Abtak Media Google News

ઉના, જાફરાબાદમાં ૪ ઈંચ, ગીરગઢડા, રાજુલા, બગસરામાં ૩ ઈંચ, કેશોદ, વેરાવળ, જામજોધપુર, મેંદરડા, માણાવદરમાં અઢી ઈંચ, તળાજા, મહુવા, વિસાવદર, પોરબંદર, લીલીયા, કોડીનાર અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ: સવારથી અનેક સ્થળોએ ઝરમર વરસાદ ચાલુ

રાજયના ૩૨ જિલ્લાના ૧૭૮ તાલુકાઓમાં વરસાદ: કચ્છ કોરો ધાકોડ

અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૩ પૈકી ૩૦ જિલ્લાઓના ૧૭૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજયમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપુરમાં ૧૮૬ મીમી પડયો છે. આ ઉપરાંત નવસારીમાં ૧૭૬ મીમી, વાપીમાં ૧૫૫ મીમી, ચોર્યાસીમાં ૧૪૭ મીમી, ઉંમરગામમાં ૧૪૨ મીમી, ચીખલીમાં ૧૨૫ મીમી, સુરતમાં ૧૨૪ મીમી, પલાસણામાં ૧૧૩ મીમી, ગણદેવીમાં ૧૧૨ મીમી અને કામરેજ અને પારડીમાં ૧૦૯ મીમી વરસાદ પડયો હોવાનું રેકોર્ડ પર નોંધાયું છે. આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘાનું જોર વધુ રહેતા નદી-નાલાઓ છલકાઈ ગયા છે. શહેરી વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.Img 20180703 100504 1

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે આગામી ૪૮ કલાક સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન પર દરીયાઈ સપાટીથી ૨.૧ અને ૩.૧ કિ.મી.ની ઉંચાઈ પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી જયારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે. શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજયમાં વરસાદનું જોર વધુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.