Abtak Media Google News

૬ વ્યકિતઓ લાપતા થતા શોધખોળ: તમામ જિલ્લામાં પુર રાહત અને બચાવ કામગીરી તેજ બનાવવામાં આવી

છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી કેરળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે કેરળનો મૃત્યુઆંક ૩૮ને પાર થયો છે અને હજુ પણ ૬ લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર કેરળ પર મેઘકહેર યથાવત રહી છે. ખાસ કરીને ઈડડુકી ડેમ વિસ્તારમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે. ગઈકાલે પણ ઈડડુકી વિસ્તારમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સંપૂર્ણપણે પાણીમાં ગરક થયેલા લોકો જીવન બચાવવા જજુમી રહ્યા છે. વધુમાં ગઈકાલે કેરળના વાયનાડ વિસ્તારમાં ૯૮ વર્ષીય મહિલાનું મકાન પડી જતા મોત નિપજયું હતું. આ સાથે જ કેરળનો કુલ મૃત્યુઆંક ૩૮ને વટી ગયો છે. જેમાં હજુ પણ ૬ વ્યકિતઓનો પતો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં વાયનાડના જિલ્લા કલેકટર એ.આર.અજયકુમારે ભારે વરસાદના પગલે સમગ્ર જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી પુર રાહત બચાવની કામગીરી પુરજોશમાં ચાલુ કરી છે અને લોકોને રાહત આપવા તંત્ર દ્વારા ભોજન સહિતના પ્રબંધો પણ કરવામાં આવી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. દરમિયાન કેરળના સૌથી મોટા ઈડડુકી ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઠલવાઈ રહ્યો છે તેજ રીતે પોથુન્ડી ડેમમાં પણ વિશાળ જળજથ્થો ઠલવાઈ રહ્યો હોવાથી ત્રણ દરવાજા સતત ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે અને આજ રીતે કેરળના મુલાપેરીયાલ સહિતના જળાશયોમાં વિશાળ જળરાશી છોડવામાં આવી રહી છે.

આમ કેરળને સતત ધમરોળી રહેલા મેઘ કહેરને કારણે હાલ જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે અને તમામ જિલ્લામાં પુર રાહત અને બચાવ કામગીરી તેજ બનાવવામાં આવી છે. જોકે ભારે વરસાદ સતત ચાલુ હોય બચાવ રાહત કામગીરીમાં પણ અડચણો આવી રહી છે ત્યારે એનડીઆરએફની ટીમો દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવની સાથે-સાથે લોકોને ભોજન પ્રબંધ કરાવવાની કાર્યવાહી પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.