સિવિલ હોસ્પિટલમાં ફરી મોબાઈલ ચોર ગેંગ કાર્યરત!

ધ્રાફાના યુવાનનાં ખિસ્સામાંથી ઓપીડી વિભાગમાં રૂ.૧૩ હજારનો મોબાઈલ ચોરાયો

શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરી મોબાઈલ ચોર ગેંગ સક્રિય થઈ હોય તેમ આજે ધ્રાફાનાં એક યુવાનનો રૂ.૧૩ હજારની કિંમતનો મોબાઈલ સેરવી આંગળીનો ઈલમી નાસી ગયાની વિગતો મળી છે. મોબાઈલ ગુમાવનારે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

બનાવની મળતી વિગતો મુજબ જામનગરના ધ્રાફા ગામે રહેતો અને ડમ્પરનું ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતો પરમાર અજીત દેસાભાઈ નામનો યુવાન પોતાની સામાન્ય બિમારી સબબ દવા લેવા માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો.

દરમિયાન અજીત ઓપીડી વિભાગમાં દવા લેવા ઉભો હતો ત્યારે કોઈ અજાણ્યો આંગળીનો ઈલમી કળા કરી, અજીતનાં શર્ટના ઉપલા ખિસ્સામાંથી રૂ.૧૩ હજારની કિંમતનો મોબાઈલ સેરવી નાસી છૂટયો હતો. બનાવ બાબતે હોસ્પિટલ પ્રાંગણમાં સિકયુરીટી કોન્ટ્રાકટર ગીરીરાજસિંહને જાણ કરાતા તેમની સુચનાથી પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે. અત્રે એ નોંધનીય છે કે સિવિલ હોસિપટલમાં ફરી એક વખત મોબાઈલ ચોર ગેંગ સક્રિય થઈ હોય, સિકયુરીટી તંત્ર વધુ કડક બની શકમંદો પર નજર રાખે તે જરૂરી હોવાનું મોબાઈલ ગુમાવનારા કહે છે.