Abtak Media Google News

આપણા દેશમાં ફેશનનું ખૂબ મહત્વ છે. ફેશન કપડાની હોય, ઘરેણાની હોય કે મેકઅપની હોય વારંવાર બદલાયા કરે છે. ફેશનએ એક એવુ ચક્ર છે. જે ફર્યા જ કરે છે. ભારતમાં સુવર્ણ અલંકારો, મીનાકારી, રત્નજડિત, જડાઉ વગેરે અલંકારોની ફેશન રાજા મહારાજાના સમયથી ચાલી આવે છે. મુગલકાળમાં રત્નજડિત ઘરેણાઓનો ઉપયોગ સૌથી વધારે થયો છે. ભારતીયોમાં ફક્ત ઉચ્ચ ધરાનાઓમાં જ નહિં પરંતુ મધ્યમ વર્ગમાં પણ સુવર્ણ અલંકારોનું આકર્ષણ જગ જાહેર છે.

ખાસ કરીને લગ્ન અને બીજા શુભ પ્રસંગોએ સોનાના ભારેખમ દાગીનાઓ પહેરવાની ફેશન અનેક વર્ષો સુધી ચાલી હતી. પરંતુ સમય બદલાતા લોકોને સોનાના કે મીનાકારીભારે વજન ધરાવતા ધરેણાને સ્થાને નાજુક હીરાના દાગીના પસંદ આવવા લાગ્યા હતા. આ દાગીના દેખાવે નાજુક પણ ખિસ્સાને ભારે પડે તેવા હોય છે. આ હીરાના દાગીના સોના અને પ્લેટીનમમાં પહેરવાની ફેશન અનેક વર્ષો સુધી ચાલી. પરંતુ હવે ફરીથી મીનાકારી, જડઉ, રત્નજડિત અને સોનાના ભારેખમ દાગીનાની ફેશને જોર પકડ્યુ છે. આનો મોટો યશ ફેશન ડિઝાઇનરો અને જ્વેલરી ડિઝાઇનરોના ફાળે જાય છે.

જ્વેલરી ડિઝાઇનરોની નજર ફરી પાછી પુરાણા જમાનાના અલંકારો પર પડી છે. હરિફાઇમાં ટકવા માટે અને લોકોને જકડી રાખવા માટે રોજ નવુ આપવાની વેતરણમાં જ્વેલરી ડિઝાઇનરો સતત વ્યસ્ત રહેતા હોય છે. આમ સદીઓ પુરાણા ધરેણાની ફેશને ખરા અર્થમાં જુનુએ સોનુ ઉક્તિને સાચી ઠેરવી છે. આ અલંકારો સ્ત્રીઓના જ નહિ પરંતુ પુરુષોના વ્યક્તિત્વને પણ આકર્ષણ બનાવે છે. હિંદી ફિલ્મોના ઐતિહાસિક કહાનીઓના પાત્રોને પહેરાવવામાં આવતા તત્કાલીન ઘરેણા પણ લોકોને ખૂબ આકર્ષે છે.

ઋતુપર્ણો ઘોષની ફિલ્મ ‘અંતરમહલમાં’ જેકી શ્રોફે જમીનદારનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મમાં જેકી શ્રોફે પહેરેલા ગુજરાતી અને રાજસ્થાની એન્ટિક ઘરેણાઓએ લોકોને ખૂબ આકર્ષયા હતા. તેની પાઘડીમાં લગાવેલો કુંદનકારી પીસ, બ્રોચ, ભારેખમ ચેઇન અને કાંડા પર શોભતુ શાહી કડુ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેવી જ રીતે આ ફિલ્મમાં સ્ત્રી પાત્રોના ઘરેણાઓને જોઇને પણ સ્ત્રી દર્શકો મંત્રમુગ્ધ થઇ ગઇ હતી. ફિલ્મ ચોખેર બાલીમાં પણ  ઐશ્ર્વર્યાએ સોનાના પરંપરાગત દાગીનાઓનુ પ્રદર્શન કર્યુ હતુ. સાહબ બીવી ગુલામમાં પણ રવિના ટંડને પહેરેલી એન્ટિક જ્વેલરી મુખ્ય આકર્ષણ બની હતી. ફિલ્મ પરિણિતા માં પણ વિદ્યા બાલને પરંપરાગત બંગાળી અને રાજસ્થાની દાગીનાઓ પહેર્યા હતા. અભિનેત્રીઓએ પહેરેલા અલંકારોની અસર શહેરી લોકો પર ઝડપથી થાય છે. વિધુવિનોદ ચોપ્રાની આવનારી ફિલ્મ ‘યજ્ઞમાં’ પણ આવા અલંકારો જોવા મળશે.

આ એન્ટિક દાગીનાના એક નંગને ઘડતા બે મહિના જેટલો સમય લાગે છે. અઢારમી ઓગણીસમી સદીમાં ગુજરાત અને કચ્છની આયર-રબારી જાતિની સ્ત્રીઓ જે ખાસ પ્રકારના ચાંદીના બલોયા, કડા, કાંસળી, કાનના ઠોળિયા પહેરતી એવા ઘરેણા આજે પણ પંચચીકમના નામે વેચાઇ રહ્યા છે. જ્વેલરી ડિઝાઇનરો આ ઘરેણા આજે પણ વંશપરંપરાથી જે કારીગરો આ દાગીના ઘડતા હોય તેમની પાસે જ ઘડાવે છે.

સદીઓ પુરાણી જયપુર અને બંગાળની જ્વેલરીની ડિઝાઇનો ફરીથી આજના ટ્રેન્ડમાં આવી રહી છે. તેવી જ રીતે જુની હિન્દી ફિલ્મોમાં પહેરેલા રત્ન જડિત નથ, ઝુમખા, લાંબો કુંદનના બાજુબંધ ફરી પાછા લોકપ્રિય થઇ રહ્યા છે. એટલુ જ નહિ અઢારમી સદીની વિક્ટોરીયન જ્વેલરી માટે પણ શહેરી યુવતી ઘેલી થઇ રહી છે. આ વિક્ટોરિયન જ્વેલરીમાં ફક્ત સોનામાં કિંમતી રત્નો જડવામાં નથી આવતા પરંતુ ચાંદી અને અર્ધ કિંમતી રત્નો પણ જડેલા હોવાથી તે કિંમતમાં સસ્તા પડે છે. આથી તે ખૂબ લોકપ્રિય બની છે. સાથે સાથે તેનો લુક પણ ગ્લેમરસ હોવાથી તે સ્ત્રીઓને ખૂબ આકર્ષે છે.

અત્યારે ફક્ત લગ્ન પ્રસંગમાં જ પહેરાતા પરંપરાગત ઘરેણા ઓલ-ટાઇમ ફેવરિટ ગણાવા લાગ્યા છે. તેવી જ રીતે મુગલકાળના દાગીનાની ડિઝાઇન પણ લોકોને આકર્ષે છે. તેનુ કારણ છે. તેના અનકટ રત્નો જ્યાં સુધી રત્નમાં રહેલી ખામીને દૂર કરવાની જ‚ર ન લાગે ત્યાં સુધી તેઓ રત્નોને અનકટ રાખીને ઘરેણામાં જડે છે. આ દાગીનાની અદ્ભૂત ડિઝાઇનોમાં એક-એક ઇંચમાં હીરા-માણેક જડેલા હોવાથી તેની ભૌમિતીક ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બને છે. આજની તારીખમાં આવા અનકટ હીરા-માણેક અને રત્નોથી જડિત પક્ષી, ફુલો, પાંદડા, ઝાડ, હાથીના માથા જેવી કુદરતમાંથી પ્રેરણા લઇ બનાવેલી ડિઝાઇનો માટે પાર્ટી-એનિમલ ગણાતી ફેશન પર માનુનીઓ અને ઉચ્ચ ઘરાનાની સ્ત્રીઓ ઘેલી થઇ રહી છે.

આજના સમયમાં રત્નજડિત જ્વેલરીનીજેમ મીના જ્વેલરી પણ અત્યંત લોકપ્રિય બની રહી છે. મીનાકારી વર્ક અત્યંત ઝીણુ અને સમય માગી લે તેવુ હોય છે. સોનાના ઘરેણા તૈયાર કર્યા પછી તેના પર મીનાકારી કામ કરવા માટે આ ઘરેણા પારંપારિક કારીગરોને સોંપવામાં આવે છે. મીનાકારી ઘરેણામાં કુંદન વર્કનું સંયોજન લાજવાબ ગણાય છે. પરંપરાગત ઘરેણામાં સૌથી વધુ ફાયદા વાત એ છે કે આ દાગીનાની ફેશન કાયમી રહે છે.

આમ આધુનિક ડિઝાઇનની જ્વેલરીની જેમ પરંપરાગત ઘરેણા કોઇ ચોક્કસ સમયે આઉટ ડેટેડ નથી થઇ જતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.