Abtak Media Google News

ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદ્ભુત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વકલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ. શિવ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે. ગૃહસ્થ હોવા છતાં પરમ વિરકત છે, હળાહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે, રિદ્ધિ – સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે,

ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર એ બંને તેમનાં આભૂષણ છે, મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે. તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવીને એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે. તેનાથી વિશ્વને સહઅસ્તિત્વ આપવાવાળું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થાય છે.

તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાના કારણે એ સૌને માટે પૂજનીય છે. જે રીતે નિરાકાર બ્રહ્મ રૃપ, રંગ, આકાર વગેરેથી રહિત હોય છે એવી જ રીતે શિવલિંગ પણ છે. જે રીતે ગણિતમાં શૂન્ય કંઈ પણ ન હોવા છતાં પણ સર્વ કંઈ હોય છે. કોઈપણ અંકની જમણી બાજુએ શૂન્ય મૂકતાં એ અંકનું મૂલ્ય દસ ઘણું થઈ જાય છે, તે રીતે જ શિવલિંગની પૂજાથી શિવ પણ અનુકૂળ બની મનુષ્યને અનંત સુખ અને સમૃદ્ધિ આપે છે, તેથી માનવમાત્રએ ઉપર દર્શાવેલ શિક્ષણને સ્વીકારી આ મહાન મહાશિવરાત્રિ – મહોત્સવની ઉજવણી બરાબર રીતે કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.