Abtak Media Google News

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શ‚: ૨૦મીએ ગણતરી…

આજે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે લોકસભા અને દરેક વિધાનસભાઓમાં સભ્યો દ્વારા મત આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને યુપીએના મીરા કુમાર વચ્ચેના જંગમાં કોવિંદનું પલડુ ભારે છે. એનડીએના સભ્યોની સંખ્યા કોવિંદને બહુમતિ નજીક પહોંચાડી રહી છે. આ ઉપરાંત અન્ય પાર્ટીઓ દ્વારા પણ કોવિંદને સમર્થન જાહેર કરવામાં આવ્યું હોવાથી અંદાજીત ૬૨.૮ ટકા મતથી કોવિંદ વિજેતા બનવાની પુરેપુરી શકયતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો રામનાથ કોવિંદને અગાઉથી જ અભિનંદન પણ પાઠવી દીધા છે. ઈલેકટ્રોલ પધ્ધતિથી થનારી આ ચૂંટણીમાં સંસદના બન્ને ગૃહોના સભ્યો તેમજ વિધાનસભાના સભ્યોને મત આપવાનો અધિકાર છે. જેમાંથી કોવિંદને ૬૦ ટકા મત મળશે તેમ કહેવાઈ રહ્યું છે. તો બીજી તરફ મીરા કુમારને ૧૭ પક્ષો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં અગાઉ કહેવાઈ રહ્યું હતું કે, આ બે દલિત વચ્ચેની જંગ છે. પણ આ બાબતે મીરા કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ એક વિચારધારા માટેની લડાઈ છે. તો બીજી તરફ કોવિંદે પણ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ કોઈ પક્ષનો હોતો નથી તેના માટે તમામ પક્ષ અને લોકો એક સમાન હોય છે. દરેકના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને રાષ્ટ્રપતિ નિર્ણયો કરે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ ૪૮૯૬ સભ્યો જેમાં લોકસભાના ૫૪૩, રાજયસભાના ૨૩૩ અને રાજયોની વિધાનસભાના ૪૧૨૦ સદસ્યોનો સમાવેશ થાય છે. આ માટે સભ્યોના મતની કુલ સંખ્યા ૧૦,૯૮,૯૦૩ થાય છે જેમાંથી ધારાસભ્યોના મતની સંખ્યા ૫,૪૯,૪૯૫ છે. આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ આગામી ૨૦મી જુલાઈએ ગણતરી કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ પદનું વિધિવત રીતે ચિત્ર સ્પષ્ટ થશે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષમાં ક્રોસ વોટીંગની પણ સંભાવના છે. જો કે કોવિંદની જીત સ્પષ્ટ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદીએ કોવિંદને ચૂંટણીના એક દિવસ અગાઉ જ અભિનંદન પાઠવી દીધા હતા અને કેન્દ્ર દ્વારા તમામ જાતનો સહયોગ આપવાની પણ વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.