Abtak Media Google News

માછીમારોને દરીયો ન ખેડવા સુચના

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર રાજયમાં હળવાથી મધ્યમ વરસાદ આપી શકે

લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં પરવર્તીત થશે તો ભારે પવન ફુંકાવાની પણ સંભાવના

નૈઋત્યના ચોમાસાએ સતાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના મધ્ય ભાગમાં લો-પ્રેશર સર્જાયું છે જેની અસરતળે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આ લો-પ્રેશર ડિપડિપ્રેશન પરવર્તીત થશે તો રાજયના અમુક સ્થળોએ મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થશે અને ભારે પવન ફુંકાવવાની સંભાવના પણ નકારી શકાતી નથી. માછીમારોને આગામી ૮મી ઓકટોબર સુધી દરીયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

રાજયમાં નૈઋત્યના ચોમાસાની સીઝન દરમિયાન વરસાદની ૨૩ ટકાથી પણ વધુ ઘટ છે. રાજયના અનેક તાલુકાઓને સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને અનેક તાલુકાઓને હજી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે સર્વે કરવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યારે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના મધ્ય ભાગમાં વરસાદ આપતી એક સિસ્ટમ એટલે કે લો-પ્રેશર સર્જાયું છે જેની અસરતળે આજથી પાંચ દિવસ સુધી રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ઉનાળાના દિવસોમાં જેવા તડકા પડે તેવા આકરા તાપ હાલ ભાદરવા મહિનામાં પડી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી વરસાદની આગાહી આપતા લોકોમાં નવી આશાનું સંચાર થયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું આ લો-પ્રેશર ડિપડિપ્રેશનમાં પણ પરીવર્તીત થાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી જેની અસરતળે રાજયમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે અને ઝડપી પવન ફુંકાવવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

મીની વાવાઝોડાની સંભાવનાના કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરીયો ન ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ દરમિયાન અમુક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. બુધવારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

દરમિયાન ગઈકાલે અમરેલીમાં ૧૮ મીમી, ધારીમાં ૮ મીમી, પાટણ જિલ્લાના સામીમાં ૭ મીમી, બાબરામાં ૬ મીમી, દસાડામાં ૪ મીમી, વિંછીયામાં ૩ મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો. આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત લોકલ ફોર્મેશનના કારણે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.