Abtak Media Google News

કપરાડામાં ૪, બારડોલી, ગણદેવી, વલસાડમાં ૩, પલાસણા, ધરમપુર, વાપીમાં ૨, સોજીત્રા, અંકલાવ, વડિયા, માંગરોળ, પારડી અને ચીખલીમાં ૨ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં અનેક તાલુકાઓમાં સવારથી વરસાદ ચાલુ

એકસાથે બે-બે સિસ્ટમો સક્રિય થતા અંતે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે. છેલ્લા બે દિવસથી રાજયમાં સતત વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજાએ વિશેષ વ્હાલ વરસાવ્યું હોય તેમ વલસાડના ઉમરગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનરાધાર ૮ ઈંચ વરસાદ પડયો છે તો કપરારામાં ૪ ઈંચ વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજયમાં આગામી બે દિવસમાં ચોમાસું વધુ સક્રિય થશે અને ૫ દિવસ સુધી રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૨૩ જિલ્લાના ૧૦૫ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૨૦૫ મીમી એટલે કે ૮ ઇંચથી પણ વધુ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત વલસાડના કપરારામાં ૯૭ મીમી, સુરતના બારડોલીમાં ૭૩ મીમી, નવસારીના ગણદેવીમાં ૭૦ મીમી, વલસાડમાં ૬૩ મીમી, પલસાણામાં ૫૮ મીમી, ધરમપુરમાં ૫૮ મીમી, વાપીમાં ૫૬ મીમી, સોજીત્રામાં ૫૨ મીમી, અંકલાવમાં ૫૦ મીમી, વડીયામાં ૪૮ મીમી, તારાપુરમાં ૪૮ મીમી, માંગરોળમાં ૪૩ મીમી, પારડીમાં ૪૩ મીમી, ચીખલીમાં ૪૨ મીમી, સુરત સિટીમાં ૩૭ મીમી, સુરેન્દ્રનગરના વઢવાણમાં ૩૫ મીમી, બાવળામાં ૩૫ મીમી, ઉમરઠમાં ૪૩ મીમી, જલાલપુરમાં ૨૭ મીમી, નવસારીમાં ૨૭ મીમી, બાબરામાં ૨૫ મીમી, ખેર ગામમાં ૨૫ મીમી, વાસંદામાં ૨૪ મીમી, સાણંદમાં ૨૩ મીમી, અમદાવાદમાં ૨૨ મીમી અને મહુવામાં ૨૦ મીમી વરસાદ પડયો છે. રાજયના ૨૩ જિલ્લામાં ૧ મીમીથી લઈ ૨૦૫ મીમી સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા અનરાધાર વ્હાલ વરસાવી રહ્યા છે. આજે સવારથી પણ દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ ચાલુ હોવાના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. છેલ્લા ત્રણ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતવાસીઓને વરસાદથી ગરમીમાં રાહત મળી છે. ગુજરાત ઉપરાંત પાડોશી રાજય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

રાજયમાં બે દિવસમાં ચોમાસું વધુ સક્રિય થશે: પાંચ દિવસ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અતિભારે અને સૌરાષ્ટ્રમાં મઘ્યમ વરસાદની સંભાવના

નિર્ધારીત સમય કરતા દેશમાં આ વર્ષે નૈઋત્યના ચોમાસાનું ત્રણ દિવસ વહેલું આગમન થયું હતું જોકે ત્યારબાદ સિસ્ટમ સ્થગિત થઈ જતા ચોમાસું અવરોધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું છે. આગામી બે દિવસમાં ચોમાસુ વધુ સક્રિય બની જોર પકડશે તેની અસરતળે ગુજરાતમાં પાંચ દિવસ સામાન્યથી લઈ અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ચોમાસાએ ગતિ પકડતા આગામી સપ્તાહમાં ઉતર ભારતમાં અનરાધાર મેઘકૃપા વરસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આજથી આગામી ૫ દિવસ સુધી રાજયમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તંત્ર તથા એનડીઆરએફની ટીમને એલર્ટ રહેવા પણ સુચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચોમાસાએ ગતિ પકડતા ઉતર ભારતમાં પણ એક સપ્તાહમાં મેઘકૃપા વરસશે તેવી સંભાવના છે. જુન માસમાં અત્યારસુધીમાં ૨૨.૯૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી વડીયામાં બે, વઢવાણમાં દોઢ ઈંચ

બાબરામાં ૧ ઈંચ, લાઠી, મહુવા સિંહોર, વલ્લભીપુર, બરવાળા અને ગઢડામાં પોણો ઈંચ વરસાદ સવારથી વાદળછાયું વાતાવરણ

કાળઝાળ ગરમીમાં શેકાતા સૌરાષ્ટ્રવાસીઓને અંતે મેઘરાજાએ રાહત આપી છે. નૈઋત્યનું ચોમાસું સક્રિય થતા ગઈકાલે રવિવારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મેઘરાજાની પાવનકારી પધરામણી થઈ હતી. વડીયામાં બે ઈંચ અને વઢવાણમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ૩૫ મીમી, લીંબડીમાં ૮ મીમી અને ચુડામાં ૫ મીમી વરસાદ પડયો છે. અમરેલી જિલ્લાના વડીયામાં ૪૮ મીમી, બાબરામાં ૨૫ મીમી, લાઠીમાં ૧૮ મીમી, લીલીયામાં ૬ મીમી, અમરેલીમાં ૫ મીમી અને રાજુલામાં ૨ મીમી વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં ૨૦ મીમી, ઉમરાળામાં ૧૭ મીમી, વલ્લભીપુરમાં ૧૭ મીમી, ભાવનગરમાં ૯ મીમી, ઘોઘામાં ૨ મીમી, બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડામાં ૧૭ મીમી, બોટાદ શહેરમાં ૯ મીમી અને રાણપુરમાં ૭ મીમી, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૯ મીમી, ઉનામાં ૯ મીમી, કોડીનાર અને તાલાળામાં ૫ મીમી, વેરાવળમાં ૩ મીમી વરસાદ પડયો હતો. જયારે જુનાગઢ જિલ્લામાં વરસાદ હળવા ઝાપટા પડયા હતા. રવિવારે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આખો દિવસ આકાશ ગોરભાયેલું રહ્યું છે. એકમાત્ર રાજકોટમાં હળવા ઝાપટાને બાદ કરતા ઉકત એકપણ જિલ્લામાં વરસાદ પડયો હોવાના અહેવાલો નથી.

મુંબઈમાં પણ દે ધના..ધન રેલ વ્યવહાર ખોરવાયો

કેરલમાં નિર્ધારીત સમય કરતા ત્રણ દિવસ વહેલુ ચોમાસું બેસ્યા બાદ દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સ્થગિત થઈ જવા પામી હતી. દરમિયાન છેલ્લા ૩ દિવસથી ધીમે-ધીમે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. ગત શનિવારથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે આજે સવારથી દેશની આર્થિક રાજધાની મહાનગરી મુંબઈમાં લાઈફ લાઈન ગણાતી લોકલ રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. રાતભર ગોરેગાંવ, બોરીવલી અને બાંદ્રા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસવાનું ચાલુ રહેતા અનેક ટ્રેકો પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે આજે સવારથી આ વિસ્તારોમાં લોકલ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો જોકે મુંબઈ ગરાઓએ વરસાદનું બેસુમાર આનંદ ઉઠાવ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત ગઈકાલે રાજસ્થાનમાં પણ સારો એવો વરસાદ પડી જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.