ભાજપ દ્વારા ૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી સદસ્યતા અભિયાન

56
membership-campaign-by-bjp-from-july-6-to-august-11
membership-campaign-by-bjp-from-july-6-to-august-11

સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત નવા પ્રાથમિક સદસ્ય બનવા માટે ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર મીસ્ડકોલ કરવાનો રહેશે

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ પ્રદેશ બેઠક યોજાઇ હતી.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપાની ગૌરવપૂર્ણ જીત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં જનતાનો ભાજપા પરનો અભૂતપૂર્વ વિશ્વાસ દર્શાવે છે. ગુજરાતમાં ભાજપાના ૨૩ વર્ષના શાસન પછી સતત બીજીવાર ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવવાનો યશ અને જશ ટીમ ભાજપા ગુજરાત અને ગુજરાતની જનતાને શિરે જાય છે.

રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની ચૂંટણીના પરિણામોનું આંકલન દેશ અને વિદેશમાં થઇ રહ્યુ છે. કોંગ્રેસના લાંબા શાસનમાં પરિવારવાદ, જાતિવાદ, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારના કારણે દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ હતી. જ્યારે બીજી તરફ ભાજપા રાષ્ટ્રવાદ, સુશાસન અને અંત્યોદયના સિધ્ધાંતને સાથે લઇને ચાલનારી પાર્ટી છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળ દરમ્યાન દેશમાં વિવિધ ક્ષેત્રે થયેલ સકારાત્મક ફેરફારોથી દેશની જનતાનો નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેનો વિશ્વાસ સુદ્રઢ બન્યો છે.

ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ અને સદસ્યતા વૃધ્ધિ અભિયાનના સંયોજક ભાર્ગવભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે, આગામી ૦૬ જુલાઈ જનસંઘના સ્થાપક પૂજ્ય ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિથી સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપા દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે જે આગામી ૧૧ ઓગષ્ટ સુધી ચાલશે.  ભટ્ટે વધુમાં જણાવ્યુ હતુ કે, સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત નવા પ્રાથમિક સદસ્ય બનવા માટે ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર મીસ્ડકોલ કરવાનો રહેશે, ત્યારબાદ મેસેજમાં મળેલ લીંક ઓપન કરી નામ સહિતની માંગેલ વિગતો ભરવાની રહેશે.

આજની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપાના વરિષ્ઠ નેતા અને પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રકાકા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,  કે.સી.પટેલ તથા શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ તથા રાજ્યના મંત્રી, પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રી, જીલ્લા/મહાનગરના પ્રભારી તથા પ્રમુખ-મહામંત્રી, લોકસભા બેઠકના પ્રભારી-ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...