇકાલે ભાજપે આ બેઠક પર અમિત શાહના નામથી જાહેરાત કરીને અડવાણીના નામ માટેની થોડીક સંભાવનાઓ પર પણ પાણી ફેરવી દીધું હતું.

જો કે છેલ્લા થોડા સમયથી ભાજપનો ગઢ ગણાતા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને ચુંટણી લડાવીને લોકસભામાં મોકલવા માટે તેમના સમર્થકો માંગ કરી રહ્યા હતા. આ બેઠક પર એમપીના રાજયપાલ આનંદીબેન પટેલે પોતાની પુત્રી માટે ટીકીટ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ, અમિત શાહે આ બેઠક પર પોતે લડવાની ઇચ્છા જાહેર કરીને એક કાંકરે પક્ષી માર્યા જેવી સ્થિતિ ઉભી કરી છે.

પક્ષમાંથી અડવાણી યુગનો અસ્ત, પોતાના રાજકીય હરિફ મનાતા આનંદીબેનના રાજયના રાજકારણમાં પગ પેસારો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવવો, ગુજરાતમાં પોતે ચુંટણી લડે તો રાજયની તમામ બેઠકો પરના આગેવાનો કાર્યકરોમાં તેનો પ્રભાવ પડે, પાટીદારોના રાજયના રાજકારણમાં વર્ચસ્વ ઉભા કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકાય વગેરે જેવા રાજકીય મુદ્દાઓને ઘ્યાનમાં રાખીને અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી લડવાનો નિર્ણય કર્યાનું રાજકલય નિરીક્ષણોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.