Abtak Media Google News

પે એન્ડ યુઝ ટોયલેટમાં બમણાથી વધુ વધારો ઝીંકાયો: બગીચામાં મોર્ડનાઈઝડ ટોયલેટ બનાવવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલતી સ્ટેન્ડિંગ: રૂા.૧૩.૪૧ કરોડના વિકાસ કામોને બહાલી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ૩૭ પૈકી ૩૬ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૦માં શહિદ ભગતસિંગ ગાર્ડમાં રૂા.૧૮.૫૭ લાખના ખર્ચે મોર્ડનાઈઝડ પબ્લિક ટોયલેટ બનાવવાની દરખાસ્ત કમિશનર તરફ પરત મોકલવામાં આવી હતી. રૂા.૧૩.૪૧ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ગાર્ડનમાં મોર્ડનાઈઝડ ટોયલેટ બનાવવાની દરખાસ્ત નિતી વિષયક હોવાના કારણે કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે. બાકીની તમામ ૩૬ દરખાસ્તોને બહાલી અપાઈ છે. પે એન્ડ યુઝ ટોયલેટના ચાર્જીસ હાલ ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકો, સ્ત્રીઓ અને અપંગ લોકો માટે વિનામુલ્યે હતા. જ્યારે એક વખત શૌચક્રિયા માટેનો વ્યક્તિ દીઠ ચાર્જ રૂા.૨, બારૂમનો ચાર્જ રૂા.૩ અને પાંચ વ્યક્તિ માટે માસીક પાસ રૂા.૭૫ હતો. જેમાં વધારો કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. ૧૨ સુધીની ઉંમર ધરાવતા બાળકો અને સ્ત્રી અને અપંગો માટે પે એન્ડ યુઝ ટોયલેટમાં રાબેતા મુજબ કોઈપણ ચાર્જ વસુલવામાં આવશેે નહીં. જ્યારે શૌચક્રિયા માટેનો ચાર્જ રૂા.૨ થી વધારી ૫ કરવામાં આવ્યો છે. જ્યારે બારૂમના વ્યક્તિદીઠ ચાર્જ રૂા.૩ થી વધારી રૂા.૧૦ કરવામાં આવ્યો છે.

આમ્રપાલી ફાટક પાસે બની રહેલા અન્ડરબ્રિજના કામ માટે ડ્રેનેજ લાઈન માટે રૂા.૫૨.૬૫ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. જ્યારે ભાદર આધારીત પાણી પુરવઠા યોજના ગોંડલ પમ્પીંગ સ્ટેશન પર એસેમ્બલી ખરીદવાનો ખર્ચ પણ મંજૂર કરાયો છે. ઈન્ડોર સ્ટેડિયમમાં આવેલી ૨ સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે આપવા માટે ગ્રીન વોર્ડ સ્પોર્ટસ એકેડમીને કોન્ટ્રાકટ અપાયો છે જે વર્ષે મહાપાલિકાને રૂા.૬.૫૨ લાખ ચૂકવશે. આજે ૩૬ દરખાસ્તોને બહાલી આપી રૂા.૧૩.૪૧ કરોડના વિકાસ કામો મંજૂર કરાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.