‘મિનિ કુંભ’ જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળામાં જામ્યો અસલી રંગ

૩ લાખથી વધુ લોકોએ બે દિવસમાં બાંધ્યું પૂણ્યનું ભાથું : હૈયે હૈયું દળાયું હોય તેવો માહોલ

જૂનાગઢના ભવનાથ તળેટીમાં ચાલી રહેલા શિવરાત્રિનો મેળો તેની અસલ રંગતમાં આવી ગયો છે. સોમવારથી શરૂ થયેલો ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો  શરૂઆતથી જ ભાવિકોના અવિરત પ્રવાહથી  તેના અસલ રંગમાં આવી ગયો છે.

મંગળવારે રાત સુધીમાં મેળામાં બે લાખ લોકો મેળો માણવા આવ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, સાંજ બાદ હજારોની સંખ્યામાં ગુજરાતભરના ભાવિકો સાથે જૂનાગઢના સ્થાનિક લોકો મેળો માણવા પહોંચ્યા હોવાથી ગઈ સાંજથી જ મેળામાં જવાના માર્ગે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે મેળો પોતાના અસલ રંગમાં આવશે ત્યારે મેળામાં હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ ઉત્પન્ન થશે.

ભવનાથમાં આ વખતે શિવરાત્રીનો મેળો મૂળભૂત રીતે તેની પરંપરાગત શૈલીમાં આગળ વધી રહ્યો છે, આ વખતે મીની કુંભ ના દરજજા વગર સાદાઈથી ઉજવવામાં આવતો શિવરાત્રીનો મેળો સાધુ-સંતો અને ભાવિકોના સંકલનથી તેની મૂળભૂત અદામાં યોજાઇ રહ્યો છે.

શિવરાત્રી મેળાની પરંપરા મુજબ આ વર્ષે પણ સમગ્ર દેશના સાધુ-સંતો મહંતો અને વર્ષમાં માત્ર એકવાર જ જાહેરમાં દર્શને આવતા અવધૂત નાગા સાધુઓનો મોટો રસાલો ભવનાથના પટાંગણમાં ઉતરી ગયો છે, અને ધુનીઓ ધખાવી દીધી છે.

દર વખતની જેમ આ વખતે કેટલાક વિદેશી મહેમાનો પણ મેળાની મોજ લઈ રહ્યા છે મેળો સંપૂર્ણપણે મેળે મેળે યોજાતો હોય તેવી રીતે સાધુઓની રાવટીઓ અને ગૌ છાણ થી બનાવેલા નાગાબાવાના અખાડાઓમાં સતત ધૂણા સળગી રહ્યા છે, ધુમાડાના ગોટેગોટા અને જટાધારી સાધુઓની અવધૂત ચૌદશના દર્શન કરવા હજારોની મેદની ઉમટી પડી છે.

કેટલાક સાધુઓ અસલ અલખની આરાધના માં પરોવાયેલા હોય તેમ શરીર માત્ર ભભૂત અને બે-ત્રણ દાયકા સુધી વાળને જરા પણ કપાવ્યા ન હોય તેવી રીતે ત્રણથી પાંચ ફૂટ લાંબી જટાઓ સાથે પાંચ દિવસની અલખ આરાધના માં વ્યસ્ત બની ગયા છે.

આ વખતે મેળામાં બાર વર્ષથી લઈને સંભવિત રીતે ૯૦ વર્ષ સુધીના નાગા સાધુઓ અખાડામાં જોવા મળી રહ્યા છે,

ભવનાથનો શિવરાત્રીનો મેળો ભજન-ભોજન અને ભક્તિ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ૨૫૦ જેટલા જ્ઞાતિ, ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, સંતવાણી સાથે ૧૦ લાખ જેટલા મેળો માણવા આવતા શ્રદ્ધાળુઓને ભાવભેર પ્રસાદ પીરસે છે.

ભવનાથ શ્રેત્રનાં સંત શેરનાથબાપુ, ભારતીબાપુ, સતાધાર અને આપા ગીગાનો ઓટલો,  ચીપીયાવાળા બાપુની જગ્યા, મંગલનાથ બાપુની જગ્યા અને આશ્રમ તથા મેર સમાજ, કડિયા સમાજ, કોળી સમાજ સહિત તમામ સમાજ, જ્ઞાતિ મંડળોની સાથે ખોડીયાર રાસ મંડળ સહિતનાં લગભગ ૨૫૦ થી વધુ અન્નક્ષેત્રો ભાવિકો માટે ૨૪ ધમધમતાં રહે છે, જ્યાં સાચા ઘીના મિષ્ટાન, ફરસાણ, ગુજરાતી, કાઠિયાવાડી ભોજન ભાવથી અને મેળામાં આવતા મહેમાનોને પરાણે આવકારી જમાડાય રહ્યા છેે.

ત્રણ અખાડા સાથે કિન્નર અખાડાનો પણ સ્થાન

જૂનાગઢમાં ગઇકાલે મંગળવારે ત્રણ અખાડાના સહિત સાધુ, સંતો, મહંતોની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં આ વખતની રવેડી પરંપરાગત રીતે યોજાય તેવુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું તથા ત્રણ અખાડાની સાથે કિન્નરોના અખાડાનાને પણ સ્થાન આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

ગઇકાલે મુચકંદ ગુફા ખાતે સવારના મહામંડલેશ્વર ભારતી બાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદ બાપુ, અખાડા પરિષદના જનરલ સેક્રટરી હરીગિરી બાપુ, ગિરનાર શ્રેત્રના અધ્યક્ષા શ્રી જયશ્રીકાનનજી, મોટો પિરબાવા તનસુખ ગિરી બાપુ, ઇન્દ્ર ભારતિબાપુ, ત્રણ અખાડા સહિતના ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો એક અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં શિવરાત્રીની રાત્રે યોજાતી રવેડી પરંપરાગત રીતે યોજવામાં આવે અને તેમાં કિન્નરોનાં અખાડા ને સ્થાન આપવામાં આવે તેવુ નક્કી કરવામાં આવ્યું હતું, તથા ભવનાથ શ્રેત્રમાં કિન્નરોના અખાડા માટે જગ્યા ફાળવાય તે માટે સહકાર આપવા નક્કી કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે ૨૦૧૯ માં પ્રયાગમાં કુંભ મેળામાં કિન્નરોને શાહી સ્નાનમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારથી કિન્નર અખાડાને જૂના અખાડા સાથે રાખવામાં આવ્યો છે, તેમ અખાડા પરિષદના જનરલ સેક્રેટરી હરીગિરી મહારાજે જણાવ્યું હતું.

ભવનાથ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણતા લોકો

ભવનાથમાં ભગવાન શિવની આરાધના સમા  શિવરાત્રી મેળાનો સોમવારે પ્રારંભ થઈ ગયા બાદ સાંજે મેળાના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમને સંતો, પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનોએ મન ભરીને માણ્યો હતો.આ મેળામાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ત્રિદીવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે સરસ્વતી કલાવૃંદના કલાકારો દ્વારા હુડો રાસ, તાલી રાસ રજૂ કરવામાં આવ્યા હતા. તથા ભાતીગળ લોક ડાયરો, સંતવાણી, હાસ્યરસને પણ બેખુબી પીરસાતા લોકોએ આ કાર્યક્રમ મનભરીને માણ્યો હતો.આ પ્રસંગે કલેકટર ડો. સૈારભ પારઘી, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિંમાશુ પંડયા, ભવનાથ પીઠાધીશ્વર જયશ્રીકાનંદજી, અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Loading...