Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત સામાજિક પરિસ્થિતિ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં વિવિધ કારણોસર દરેક શહેરને ગોડફાધરની જરૂરીયાત દરેક યુગમાં રહેલી હોય છે. સામાજિક સમસ્યા, પડકારો અને મુશ્કેલીઓના નિવારણમાં ક્યાંક-ક્યાંક અને ક્યારેક-ક્યારેક જ્યાં કાયદાની મર્યાદાઓનો અવરોધ નડતો હોય ત્યાં શહેરમાં ખુબજ લાંબી પ્રક્રિયા બાદ સમાજ દ્વારા જ ઉભા કરવામાં આવેલા ગોડફાધરની મદદથી મુશ્કેલીઓનું નિવારણ કરવાની પ્રથા લાંબા સમયથી પરોક્ષ રીતે વ્યવહારૂ બની ગઈ છે. મીશન ઈમ્પોસિબલમાં ગોડફાધરની ભૂમિકા કેન્દ્ર સ્થાને આવી જાય છે. કાયદાની મર્યાદામાં અને કાયદેસરની પ્રક્રિયામાં જે પ્રશ્ર્નોનો ઉકેલ અશકય હોય તેવા સંજોગોમાં સકંજામાં આવેલા લોકો પોતાના શહેરના ‘ગોડફાધર’નો આશરો લઈને પોતાના પ્રશ્ર્નો ઉકેલી લેતા હોય છે. હિન્દી ફિલ્મ જગતમાં અનેક ફિલ્મોમાં સમાજની આ નરી વાસ્તવિકતા અને સમાજનું બીજુ પાસુ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ દયાવાનમાં સમાજમાં ગોડફાધરની ભૂમિકાનું આબેહુબ કથાનક વર્ણન કરવામાં આવ્યું છે. મુશ્કેલીમાં આવેલા લોકો જ્યાં કાયદાના આશરે ન્યાય મેળવવા અસમર્થ હોય તેવા સંજોગોમાં સમાજ દ્વારા જ ધીરે ધીરે ઉભા કરવામાં આવેલા ગોડફાધરના સહારે જઈને પોતાના માટે ન્યાય મેળવી લે છે. રોબીન હુડનું વૈશ્ર્વિક સોશિયલ સ્ટેજ ઉપરનું પાત્ર પણ ગરીબો, વંચિતોને ન્યાય અને તેમના હક્ક અપાવવા માટે સમાજના અમીર અને માલેતુજાર વર્ગ પાસેથી બળજબરીથી સમૃધ્ધિ અને સવલતોની લૂંટ ચલાવતો દર્શાવાયો છે. સામાજિક રીતે અસામાજિક ગણાતા રોબીન હુડ જેવા પાત્ર મીશન ઈમ્પોસિબલના પરિણામ માટે નાયક તરીકે વાપરવામાં આવે છે. ગુજરાતમાં જ ગેંગસ્ટર લતીફ જેવા પાત્રો શા માટે ચલણી સીકાની જેમ ચાલી ગયા. લોકોને ઝડપી ન્યાય મેળવવા માટે પોલીસ તંત્ર અને કાયદાની આંટીઘુટીઓ જ્યાં અવરોધરૂપ લાગે, ન્યાય મેળવવામાં વિલંબ થતો હોય અને પોતાને અન્યાય થતો હોવાની લાગણી ઉભી થાય ત્યાં ગોડફાધરનું શરણ લેવાતું હોય છે.

અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘એવરી બીગ ફોર્ચ્યુન હેવ સ્મોલ ક્રાઈમ’  એટલે કે, દરેક ખુશકિસ્મતીની સ્થિતિની પ્રાપ્તીમાં ક્યાંકને ક્યાંક નાની એવી ગુનાહિત પ્રવૃતિ કે અપરાધીક વૃતિ રહેલી હોય છે. તંત્ર માટે જે વસ્તુનો ઉકેલ શકય હોય તેવી વસ્તુના ઉકેલ માટે શહેરમાં ગોડફાધરની જરૂરીયાતો સમાજની એક વાસ્તવિક સ્થિતિ બની ગઈ છે. પ્રશ્ર્નનો નિકાલ માટે દરેક શહેર માટે એક ગોડફાધરની આવશ્યકતા હોય છે.

સમાજની આ જરૂરીયાત મુજબ દરેક વિસ્તાર, શહેર અને પ્રદેશ પોત-પોતાની રીતે પોતાની જ વચ્ચેથી પાણીયારા પાત્રને ગોડફાધરનું વિરાટ રૂપ આપીને પોતાની જરૂરીયાતો પુરી કરી લેતા હોય છે. ઘણા એવા કામ, વહીવટ અને સમસ્યાઓ જે ઉકેલવી કાયદાના પરિઘમાં રહીને અશકય હોય છે તેવી મીશન ઈમ્પોસિબલ જેવી સ્થિતિના નિવારણ માટે ગોડફાધર અસરકારક શસ્ત્ર તરીકે કામ આવે છે.

લોકતાંત્રીક વ્યવસ્થામાં કાયદાની મર્યાદાથી પર રહીને સમસ્યાઓના નિવારણ માટે ગોડફાધરના શરણે જવું તે ભલે આદર્શવાદના વિરુધ્ધમાં હોય પરંતુ સમાજના દરેક વર્ગમાં ક્યાંકને ક્યાંક કોઈને કોઈક માત્રામાં આ વ્યવસ્થા આવકાર્ય બની ગઈ છે. ગોડફાધરના પ્રભાવને ભલે વિધિવત રીતે સ્વીકાર્ય ગણી ન શકાય પરંતુ સામાજિક શાંતિ માટે ક્યાંકને ક્યાંક ગોડફાધરની દરેકને અનિવાર્યતા હોય છે. મીશન ઈમ્પોસિબલ માટે દરેકને ગોડફાધરની જરૂર હોય છે. આ ગોડફાધરનું સર્જન સમાજની જરૂરીયાતો પૂરી કરવા માટે થતું હોય છે. કોઈપણ પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતું પાત્ર પોતાની કોઠાસુઝથી સમાજમાં પ્રભાવ ઉભો કરીને ગોડફાધરની ભૂમિકામાં આવી જાય છે. સમાજના આ પાત્રને ભદ્ર અને સજ્જન વર્ગ સ્વીકાર્ય ગણતું નથી પરંતુ સામાજિક શાંતિ જાળવવા અને કાયદાની મર્યાદામાં જે સમસ્યાનો ઉકેલ ન આવતા હોય તેવા મિશન ઈમ્પોસિબલ માટે ક્યાંકને ક્યાંક નહીં પરંતુ દરેક નાના મોટા શહેરોમાં અને માનવ વસાહતોમાં ગોડફાધરનું અસ્તિત્વ એક વાસ્તવિકતા બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.