Abtak Media Google News

ખેડૂતો માટે દિલ્હી સુધી દોડી, પાક વિમા સહિતના પ્રશ્નોને ઉકેલ્યા

સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબી જિલ્લાની ખાનગી રાષ્ટ્રીયકૃત બેંકો અને વિમા કંપનીઓની ભુલના કારણે પ્રિમિયમ ભરવા છતાં કુલ ૧૩૧૧ જેટલા ખેડુતોની વર્ષ ૨૦૧૬ની પાક વિમાની રકમ ફસાઈ હતી. આ અંગે સૌરાષ્ટ્રના ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પગલે ચાલીને તેમના પુત્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ દિલ્હી સુધી સતત રજુઆતો કરતા કુલ ૧૩૧૧ ખેડુતોની રૂ.૧૧.૪૦ કરોડની પાક વિમાની રકમ ચુકવવાની કાર્યવાહી કરવા ભારત સરકારના કૃષિ વિભાગે આદેશ કરેલ છે. પરિણામે માત્ર રાજકારણ ખેલવા માટે ખેડુતોને નામે છાશવારે લીંબડજશ ખાટવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના નેતાઓની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ છે.

ગોંડલ તાલુકાના ૭૯૮, જેતપુર તાલુકાના ૧૪૪, ધોરાજી તાલુકાના ૨૨૧ અને મોરબી તાલુકાના ૧૪૮ સહિત કુલ ૧૩૧૧ ખેડુતોએ સેન્ટ્રલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ યુકો બેંકમાં પાક વિમાના પ્રિમીયમ ભરેલ હોવા છતાં બેંકો અને વિમા કંપનીઓની ભુલના કારણે ૧૩૧૧ ખેડુતોને ૨૦૧૬ના વર્ષમાં પાક વિમો મળેલ નહીં. આ અંગે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને રાજયના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા સમક્ષ ખેડુતોએ રજુઆતો કરી હતી અને બેંકો સામે આંદોલન પણ કર્યા હતા.

મંત્રી રાદડીયાએ કોઈપણ જાતનું રાજકારણ વચ્ચે લાવ્યા વગર વિવિધ બેંકોના મેનેજમેન્ટ, વિમા કંપની તેમજ કેન્દ્ર સરકારમાં સતત છેક દિલ્હી સુધી રૂબરૂ રજુઆતો કરી ખેડુતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરવા ભલામણો કરી હતી. જેના પગલે વિમા કંપનીઓને ૧૩૧૧ ખેડુતોને રૂ.૧૧.૪૦ કરોડના પાક વિમાની રકમનું ચુકવણું કરવા અંગેના આદેશો ભારત સરકારના કૃષિ વિભાગે કરેલા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ખેડુતો માટે કાયમ લડતો કરતા ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની કાર્ય પઘ્ધતિથી જ ૧૩૧૧ ખેડુતોના ફસાયેલ પાક વિમા માટે સફળ રજુઆતો કરી જયેશ રાદડીયાએ વારસો જાળવી રાખેલ છે અને મોરના ઈંડા ચિતરવા પડે નહીં તે કહેવત સાર્થક કરી છે. જયારે ખેડુતોના નામે માત્ર આંદોલનના નાટક કરી રાજકીય રોટલા શેકતા કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.