Abtak Media Google News

દરેક સમસ્યાને ઉકેલવાનો રસ્તો હોય જ છે બસ આપણી આંતરિક ઈચ્છા સમાધાનની હોવી જોઈએ

પાશ્વનાથ-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્રમ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોઘ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્ર્વરજી મ.સા.ની કલમે પ્રેરક લેખ. પૂ.જૈનાચાર્ય શ્રી રાજયશસૂરીશ્ર્વરજી મ.સા. ચાતુર્માસાર્થે મહાતીર્થ પાલીતાણામાં બિરાજમાન છે.

કાલે સવંત્સરી મહાપર્વ નિમિતે તેઓના લેખમાં જણાવાયું કે વિશ્વમાં ધર્મની બાબતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ જુદા છે પણ દરેક ધર્મવાળા કહે છે કે ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે તો મડદાને કયાં તો જલ્દી બાળી દો, કયાં તો દાટી દો, મડદાને ચોવીસ કલાકથી વધુ ન રખાય, ગંધાઈ ઉઠે. બધા જ કહે છે કે, મડદાને જલ્દી બહાર કાઢો. આ સંસારની રીતરસમ જ એવી છે કે તમારા જીવતાં પણ કોઈ તમારી રાહ જોશે કે નહીં એ પ્રશ્ન છે અને મર્યા પછી તો તમારી રાહ જોશે જ નહીં એ પણ નકકી જ છે.

ઝઘડો એ એક પ્રકારનું મડદું જ છે. ઝઘડાને જેટલો વધારે રાખો તેટલો વધારે ગંધાય, ઝઘડો થયો એટલે સમજવું કે કયાંકથી મડદું આવ્યું. મડદાનો નિકાલ કયારે કરવાનો ? ઝઘડાની બાબતમાં એવું છે કે માણસ નાની વસ્તુને જેટલી મોટી બનાવવા માંગે એટલી મોટી બની શકે.

ઝઘડાનો મુદ્દો નાનો હોય કે મોટો એ બહુ મોટી વાત નથી પણ ઝઘડો કરનાર તેને કેવું સ્વરૂપ આપે છે એ બહુ મોટી વાત છે. ‘આંધળાના પુત્ર આંધળા જ હોય’ આ દ્રોપદીના વચને દુર્યોધનનાં મનમાં વેરની ચિનગારી પ્રગટાવી. પરંપરાએ પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ ઝઘડાનું મડદું ગંધાઈ ઉઠયું અને એ દુર્ગંધ આપણા સુધી પહોંચી છે.

કયાંય પણ ઝઘડો થાય એવું સાંભળીએ એટલે લોકો કહે ‘મહાભારત કયાં થયું ? કોની વચ્ચે થયું ?’

દરેક સમસ્યાને ઉકેલવાનો રસ્તો હોય જ છે પણ આપણી આંતરીક ઈચ્છા સમાધાનની હોવી જોઈએ. સવંત્સરી મહાપર્વના દિન આપણે એકબીજાને ‘મિચ્છામિ દુકકડમ’ આપીએ છીએ. આ મિચ્છામિ દુકકડમ એટલે કોઈની પણ સાથે કરેલ રાગ-દ્વેષ અને ઝઘડા રૂપ મડદાનો નિકાલ. આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જશે ત્યારે સંસારના લોકો આપણા મડદાનો નિકાલ કરી એને બાળી દેશે.

પરંતુ જો અંતરમાં ઝઘડાના કારણે કોઈના પ્રતિ વેર કે રાગ-દ્વેષ રહી જશે તો શું આપણે આવા મડદાને સાથે લઈ પરલોકમાં જઈશું ?

કોઈનીય સાથેના ઝઘડાને કયારેય વિસ્તારતા નહીં, લેટ ગો કરી હળવા થઈ જજો, કોઈની પણ ભુલ હોય તો સહી લો અને સહન ન થાય તો હસી લો. પણ ઝઘડાના મૂળને કયારેય સિંચશો નહીં. સવંત્સરી મહાપર્વના દિને આપણે હૃદયમાં કોતરી લઈએ કે ઝઘડા‚પી મડદાને સંઘરી ન જ રખાય, ક્ષમા દ્વારા એનો શીઘ્ર નિકાલ કરવો જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.