Abtak Media Google News

કચ્છના નખત્રાણા, અમરેલી, ભાવનગર, જામજોધપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ લોકલ ફિનોમીયાના કારણે વરસાદ પડયાનું તારણ

હવામાન વિભાગ દ્વારા શુક્રવારે સૌરાષ્ટ્રમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના છેદ ફેની વાવાઝોડાએ ઉડાવી દીધા હોય તેવુ વાતાવરણ રાજયભરમાં જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો તો કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. કચ્છના નખત્રાણામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

રાજયમાં છેલ્લા એક મહિનામાં બીજી વખત શુક્રવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વૈશાખ માસમાં કમોસમી વરસાદ પડયો હતો. ફેની વાવાઝોડાની અસરના કારણે આ વરસાદ પડયો હોવાની વાત હવામાન વિભાગ સ્વીકારતું નથી. જે તે વિસ્તારમાં તાપમાનનો પારો વધુ ઉંચો રહે છે અને ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકલ ફીનોમીયાના કારણે કમોસમી વરસાદ વરસે છે. કચ્છના નખત્રાણા, દેવપરયક્ષ, મોટી વિરાણી સહિતના વિસ્તારમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો હતો અને જોરદાર પવન સાથે કરા પડયા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં બુટાવદર પંથકમાં પણ કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બપોરે ૪ વાગ્યે વરસાદ વરસવાનું શરૂ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ ઉપરાંત કંડલા પોર્ટ અને પોરબંદર જિલ્લામાં બપોરે જોરદાર પવન ફૂંકાયો હતો. ફેની વાવાઝોડાની અસરના કારણે ગઈકાલે રાજયભરમાં ગરમીનું જોર ઘટયું હતું.

હવામાન વિભાગે શુક્રવારે યલ્લો એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી હતી. જો કે, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજમાં ૪૧ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. બાકી તમામ સ્થળોએ તાપમાનનો પારો નીચે રહેવા પામ્યો હતો. દરિયાકાંઠા વિસ્તારમાં કાલે ફેનીની અસર જોવા મળી હતી અને વાદળ છાંયુ વાતાવરણ વચ્ચે સામાન્ય છાંટા પણ પડયા હતા.

જૂનાગઢ, ગીર-સોમનાથમાં પણ ગઈકાલે વાદળ છાંયુ વાતાવરણ રહેવા પામ્યું હતું. કચ્છના નખત્રાણામાં ગઈકાલે સાંજે કરા સાથે વરસાદ પડયો હતો.આજે એકપણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી એટલે કે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચો રહેશે. સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરોમાં વાદળ છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.